બિફૉર્ટ સમુદ્ર : કૅનેડા-અલાસ્કાની ઉત્તર તરફ આવેલો આર્ક્ટિક મહાસાગરનો વિભાગ. તે અલાસ્કાની બેરો ભૂશિરથી ઈશાન તરફ પ્રિન્સ પૅટ્રિક ટાપુ પરના લૅન્ડ્ઝ છેડા સુધી વિસ્તરેલો છે, જ્યારે પશ્ચિમમાં બક્સ ટાપુથી ચુકચી સમુદ્ર તરફ વિસ્તરેલો છે. તેનો કુલ સપાટી-વિસ્તાર આશરે 4,76,000 ચોકિમી. જેટલો છે. તેની મહત્તમ ઊંડાઈ 4,761 મીટર, જ્યારે સરેરાશ ઊંડાઈ 1,004 મીટર જેટલી છે. બ્રિટિશ રિયર ઍડમિરલ સર ફ્રાન્સિસ બિફૉર્ટના નામ પરથી આ સમુદ્રને બિફૉર્ટ અપાયેલું છે.
આ સમુદ્રનો ખંડીય છાજલી વિભાગ (continental shelf) બેરો ભૂશિર નજીક તથા તેની પૂર્વ તરફ સાંકડો છે, પરંતુ મેકેન્ઝી નદીમુખની ઉત્તરે તે પહોળો બને છે, તેમ છતાં ખંડીય છાજલીનો કોઈ પણ ભાગ 145 કિમી.થી વધુ પહોળો નથી. ખંડીય છાજલીના તળની સામાન્ય ઊંડાઈ 63 મીટરથી ઓછી છે, જોકે ત્યાંથી તેનો ઢોળાવ એકાએક 1,500 મીટરથી લગભગ 2,000 મીટર જેટલી ઊંડાઈનો થઈ જાય છે. ઢોળાવના આ વિભાગમાં ક્યાંક ક્યાંક છીછરા વિભાગો તેમજ નાના ટાપુઓ પણ જોવા મળે છે. મેકેન્ઝી નદીમુખની પશ્ચિમે 18 ચોકિમી. વિસ્તાર ધરાવતો હર્ષલ ટાપુ તથા 12.8 ચોકિમી. વિસ્તાર ધરાવતો બાર્ટર ટાપુ જોવા મળે છે; વળી નદીના ત્રિકોણપ્રદેશમાં નાના નાના ટાપુઓ પણ આવેલા છે.
આ સમુદ્રનો ખંડીય ઢોળાવ (continental slope) સંખ્યાબંધ અધોદરિયાઈ ખીણોથી કોતરાયેલો છે. આશરે 2,000થી 3,000 મીટરની ઊંડાઈએ અધોદરિયાઈ બિફૉર્ટ ઉચ્ચપ્રદેશ આવેલો છે. આ અધોદરિયાઈ ઉચ્ચપ્રદેશ બક્સ ટાપુથી પશ્ચિમ તરફ દૂર સુધી પથરાયેલો છે. આ સમુદ્રના તળની ભૂસ્તરીય રચના ઉચ્ચપ્રદેશીય છે, તેની ઉપલબ્ધ ભૂકંપીય (seismic) માહિતી નિર્દેશ કરે છે કે તેનાં ભૂસ્તરીય લક્ષણો કૅનેડિયન થાળાનાં અને દરિયાઈ પોપડાનાં ભૂસ્તરીય લક્ષણોના વચગાળાનાં છે.
બિફૉર્ટ સમુદ્રની કિનારાપટ્ટીનું નીચાણવાળું ભૂમિક્ષેત્ર બધે જ સંપૂર્ણ-પણે ટુન્ડ્રપ્રદેશથી આચ્છાદિત છે, પરંતુ મેકેન્ઝી નદીમુખનો પશ્ચિમ તરફનો ભાગ ઊંચાણવાળો હોવાથી તેમાં અપવાદરૂપ છે, તે દરિયા-તરફી જિહવાકાર અવરોધો(spurs)વાળો છે. બક્સ ટાપુ અને પ્રિન્સ પૅટ્રિક ટાપુ પણ ઓછી ઊંચાઈ ધરાવે છે, તેમની વધુમાં વધુ ઊંચાઈ 270થી 740 મીટર વચ્ચેના ગાળાની છે. દક્ષિણ તરફનો કિનારા-વિસ્તાર મધ્ય ઑગસ્ટથી સપ્ટેમ્બર સુધી નૌકાવ્યવહાર માટે અનુકૂળ બની રહે છે; જોકે 3 મીટરની જાડાઈના બરફપટનો કાયમી અવરોધ કિનારા નજીક રહે છે.
ઊંડાઈ પ્રમાણે આ સમુદ્રના ચાર વિભાગો અલગ પાડી શકાય છે : (1) સમુદ્રસપાટીથી લગભગ 100 મીટર જેટલી ઊંડાઈનો જળરાશિ વિભાગ. આ વિભાગનું જળતાપમાન ઉનાળામાં –1.4° સે. અને શિયાળામાં –1.8° સે. જેટલું રહે છે, જળક્ષારતા 28થી 31 PPT જેટલી રહે છે. (2) 100 મીટર ઊંડાઈથી નીચેનો જળ-જથ્થો પેસિફિક મહાસાગરનાં પાણીથી બનેલો છે. બેરિંગ સમુદ્રના પાણી બેરિંગની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. આ પાણી સપાટીજળ કરતાં વધુ ગરમ રહે છે અને વહન પામતાં રહીને છેક ઉત્તર ધ્રુવ સુધી પહોંચે છે. (3) ઍટલાન્ટિક મહાસાગરનાં ઊંડાં પાણી વધુમાં વધુ ગરમ રહે છે, તેનાં તાપમાન 0°થી 1° સે. જેટલાં રહે છે, ક્ષારતા 34.9 થી 35.5 PPT રહે છે. (4) તળનાં પાણીનું તાપમાન –0.4° સે.થી 0.8° સે. જેટલું અને ક્ષારતા 34.9 PPT. રહે છે.
અહીંની સમુદ્રપ્રવાહ-રચના અને પ્રવાહદિશા આર્ક્ટિક મહાસાગરની પ્રવાહરચનાને મળતી આવે છે. અહીંના સમુદ્રપ્રવાહો પશ્ચિમતરફી કે નૈર્ઋત્યતરફી રહે છે; માત્ર મેકેન્ઝી નદીમુખ નજીકનો સમુદ્રપ્રવાહ પૂર્વતરફી છે.
મેકેન્ઝી નદી દ્વારા આ સમુદ્રમાં વાર્ષિક આશરે દોઢ કરોડ ટન જેટલું નિક્ષેપદ્રવ્ય જમા થાય છે, તેમાં કૅલ્શિયમ કાર્બોનેટ અને ડોલોમાઇટનો દ્રવ્ય-જથ્થો ત્રિકોણ પ્રદેશથી ઘણે દૂર સુધી જમાવટ પામે છે. મરડિયા, ઉપલો અને રેતી-નિક્ષેપો મિશ્ર બનીને તળ પર જમા થતા રહે છે. સ્થૂળ કદવાળો જથ્થો ખંડીય છાજલી પર અને સૂક્ષ્મ જથ્થો (સૂક્ષ્મ પ્રાણી-અવશેષોવાળો પંક) બક્સ ટાપુના ઉત્તર તરફના ખંડીય ઢોળાવો પર જમા થાય છે. નિક્ષેપ-દ્રવ્યમાં હૉર્નબ્લેન્ડ તથા લોહઑક્સાઇડનું પ્રમાણ પણ ઠીક ઠીક છે.
આ ઉપરાંત આ સમુદ્રમાં 70થી વધુ ફાઇટોપ્લેંક્ટોન તથા 80 જેટલી ઝૂ-પ્લેંક્ટોન જાતિઓ મળી આવે છે. તળ વિભાગમાં આશરે 700 જેટલી બ્રાયોઝોઅન, ક્રસ્ટેશિયન અને મોલુસ્કાની જાતિઓ પણ વસે છે. માછીમારી અને દરિયાઈ પ્રાણીઓનો શિકાર અહીંના લોકોની સ્થાનિક પ્રવૃત્તિ છે.
ગિરીશભાઈ પંડ્યા