ચંડીગઢ : ભારતનાં પંજાબ અને હરિયાણા એ બે રાજ્યોની રાજધાની. ભૌગોલિક સ્થાન : 30° 45’ ઉ. અ. અને 76° 45’ પૂ. રે.. 1947માં ભારતનું વિભાજન થતાં પંજાબના બે ભાગ થયા – પશ્ચિમ પંજાબ અને પૂર્વ પંજાબ. પશ્ચિમ પંજાબ પાકિસ્તાનનો ભાગ બન્યું; આને પરિણામે પંજાબની રાજધાનીનું સ્થળ લાહોર પાકિસ્તાનમાં જતાં, નવી રાજધાનીનો પ્રશ્ન ઊભો થયો. આ માટે નવું સ્થળ શોધવાનું જરૂરી બન્યું. આ માટે આબોહવા અને અન્ય પરિબળોને ધ્યાનમાં લઈને અંબાલા જિલ્લામાં અંબાલા-કાલકા સડકથી 5 કિમી. દૂર નૈર્ઋત્યમાં દિલ્હીથી આશરે 256 કિમી. દૂર ઉત્તરમાં સ્થાન પસંદ કરવામાં આવ્યું. બાજુમાં ચંડીદેવીનું પુરાતન મંદિર હોવાથી આ સ્થાનનું નામ ચંડીગઢ રાખવામાં આવ્યું.
આ નવા પાટનગર માટે ફ્રાન્સના વિશ્વવિખ્યાત નગરશિલ્પી લ કાર્બૂઝિયેને ચંડીગઢના નિર્માણનું કામ સોંપાયું. તેમની મદદમાં પી. જૈનરે, અંગ્રેજ વાસ્તુકાર મૅક્સવેલ ફ્રાઇ અને તેમનાં પત્ની જેનને મૂકવામાં આવ્યાં.
ઈ. સ. 1950માં આ નિષ્ણાતોએ અન્ય ભારતીય નગરશિલ્પીઓના સહયોગમાં યોજના બનાવી. 1951માં મુખ્ય એન્જિનિયર પરમેશ્વરીલાલ વર્માની દેખરેખમાં આ કાર્યનો આરંભ થયેલો. 1962માં આ નગરનું નિર્માણકાર્ય પૂરું થયેલું. આ નગર વાસ્તુકલાના ઉત્કૃષ્ટ નમૂના રૂપે છે.
1966થી ચંડીગઢ યુનિયન પ્રદેશ તરીકે છે. ચંડીગઢ પંજાબ અને હરિયાણા બંને રાજ્યોની પાટનગરી છે. ચંડીગઢનું ક્ષેત્રફળ 114 ચોકિમી. છે અને 2011ની વસ્તીગણતરી પ્રમાણે 10,54,686ની તેની વસ્તી છે. સાક્ષરતાનું પ્રમાણ 78.73 % છે.
આ પ્રદેશમાં 3,047 હેક્ટર ખેતીલાયક જમીન છે. તેમાંથી 2,740 હેક્ટરમાં સિંચાઈ થાય છે. ઘઉં, બાજરી અને ડાંગર મુખ્ય પાક છે. 27 % જમીનવિસ્તારમાં વન છવાયેલું છે.
આ નગરમાં રેલવે સ્ટેશનથી નજીક 235 હેક્ટરમાં 15 મોટા અને મધ્યમ કદના ઉદ્યોગો છે તેમાંથી બે જાહેર સાહસ રૂપે ચાલે છે. લઘુઉદ્યોગો પણ સારા પ્રમાણમાં વિકસ્યા છે. ભાખરાનાંગલમાંથી પેદા થતી કુલ વીજળીનો 3.5 % હિસ્સો ચંડીગઢને મળે છે.
ચંડીગઢ એ સ્વતંત્ર ભારતમાં સૌંદર્ય અને સ્થાપત્યની કલાર્દષ્ટિને લક્ષમાં રાખીને આયોજિત કરેલું સર્વપ્રથમ નગર છે. આધુનિક પરિવહનની સમસ્યાઓ ધ્યાનમાં લઈને ચંડીગઢના વિશાળ રાજમાર્ગો અને આંતર-વ્યવહારના માર્ગો બંધાયા છે. વૃક્ષોની હારમાળાથી તે ભવ્ય લાગે છે.
ચંડીગઢને 31 સેક્ટરમાં વિભાજિત કરેલું છે. પ્રત્યેક સેક્ટર સુયોજિત માર્ગવ્યવસ્થાથી અન્ય સેક્ટરો સાથે જોડાયેલું છે. એક નંબરના સેક્ટરમાં અગત્યનાં સરકારી કાર્યાલયો આવેલાં છે. સચિવાલય અને વિધાનસભાનાં ગૃહો દર્શનીય છે. મકાનોની સમગ્ર રચના લાલ ઈંટોથી કરવામાં આવેલી છે. આ સરકારી ભવનોની પાસે જ આધુનિક શિલ્પશૈલીમાં સુયોજિત રૉક ગાર્ડન આવેલો છે. એની બાજુમાં 3 કિમી.ના વિસ્તારવાળું સુખના સરોવર છે. અહીં નૌકાવિહારની વ્યવસ્થા છે.
10 નંબરના સેક્ટરમાં આવેલું સંગ્રહાલય અને 16મા સેક્ટરમાં આવેલ ‘ગુલાબ ઉદ્યાન’ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. આ ગુલાબ ઉદ્યાન એશિયાભરમાં મોટો છે. એમાં 1000 કરતાં પણ વધુ ગુલાબની જાતો જોવા મળે છે. સંગ્રહાલયની વિવિધ દીર્ઘામાં ગાંધાર શિલ્પના અને અન્ય ભારતીય શિલ્પના નમૂનાઓનો સંગ્રહ છે. આ ઉપરાંત શાંતિકુંજ, નૅશનલ ગૅલરી ઑવ્ પૉટ્રેટ્સ પણ જોવાલાયક સ્થળો છે.
અહીં ઉચ્ચશિક્ષણ આપતી સંસ્થાઓમાં પંજાબ યુનિવર્સિટી, પોસ્ટગ્રૅજ્યુએટ ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ મેડિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ, પૉલિટેકનિક, ઇજનેરી કૉલેજ અને માધ્યમિક શિક્ષણ માટે હાઈસ્કૂલોની વ્યવસ્થા છે.
ચંડીગઢ દિલ્હી, અમૃતસર, જમ્મુ, શ્રીનગર સાથે હવાઈમાર્ગથી જોડાયેલું છે. ભારતનાં અન્ય મોટાં નગરો સાથે સડક માર્ગથી તેમજ રેલવેથી જોડાયેલું છે.
ગિરીશ ભટ્ટ