બિનવિદ્યુતઢોળ (electroless-plating) : વીજપ્રવાહનો ઉપયોગ કર્યા વગર ધાતુનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા આમ તો વીજઢોળ જેવી જ છે, માત્ર ફેર એટલો કે આવા વીજપ્રવાહ જરૂરી નથી. આ રીતમાં ઢોળ માટે જે દ્રાવણ વપરાય છે તેમાં રાસાયણિક ક્રિયા દ્વારા ધાતુ-આયનો(metal ions)નું અપચયન (reduction) થાય છે. આ ધાતુ-આયનો જે દાગીના પર ઢોળ ચડાવવાનો હોય તેના પર ધાતુ રૂપે જમા થાય છે અને એ રીતે ઢોળ ચડે છે. જેની સપાટી અટપટી હોય તેવી સુશોભનાત્મક વસ્તુઓ તેમજ જે ધાતુઓની બનેલી ન હોય તેવી વસ્તુઓમાં પ્રથમ બિનવિદ્યુતઢોળથી ધાતુનું પડ ચડાવવામાં આવે છે અને પછી વિદ્યુતઢોળ(electro-plating)ની રીતથી નિકલ અને ક્રોમિયમ જેવી ધાતુનો ઢોળ ચડાવાય છે. બિનધાતુ પદાર્થો પર ઢોળ ચડાવી શકાય તે ઉપરાંત આ પ્રક્રિયાનો બીજો મોટો ફાયદો એ છે કે તેમાં દાગીનાની સપાટી પર એકધારું (uniform) આવરણ લગાડી શકાય છે; અટપટી સપાટી પર પણ ઢોળ ચડાવી શકાય છે.

આ રીતથી તાંબાનું પાતળું પડ સહેલાઈથી ચડાવી શકાય છે. આ કારણસર, તાંબાના પડવાળા મુદ્રિત પરિપથો (copper-plated printed circuits) બનાવવા માટે આ રીતનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ