બિકિલા અબીબી (જ. 7 ઑગસ્ટ 1932, ઇથોપિયાના નાના ગામમાં; અ. 25 ઑક્ટોબર 1973) : મૅરેથોન દોડનો વિશ્વનો સમર્થ રમતવીર. અબીબીના પિતા ભરવાડ હતા અને તેને પર્વતો ઉપર રહેવાનું થતું હતું. અબીબી અત્યંત ગરીબ કુટુંબમાં જન્મ્યો હતો. તેણે શરૂઆતનું જીવન પર્વતો ઉપર દરિયાની સપાટીથી 2,134 મીટરની ઊંચાઈ પર વિતાવ્યું હતું. પર્વત ઉપરથી શહેરમાં આવવા-જવા માટે દરરોજ 20થી 25 કિમી. દોડતા જવું-આવવું પડતું; તેથી દોડવાનું તેના જીવનના પર્યાયરૂપ બની ગયું હતું.
મજબૂત શરીરશક્તિ ધરાવતા અબીબીને ઇથોપિયાના રાજાના ખાસ અંગરક્ષક તરીકે નોકરી મળતાં તે મહેલમાં રહેવા ચાલ્યો ગયો. દરમિયાન દોડવાનું અને તેની સ્પર્ધાઓમાં ભાગ લેવાનું તો ચાલુ જ રાખ્યું હતું. સ્વીડનના કોચ ઓની નિસ્કાનને મજબૂત સંકલ્પબળ અને સ્વતંત્ર મિજાજ ધરાવતા અબીબીને આંતરરાષ્ટ્રીય મૅરેથોન સ્પર્ધાઓમાં કેવી રીતે દોડવું તેની યુક્તિ-પ્રયુક્તિઓનું જ્ઞાન આપ્યું.
1960ની ઇથોપિયાની મૅરેથોન સ્પર્ધામાં તેણે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું અને ઑલિમ્પિક રમતોત્સવમાં જવાનું પ્રવેશદ્વાર ખોલી નાખ્યું. 1960ના રોમ ઑલિમ્પિક રમતોત્સવમાં મૅરેથોનની દોડ ક. 2 : 15 : 16.2 સેકન્ડમાં પૂરી કરી નવા રેકૉર્ડ સાથે તેણે સુવર્ણચંદ્રક મેળવ્યો. રોમ ઑલિમ્પિક્સમાં 28 વર્ષની ઉંમરે ખુલ્લા પગે પ્રસ્થાનરેખા પર તે ગયો ત્યારે બીજા હરીફો અને અધિકારીઓ અચંબામાં પડી ગયા હતા. પછી તો અબીબી બિકિલા રોમ રમતોત્સવમાં અને પછી દુનિયામાં નામાંકિત બની ગયો. રોમ ઑલિમ્પિકમાં ભાગ લેતાં પહેલાં તેણે ફક્ત બે જ વાર મૅરેથોન સ્પર્ધા પૂરી કરી હતી. એની સિદ્ધિઓમાં 1960માં ઑલિમ્પિક રમતોત્સવમાં નવા વિક્રમ સાથે પ્રથમ સ્થાન; 1961માં કોસિક મૅરેથોનમાં પ્રથમ; 1964ના ઑલિમ્પિક રમતોત્સવમાં સુવર્ણચંદ્રક વગેરેનો નિર્દેશ કરી શકાય.
અબીબીએ કુલ 15 મૅરેથોન સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને 12માં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સૌપ્રથમ તેના થકી અશ્વેત આફ્રિકનને ઑલિમ્પિક રમતોત્સવમાં સુવર્ણચંદ્રક મેળવવાનું બહુમાન પ્રાપ્ત થયું. વળી બે વખત મૅરેથોન સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવ્યો હોય એવો તે સૌપ્રથમ રમતવીર હતો.
હર્ષદભાઈ પટેલ