બાંદા, હૅસ્ટિંગ્ઝ (કામુઝુ) (જ. 1906, કાસુંગું, માલાવી; અ. 1997) : માલાવીના રાજકારણી નેતા, વડાપ્રધાન (1963–66), અને પ્રથમ રાષ્ટ્રપતિ. તેમણે અમેરિકા તથા બ્રિટનમાં ઔષધવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. કેન્દ્રીય આફ્રિકન સમવાયતંત્રનો વિરોધ કરવા બદલ તેમને 1958માં લંડન ખાતેની તેમની સફળ કારકિર્દી છોડી દેવી પડી.
1958માં તેઓ ઘાના થઈને ન્યાસાલૅન્ડ આવ્યા. પછી તેઓ માલાવી આફ્રિકન કૉંગ્રેસના નેતા બન્યા. 1959માં તેમને કેદ કરવામાં આવ્યા.
ચૂંટણી પછી 1961માં તેઓ રાષ્ટ્રીય સંસાધન (resources) વિભાગના પ્રધાન બન્યા અને (અગાઉના ન્યાસાલૅન્ડના) વડાપ્રધાન બન્યા; તે પછી તેઓ રાષ્ટ્રપતિ બન્યા અને 1971માં તેમને આજીવન રાષ્ટ્રપતિ બનાવાયા. તેમણે માલાવી પર એક જ પક્ષનું જડબેસલાક પ્રભુત્વ મેળવી લીધું; પરંતુ ઉત્તરોત્તર વધતા જતા વિરોધના કારણે બહુપક્ષીય લોકશાહી અંગેના લોકમત(referendum)માં 1993માં તેમની હાર થઈ. 1994માં યોજાયેલી દેશવ્યાપી ચૂંટણીમાં પણ તેઓ હારી ગયા.
મહેશ ચોકસી