બિનોદિનીદેવી, એમ. કે.  (જ. 1922, ઇમ્ફાલ) : જાણીતાં મણિપુરી નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. તેમને તેમની નવલકથા ‘બડોસાહિબ ઓંગ્બી સનતોમ્બી’ માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.

તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી શાંતિનિકેતન ખાતે કલાભવનમાં કલાની તાલીમ લીધી. મણિપુરની સાંસ્કૃતિક સંસ્થા રૂપરંગનાં તેઓ સ્થાપક સભ્ય છે. વળી જવાહરલાલ નહેરુ મણિપુર નૃત્ય અકાદમીનાં સેક્રેટરી તથા સાહિત્ય અકાદમીમાં મણિપુરી માટેની સલાહકાર સમિતિનાં સભ્ય છે.

તેમણે અત્યાર સુધીમાં 3 ગ્રંથો પ્રગટ કર્યા છે, જે પૈકી ‘નુંગેર્કતા ચંદ્રમુખી’ નામક વાર્તાસંગ્રહને 1967માં યામિની સુંદર ગુહા સુવર્ણચંદ્રક મળ્યો છે. આ ઉપરાંત તેમણે કેટલાંક બંગાળી નાટકોનું મણિપુરીમાં રૂપાંતર કર્યું છે. તાજેતરમાં રજૂઆત પામેલ મણિપુરી ફિલ્મ ‘ઓલંગથાબી વંગ્માદાસુ’ માટેની પટકથા તેમણે લખી છે. મણિપુરી સાહિત્યમાં તેમણે આપેલા પ્રદાન બદલ તેમને 1976માં ‘પદ્મશ્રી’નો ઇલકાબ પણ અપાયો છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘બડોસાહિબ ઓંગ્બી સનતોમ્બી’ તેમાં પ્રગટ થતી મનુષ્ય માટેની સર્જકની ઊંડી અનુકંપા તથા મનુષ્યસ્વભાવની સૂક્ષ્મ સમજ તથા આકર્ષક નિરૂપણરીતિના કારણે મણિપુરી સાહિત્યમાં મહત્વની ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા