બિહારી (જ. 1595, ગ્વાલિયર; અ. 1663) : એકમાત્ર કાવ્યગ્રંથ દ્વારા હિંદી કવિતાના ઇતિહાસમાં અનન્ય સ્થાન મેળવનાર કવિ. પિતાનું નામ કેશવરાય. બિહારીએ પિતાના ગુરુ મહંત નરહરિદાસ પાસે સંસ્કૃત-પ્રાકૃતના કાવ્યગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. લગ્ન પછી બિહારી પોતાના સાસરે, મથુરામાં રહ્યા. નિ:સંતાન બિહારીએ પોતાના ભત્રીજા નિરંજનને દત્તક લીધો હતો. બિહારીએ આગ્રા જઈને ઉર્દૂ-ફારસીનું જ્ઞાન મેળવ્યું હતું. શાહજહાંની કૃપા ઉપરાંત બિહારીને બુંદી, જોધપુર અને જયપુરના રાજાઓ પાસેથી વર્ષાસન મળતું હતું.
1645ની આસપાસ એક વાર કવિ વૃત્તિ લેવા માટે જયપુર ગયા ત્યારે ખબર પડી કે આજકાલ મહારાજા નવવિવાહિતા રાણીના પ્રેમમાં ગળાબૂડ છે અને રાજકાજ પણ સંભાળતા નથી. બિહારીએ અનેક પ્રયત્ન પછી રાજા સુધી એક દોહરો પહોંચાડ્યો, જેનો અર્થ હતો કે ‘જે કળીનો હજી વિકાસ થયો નથી; જેમાં પરાગ કે મધુ નથી, એમાં અત્યારથી ભ્રમર લિપ્ત થઈ ગયો છે; તો કળીનો વિકાસ થયા પછી શું થશે ?’ દોહો વાંચી રાજા-રાણી પ્રસન્ન થયાં અને તેમને ‘કાલી પહાડી’ ગામ આપ્યું અને પ્રત્યેક દોહા માટે એક સોનામહોર આપવાનો સંકલ્પ કર્યો. બિહારી આમેર દરબારના રાજકવિ તરીકે ઘણાં વર્ષો જયપુરમાં રહ્યા અને ‘બિહારી સતસઈ’ની રચના કરી.
બિહારીની પ્રસિદ્ધિનો આધાર એમનો એકમાત્ર ગ્રંથ ‘બિહારી સતસઈ’ છે. તેમાં 713 દોહા, કેટલાક સોરઠા ઉપરાંત ત્રણેક કવિત છે. મુક્તક-પરંપરાની અનન્ય રચનામાં બિહારીએ અલંકાર, રસ, ગુણ, ભાવ, નાયિકાભેદ, ધ્વનિ, વક્રોક્તિ, રીતિ વગેરેને ધ્યાનમાં રાખીને દોહા જેવા નાનકડા છંદમાં ‘ગાગરમાં સાગર’ સમાવવામાં સફળતા મેળવી છે. રીતિકાલના અન્ય કવિઓની જેમ બિહારીએ મુખ્યત્વે શૃંગાર રસનું નિરૂપણ કર્યું છે. દરબારી કવિની ર્દષ્ટિ સામંત સમાજના શૃંગાર સુધી જ ગઈ છે. તેમાં જનસામાન્યના પ્રેમપ્રસંગો ક્વચિત જ જોવા મળે છે. શૃંગારવર્ણનમાં કવિએ નાયિકાના રૂપનું નખશિખ વર્ણન, વય:સંધિનાં ચિત્રો અને યૌવનની માંસલ અને માદક ક્ષણો ઝડપી છે. નાયિકા-વર્ણન માટે કવિ ધર્મ, દર્શન, રાજનીતિ, વૈદક, જ્યોતિષ, ગણિત જેવા વિષયોનો આધાર લઈ પોતાની બહુજ્ઞતાનો પ્રભાવ દર્શાવે છે. સંયોગ-શૃંગારના ચિત્રણમાં કવિ શારીરિક પ્રણય-ક્રીડાઓ સાથોસાથ પ્રેમના આંતરજગતનું માર્મિક નિરૂપણ પણ કરે છે. પૂર્વરાગ અને પ્રવાસજન્ય વિરહનું વર્ણન ક્યારેક અતિશયોક્તિ કે ચમત્કૃતિમાં સરી પડે છે.
‘સતસઈ’માં શૃંગાર ઉપરાંત હાસ્ય, ભક્તિ અને નીતિવિષયક દોહા પણ મળે છે. આશ્રયદાતાની પ્રશંસામાં કવિએ વીરરસના દોહા પણ લખ્યા છે. અન્યોક્તિમાં તત્કાલીન સમાજ અને રાજવ્યવસ્થાની ઝલક પણ મળે છે.
બ્રજભાષા ઉપર કવિનું અસાધારણ પ્રભુત્વ હતું. તેમની ભાષા પ્રૌઢ, મધુર, જીવંત અને સ-રસ છે. તેમના સમકાલીન કવિઓમાં બિહારીની કલ્પનાશક્તિ, નિરીક્ષણશક્તિ અને અભિવ્યંજનાશક્તિનો જોટો જડવો મુશ્કેલ છે. બિહારીએ પ્રાકૃતની ‘ગાથાસપ્તશતી’, સંસ્કૃતની ‘આર્યાસપ્તશતી’ અને કવિ અમરુકના ‘અમરુકશતક’નો પ્રભાવ ઝીલીને ‘સતસઈ’ની રચના કરી, પરંતુ એમાં એમની પ્રતિભા અને મૌલિકતાનો નિત્યનવીન ઉન્મેષ જોવા મળે છે. ‘બિહારી સતસઈ’એ હિંદીમાં સતસઈ પરંપરાની આગવી કેડી કંડારી. ગુજરાતી ભાષાના કવિ દયારામે પણ બિહારીના પ્રભાવ હેઠળ ‘દયારામ સતસઈ’ બ્રજભાષામાં લખી છે. સૌથી વધુ ટીકાઓ ‘બિહારી સતસઈ’ વિશે લખાઈ છે. લોકપ્રિયતા અને કાવ્યત્વની ર્દષ્ટિએ બિહારીની આ રચના અ-પૂર્વ છે.
બિંદુ ભટ્ટ