બિકો, સ્ટિફન (બાન્ટુ) (જ. 1946, કિંગ વિલિયમ્સ ટાઉન, કૅપ પ્રૉવિન્સ, દક્ષિણ આફ્રિકા; અ. 1977) : દક્ષિણ આફ્રિકાના જાણીતા આંદોલનકાર. તેઓ સ્ટિવ બિકો તરીકે લોકલાડીલા બન્યા. તેઓ અશ્વેત જાગૃતિ આંદોલનના સ્થાપક અને નેતા હતા. નાતાલ યુનિવર્સિટી ખાતે ઔષધવિજ્ઞાનનો અભ્યાસ કરતા હતા ત્યારે જ તે રાજકારણમાં પડ્યા હતા.
1969માં રચાયેલા અશ્વેતો માટેના સાઉથ આફ્રિકન સ્ટુડન્ટ્સ ઑર્ગેનિઝેશનના તે સ્થાપક અને પાછળથી તેના સર્વપ્રથમ પ્રમુખ રહ્યા હતા. 1972માં ‘બ્લૅક પીપલ્સ કન્વેન્શન’ના તેઓ માનાર્હ પ્રમુખ બન્યા હતા. એ સંસ્થા 70 જેટલાં અશ્વેત મંડળોના મહાસંઘ સમાન હતી.
પછીના વર્ષે તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને તેમની હરફર, વાણી-સ્વાતંત્ર્ય અને કોઈ પણ પ્રકારના મંડળની રચના કરવાના સ્વાતંત્ર્ય પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં (1975). જીવનનાં છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન તેમને 4 વાર અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. પોલીસ-કસ્ટડીમાં જ તેમનું અવસાન થયું હતું. કદાચ પોલીસના મારના પરિણામે જ એમ થયું હોય. 1987માં રિચાર્ડ ઍટનબરોએ તેમના જીવન-કવનને અનુલક્ષીને ‘ક્રાય ફ્રિડમ’ નામની ફિલ્મનું નિર્માણ કર્યું હતું.
મહેશ ચોકસી