બાળલકવો (poliomyelitis) : એક પ્રકારના વિષાણુ(virus)ના ચેપ વડે બાળકોમાં સ્નાયુઓનો લકવો કરતો રોગ. તે ટૂંકા સમયમાં ઉદભવતો એક ઉગ્ર (acute) ચેપી રોગ છે. તેનો વિષાણુ આંત્રવિષાણુ (enterovirus) જૂથનો સભ્ય છે અને વિશ્વના મોટાભાગના પ્રદેશોમાં વ્યાપક સ્વરૂપે વારંવાર દેખા દે છે. તેનાથી અસરગ્રસ્ત કિસ્સા જે તે વિસ્તારમાં સ્થાયી સ્વરૂપે (endemic) જોવા મળે છે. વિષાણુ કરોડરજ્જુમાંના ભૂખરા દ્રવ્ય(ધૂલિરંજિત દ્રવ્ય)ના આગળ તરફના શૃંગ(અગ્રશૃંગ, anterior horn)મય વિસ્તારમાં ઉગ્ર ચેપ કરે છે. તેથી તેનું શાસ્ત્રીય નામ ઉગ્ર ધૂલિમજ્જાશોથ (acute poliomyelitis) છે અને તેના વિષાણુને ધૂલિરંજિત વિષાણુ અથવા ધૂલિવિષાણુ (poliovirus) કહે છે. કરોડરજ્જુમાંના ભૂખરા દ્રવ્યના આગળના શૃંગ જેવા વિસ્તારમાં આવેલા ચેતાકોષો સ્નાયુઓનું સંકોચન કરાવીને હલનચલનમાં ભાગ લે છે. તેઓ ચેપગ્રસ્ત થાય ત્યારે જે તે સ્નાયુનો લકવો થાય છે. ચેપને કારણે કાં તો કોઈ ખાસ તકલીફ ન થાય એવો વિકાર થાય છે અથવા તો પગ કે અન્ય ભાગનો લકવો થાય છે. ક્યારેક વધુ તીવ્ર વિકાર હોય તો શ્વાસોચ્છવાસમાં તકલીફ પડે છે અને મૃત્યુ પણ નીપજે છે.
કારણવિદ્યા (aetiology) : રોગનું કારણ એક આર. એન. એ. પ્રકારનો આંત્રવિષાણુજૂથનો ધૂલિવિષાણુ (poliovirus) છે, જેના 3 રુધિરરસીય પ્રકારો (sero types) છે — 1, 2 અને 3. લકવા કરતા રોગનું મુખ્ય કારણ પ્રથમ પ્રકારનો વિષાણુ છે, જ્યારે સૌથી ઓછું કારણ બીજા પ્રકારનો વિષાણુ છે. દર્દીના મળમાં 6થી 8 અઠવાડિયાં સુધી વિષાણુ હોય છે. માખી, ગંદકી કે અસ્વચ્છ માણસો દ્વારા મળમાંથી ખોરાકની વસ્તુઓ સુધી આ વિષાણુ પહોંચે છે. ક્યારેક જ તે ગટર-વ્યવસ્થામાંથી પીવાના પાણી સુધી પહોંચીને રોગનો ફેલાવો કરે છે. માણસના શરીરમાં તે ખોરાક કે પાણી દ્વારા મુખમાર્ગે પાચનમાર્ગમાં પ્રવેશે છે. સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં તેનો ફેલાવો વધુ થાય છે. ગળાના કાકડા કાપી કાઢેલા હોય, નાકની પાછળ આવેલા નાસા કાકડા (adenoids) કાપી કાઢેલા હોય, કે દાંત કાઢ્યો હોય ત્યારે જો વાવડ હોય તો લકવાનો હુમલો થઈ આવે છે. તેવી રીતે અતિશય શ્રમપૂર્ણ કસરત કરી હોય, થાક લાગી ગયો હોય કે સ્નાયુમાં ઇન્જેક્શન (ખાસ કરીને લાંબો સમય સંગ્રહાય એવું રસીનું ઇન્જેક્શન) અપાયેલું હોય અને દર્દીના શરીરમાં તે સમયે લક્ષણરહિત ચેપ લાગેલો હોય તો પણ લકવાનો હુમલો થઈ જાય છે. જો તે સમયે કોર્ટિસોનનો દવા તરીકે ઉપયોગ થયેલો હોય તો વધુ તીવ્ર વિકાર ઉદભવે છે.
રુગ્ણવિદ્યા (pathology) અને રુગ્ણદેહધાર્મિક વિદ્યા (patho-physiology) : મોં વાટે પ્રવેશેલો વિષાણુ આંતરડા સુધી પહોંચે છે. જો બાળકમાં પહેલેથી તેની સામેની પ્રતિકારક્ષમતા ઉદભવેલી ન હોય તો તે ત્યાં પોતાની સંખ્યાવૃદ્ધિ કરીને સ્થાનિક વેળ ઘાલવાની ગ્રંથિઓ(પિંડિકાઓ, nodes)માં પ્રવેશે છે. તેમને વેળગ્રંથિઓ, વેળપિંડિકાઓ અથવા લસિકાગ્રંથિઓ (lymphnodes) કહે છે. આ ઉપરાંત આંતરડામાં પણ તનુતન્ત્વી-અંતછદીય તંત્ર(reticulo-endothelial system)ની પેશીઓ આવેલી હોય છે. તેમાં પણ વિષાણુ પ્રવેશે છે. આ સાથે તે લોહીમાં પ્રવેશીને થોડા સમય માટે સમગ્ર શરીરમાં પરિભ્રમણ કરે છે. તેને વિષાણુરુધિરતા (viraemia) કહે છે. આ રીતે આંતરડામાં, તેમાંની લસિકાભ (lymphoid) પેશીઓમાં, લસિકાગ્રંથિઓમાં અને લોહીમાં પ્રવેશેલા વિષાણુ સામે વિશિષ્ટ પ્રકારનાં રસાયણો (પ્રતિદ્રવ્યો, antibodies) બને છે. શરીરના આવા પ્રતિભાવને પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવ (immune response) કહે છે. ચેતાતંત્ર સિવાય જ્યાં પણ વિષાણુ હોય ત્યાં આ પ્રતિદ્રવ્યો તેનો નાશ કરે છે. આવો પ્રતિભાવ ઝડપી અને પૂરતો હોય તો બધા વિષાણુનો નાશ થવાથી ચેપ વિકસીને રોગ રૂપે લક્ષણો કરતો નથી અને ચેપનો નાશ થાય છે; પરંતુ કેટલાક કિસ્સામાં લોહી દ્વારા કે ચેતાપથો દ્વારા વિષાણુ ચેતાતંત્રમાં પ્રવેશી જાય છે. તે સમયે તે રોગનાં લક્ષણો સર્જે છે. પોલિયોનો વિષાણુ કેન્દ્રીય ચેતાતંત્રના કેટલાક વિશિષ્ટ વિસ્તારોને જ અસરગ્રસ્ત કરે છે. તેનાથી અસરગ્રસ્ત થતા વિસ્તારો છે — કરોડરજ્જુના ભૂખરા દ્રવ્યવાળા ભાગનું આગળ તરફનું શૃંગ (અગ્રશૃંગ, anterior horn), સંતુલન ચેતાકેન્દ્ર (vestibular centre) તથા મગજમાંથી (ખોપરીમાંથી) સીધી નીકળતી ચેતાઓ(કર્પરી ચેતાઓ, cranial nerves)નાં કેન્દ્રો, લંબમજ્જામાં આવેલા શ્વસન વગેરે જીવન માટે અગત્યનાં ચેતાકેન્દ્રો, નાના મગજનો કીટકાભ-વિસ્તાર (vermis) તથા તેનાં અન્ય ચેતાકેન્દ્રો. કરોડરજ્જુનું શ્વેતદ્રવ્ય, નાના મગજનો ચેતાકેન્દ્રો સિવાયનો ભાગ તથા મોટા મગજનો પ્રેરક વિસ્તાર (motor area) સિવાયનો ભાગ અસરગ્રસ્ત થતાં નથી.
ચેતાતંત્રીય ઈજા મંદ અને ટૂંકા ગાળાની હોય અથવા તીવ્ર અને વ્યાપક પણ હોય. ચેતાકોષોમાં નિસલની સંરચનાઓ હોય છે. તેમાં રંજકદ્રવ્ય (coloured material) આવેલું છે. તેનો નાશ થાય છે. ત્યારબાદ કોષકેન્દ્રો અને કોષોની આસપાસનો વિસ્તાર અસરગ્રસ્ત થાય છે. આ તબક્કા સુધીની પ્રક્રિયા અટકીને પાછી સામાન્ય સ્થિતિ પ્રસ્થાપિત થઈ શકે તેવી હોય છે ને પછીનો તબક્કો કોષનાશ(necrosis)નો હોય છે. તે અનિવર્તનીય (irreversible) હોય છે. તેથી ત્યારબાદ ઇજાગ્રસ્ત ભાગ ફરીથી સામાન્ય થઈ શકતો નથી. પેશીમાં કોષભક્ષી કોષો (phagocytes) હોય છે. તેઓ નાશ પામેલા કોષોનો કચરો દૂર કરે છે.
લક્ષણો, ચિહ્નો અને નિદાન : ચેપ લાગ્યા પછી રોગનાં લક્ષણો અને ચિહ્નો દેખા દે તે વચ્ચે સરેરાશ 7થી 14 દિવસનો ગાળો રહે છે. ક્યારેક આ ગાળો 5 દિવસથી માંડીને 35 દિવસનો પણ હોઈ શકે. આ સમયગાળાને વિષાણુઉછેરકાળ (incubation period) કહે છે. મોટાભાગના કિસ્સામાં કોઈ ખાસ લક્ષણો કે ચિહ્નો હોતાં નથી. કેટલાકને મંદ વ્યાધિ (minor illness) થાય છે. બહુ જ થોડાક કિસ્સામાં વધુ તકલીફો થાય છે, જેમાંથી લકવો થઈ આવે છે.
મંદ વ્યાધિમાં તકલીફો ન થાય અને ચેપ વધતો અટકી જાય તેવુંયે બને છે. આવા વિકારને શીઘ્રશમની બાળલકવો (abortive poliomyelitis) કહે છે. તેમાં 1થી 4 દિવસ માટે થોડો તાવ, માથાનો દુખાવો, ગળામાં સોજો ઊબકા-ઊલટી, અરુચિ (loss of appetite) તથા અનિશ્ચિત પ્રકારનો પેટનો દુખાવો થાય છે. ચેતાતંત્રનો કોઈ વિકાર હોતો નથી.
મહત્તર વ્યાધિ (major illness) થાય ત્યારે ચેતાતંત્ર અસરગ્રસ્ત થયેલું હોય છે. તેના મુખ્ય બે પ્રકારો છે – (અ) લકવારહિત વિકાર અને (આ) લકવાસહિત વિકાર.
(અ) લકવારહિત વિકારમાં મગજનાં આવરણો(તાનિકાઓ, meninges)માં ચેપને કારણે પીડાકારક સોજો આવે છે. તેને શોથ(inflammation)નો વિકાર કહે છે. જીવાણુજન્ય (bacterial) ચેપ ન હોવાને કારણે પરુ થતું નથી. તેથી આવા વ્યાધિને અપૂય તાનિકાશોથ (aseptic meningitis) કહે છે. મંદ વ્યાધિ થયા પછી થોડા દિવસે તે થાય છે. તે સમયે માથું દુખે છે, ઊબકા અને ઊલટી થાય છે તથા પીઠ અને પગમાં દુખાવો અને અક્કડતા આવે છે. ડોકની અક્કડતા (neck rigidity) થાય છે, જે નિદાન-સૂચક ગણાય છે. પીઠ અને પગની અક્કડતા દર્શાવવા માટે 3 કસોટીઓ છે – ત્રિપાદી ચિહ્ન (tripoid sign), ઢીંચણને ચૂમવાની કસોટી અને માથું પાછળ પડી જવાની કસોટી. પથારીમાં સૂતેલા બાળકને મદદ વગર બેઠા થવાનું કહેવામાં આવે ત્યારે આમતેમ આડા પડીને ઢીંચણને ઉપરની તરફ વાળે છે તથા બંને હાથને માથાની પાછળ લઈ જઈને ત્રણ પગવાળા ટેબલની માફક ઊભો થાય છે. તેને ત્રિપાદી ચિહ્ન કહે છે. તેવી જ રીતે તેના ખભાની પાછળ હાથ રાખીને તેના ધડને ઊંચું કરવામાં આવે ત્યારે તેનું માથું પાછળ પડી જાય છે. તેને શીર્ષપાત (head drop) અથવા માથું પાછળ રહી જવાની કસોટી કહે છે. પીઠ અને પગની અક્કડતાને લીધે બાળક તેનો પગ ઢીંચણ તથા કેડથી વાળીને ઢીંચણને તેના મોઢા પાસે લાવી શકતો નથી. તેને જાનુચુંબન કસોટી (kiss the knee test) અથવા ઢીંચણ ચૂમવાની કસોટી કહે છે.
મગજ અને કરોડરજ્જુ(મેરુરજ્જુ)ની આસપાસ તથા તેમનાં પોલાણોમાં રહેલા પ્રવાહીને મસ્તિષ્કમેરુરજ્જુતરલ (cerebro-spinal fluid, CSF) કહે છે. તેમાં કોષો અને પ્રોટીન વધે છે.
(આ) લકવાસહિત વ્યાધિ : આ રોગનાં બીજાં લક્ષણો કરતાં તેનું પ્રમાણ ઓછું છે. તેમાં મુખ્ય 3 ઉપપ્રકારો છે : (ક) કરોડરજ્જવી અથવા મેરુરજ્જવી (spinal) પ્રકાર, (ખ) મસ્તિષ્ક-પ્રકાંડીય (bulbar) અથવા મસ્તિષ્ક-પ્રકાંડ-મેરુરજ્જવી (bulbospinal) પ્રકાર અને (ગ) મસ્તિષ્કી (encephalic) પ્રકાર.
(ક) ડોક, હાથ, પગ, છાતી અને પેટના સ્નાયુઓનું નિયંત્રણ કરોડરજ્જુ કરે છે. તેને કારણે કરોડરજ્જુના જે જગ્યાના અગ્રશૃંગીકોષો અસરગ્રસ્ત થયા હોય તેને લગતા શરીરના ભાગ(દા.ત., પગ, હાથ વગેરે)નો લકવો થાય છે. લકવો થતાં પહેલાં ત્યાંના સ્નાયુઓ દુખે છે. ત્યાં સ્પર્શ કરવાથી વધુ સંવેદનાઓ થાય છે, ધ્રુજારી આવે છે સ્નાયુબંધો (tendons) સાથે સંકળાયેલી પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ (reflexes અથવા jerks) ઘટે છે. શરીરની બંને બાજુ અસરગ્રસ્ત હોય તોપણ બંને બાજુ એકસરખો લકવો થતો નથી. જો ઉરોદરપટલ (diaphragm) કે છાતીના પાંજરામાં પાંસળીઓ વચ્ચેના આંતરપર્શૂકા સ્નાયુઓ (intercostal muscles) અસરગ્રસ્ત થાય તો શ્વાસોચ્છવાસની તકલીફ પડે છે. સામાન્ય રીતે સ્વાયત્ત ચેતાતંત્રથી નિયંત્રિત અવયવો જેવાં કે હૃદય, આંતરડાં વગેરે અસરગ્રસ્ત થતાં નથી. ક્યારેક થોડા સમય માટે પેશાબનો અટકાવ કે કબજિયાત થાય છે.
(ખ) મસ્તિષ્કપ્રકાંડી કે મસ્તિષ્કપ્રકાંડ–મેરુરજ્જવી પ્રકાર : કરોડરજ્જુ (મેરુરજ્જુ) અને મોટા મગજ વચ્ચે આવેલા, ખોપરીમાંના ચેતાતંત્રના ભાગને મસ્તિષ્કપ્રકાંડ (brain stem) કહે છે. 10 % કિસ્સામાં તે અસરગ્રસ્ત થાય છે. તે જીવનને જોખમી, પરંતુ હરહંમેશ મૃત્યુકારક નહિ, એવો વિકાર છે. બહુવિસ્તારી ચેતા (vagus nerve) નામની 10મા ક્રમાંકની ચેતા અસરગ્રસ્ત થાય તો મૃદુ તાળવું, ગળું, સ્વરયંત્ર વગેરેનો લકવો થાય છે. તે સમયે અવાજ નાકમાંથી આવતો લાગે છે, શ્વાસ લેવામાં અને ખોરાક ગળવામાં તકલીફ થાય છે અને ગળામાં લાળ અને અન્ય પ્રવાહી ભરાઈ રહે છે. પ્રવાહી નાકમાં ઉપર ચઢીને બહાર આવે છે. તેથી બાળક ખાવાનું બંધ કરી દે છે. ગળામાં ભરાયેલું પ્રવાહી નીચે ઊતરે તો તે નાની શ્વાસનળીઓને બંધ કરે છે અને તેથી ફેફસાના કેટલાક ભાગમાં હવા પ્રવેશી શકતી નથી. તે ભાગની હવા શોષાઈ જાય ત્યારે ત્યાં નિર્વાતતા (atelectasis) થાય છે અને તે ભાગનું ફેફસું દબાઈ જાય છે. જે ભાગમાં હવાની અવરજવર ન થતી હોય અને બહારનું પ્રવાહી પ્રવેશ્યું હોય ત્યાં ન્યુમોનિયા પણ થાય છે.
જો શ્વસનકેન્દ્ર અસરગ્રસ્ત થયેલું હોય તો શ્વસન છીછરું અને અનિયમિત બને છે. જો વાહિનીપ્રેરક કેન્દ્ર અસરગ્રસ્ત થાય તો નાડીના ધબકારા અને લોહીના દબાણમાં વધઘટ થાય છે. તેથી થોડા સમય માટે લોહીનું દબાણ વધીને પછી ઘટી જાય છે ત્યારે આઘાત(shock)ની સ્થિતિ સર્જાય છે. નાડી ઝડપી, મંદ અને ઓછા તરંગોવાળી (thready) બને છે. ચામડી ભૂખરા લાલ રંગની અને ડાઘાવાળી (mottled) બને છે. દર્દી અજંપાગ્રસ્ત અને આશંકિત બને છે, ગૂંચવાયેલો રહે છે. ક્યારેક તેને સનેપાત થાય છે અને છેલ્લે તે બેભાન પણ થઈ જાય છે. ક્યારેક તેની સાથે કરોડરજ્જુ વડે નિયંત્રિત સ્નાયુઓનો પણ લકવો થાય છે.
(ગ) જો દર્દી મસ્તિષ્કી વ્યાધિ ધરાવતો હોય તો તેનું મોટું મગજ (ગુરુમસ્તિષ્ક) અસરગ્રસ્ત થાય છે અને તે ઉશ્કેરાયેલો, સનેપાતવાળો અને ઘણી વખત દેશકાળથી અભાન (disoriented) બને છે. ક્યારેક તેને ધ્રુજારી કે આંચકી (ખેંચ, તાણ) પણ આવે છે.
શ્વસનમાર્ગના સ્નાયુઓનો લકવો, શ્વસનકેન્દ્રમાં ફેલાયેલો ચેપ તથા આનુષંગિક તકલીફ રૂપે ફેફસી-નિર્વાતતા (pulmonary atelectasis) કે ન્યુમોનિયા થાય તો શ્વાસોચ્છવાસમાં તકલીફ ઉદભવે છે. તેને કારણે લોહીની ઑક્સિજન માટેની સંતૃપ્તતા 92 %થી નીચે ઘટી જાય છે.
ચિહ્નો અને લક્ષણોના વિકાસની વિગત તથા શારીરિક તપાસ(બે બાજુએ જુદા જુદા પ્રમાણમાં ઢીલા લકવાગ્રસ્ત અંગો)ના આધારે નિદાન કરાય છે. જ્યારે વાવડ હોય ત્યારે તાવ, ગળાનો સોજો, માથાનો દુખાવો કે ડોક અને પીઠની અક્કડતા આ રોગ હોવાની શંકા પ્રેરે છે. કેડમાંથી સોય વડે મગજ-કરોડરજ્જુની આસપાસનું પ્રવાહી (CSF) કાઢીને તપાસ કરાય છે, જેથી જીવાણુજન્ય તાનિકાશોથ (bacterial meningitis) નથી તેની ખાતરી થાય. CSF, ગળું તથા પેશાબમાંથી પોલિયોના વિષાણુ અલગ પાડી શકાય છે. પરંતુ મળમાં જો તે દેખાય તો તેટલા પરથી નિદાન થઈ શકતું નથી. દર્દી જ્યારે રોગમાંથી બહાર આવી રહ્યો હોય ત્યારે તેના રુધિરરસ(blood serum)માં તેના વિરુદ્ધનાં પ્રતિદ્રવ્યો દર્શાવી શકાય છે.
અપૂય તાનિકાશોથના તબક્કામાં અન્ય વિષાણુઓ(દા.ત., લાપોટિયુંના વિષાણુ, ઇકોવિષાણુ કે કોકસેકિ વિષાણુ)થી થતા તાનિકાશોથને પોલિયોના ચેપથી થતા તાનિકાશોથથી અલગ કરવો જરૂરી છે. ક્યારેક ન્યુમોનિયા, મરડો, ટાઇફૉઇડ અને પેશાબમાં ચેપ લાગે ત્યારે તાનિકાઓમાં વિકાર થાય છે. તેને તાનિકાવ્યાધિ (meningism) કહે છે. તેને પણ અલગ પાડવો જરૂરી બને છે. જો લકવો થયો હોય તો વિવિધ અન્ય વિકારોથી નિદાનભેદ કરવો જરૂરી બને છે. દા.ત., ચેપી બહુચેતાશોથ (infective polyneuritis) અથવા (ગુલાં-બારેનું સંલક્ષણ) લોહીમાં પોટૅશિયમનું ઘણું ઘટી જવું, ડિફ્થેરિયાનો રોગ થયા પછીની સ્થિતિ, બોચ્યુલિસ નામનું ખોરાકમાંથી લાગતું ઝેર (ક્લૉસ્ટ્રિડિયમ બોચ્યુલિનમ નામના જીવાણુનો ચેપ), મસ્તિષ્કશોથનાં અન્ય કારણો તથા હાથપગમાં પીડાકારક રોગને કારણે તેમનું હલનચલન અટકી જવાથી જાણે લકવો થાય છે.
વધુ તાવ, વધુ તીવ્ર અને ઉગ્ર લકવો, મસ્તિષ્કપ્રકાંડને અસર કરતો ચેપ કે શ્વાસોચ્છવાસનો લકવો તથા મોટી ઉંમરનું બાળક હોય તો સંપૂર્ણ સાજા થવાની શક્યતા ઘટે છે. આશરે 5 %થી 10 % દર્દીઓના મસ્તિષ્કપ્રકાંડમાં ચેપ પ્રસરે છે. તેઓમાંથી કેટલાક માટે તે મૃત્યુકારક વ્યાધિ બને છે.
પૂર્વનિવારણ (prevention) : પોલિયો વિરુદ્ધની રસી વડે દરેક શિશુને રક્ષણ આપવું જરૂરી ગણાય છે. જ્યારે પણ વાવડ ફેલાયેલો હોય ત્યારે સમગ્ર સમુદાયમાં જેમને પણ તેના ચેપનું જોખમ હોય (શાળાએ જવાની ઉંમર કરતાં નાનાં બાળકો) તે સૌને તેની ત્રિક્ષમ (trivalent) મુખમાર્ગી રસી અપાય છે. આવું કરવાથી રસી પામેલાં બાળકો મંદકૃત વિષાણુઓ(attenuated viruses)ને મળ દ્વારા બહાર ફેલાવે છે, જે વાવડ કરતા વન્ય પ્રકાર(wild type)ના વિષાણુઓના ફેલાવાને નિયંત્રિત કરે છે. તેને કારણે સામુદાયિક પ્રતિરક્ષા (herd immunity) પણ વધે છે. આ ઉપરાંત મળનો આરોગ્યપ્રદ નિકાલ પણ તેના ફેલાવાને અટકાવે છે.
પોલિયોનો ચેપ લાગતો અટકાવવા હન્ત (killed) અથવા અક્રિયકૃત (inactivated) પોલિયો વિષાણુઓ વડે બનાવાયેલી KPV રસી સાક (salk) દ્વારા વિકસાવવામાં આવેલી હતી. તેવી રીતે સેબિન દ્વારા મુખમાર્ગી (oral) સજીવ મંદકૃત (live attenuated) પોલિયોના વિષાણુઓથી બનાવેલી રસી (OPV) પણ ઉપલબ્ધ છે. હાલ વિશ્વભરમાં તે બંને વપરાય છે. તેમની મદદથી સમુદાયમાં ફેલાતા પ્રાકૃત (natural) કે વન્ય વિષાણુને લગભગ દૂર કરવામાં સફળ રહે છે. બંને પ્રકારની રસીઓમાં પોલિયો-વિષાણુના ત્રણ ઉપપ્રકારોના પ્રતિજનો(antigens)નો સમાવેશ કરતી ત્રિક્ષમ રસી હોય છે.
હંત પોલિયોવિષાણુ રસી (killed poliovirus vaccine, KPV) દ્વારા કરાતા પ્રારંભિક રસીકરણમાં 4થી 8 અઠવાડિયાંના અંતરે ચામડીની નીચે કે સ્નાયુમાં 3 ઇન્જેક્શન અપાય છે. જે દેશોમાં પોલિયોના ચેપના કિસ્સા વારંવાર થતા હોય ત્યાં કુદરતી ચેપ વડે પ્રતિરક્ષા(પ્રતિકારક્ષમતા)માં સતત વધારો થતો રહે છે. તેને પ્રબલન (reinforcement) કહે છે. પરંતુ જ્યાં તેવું થતું નથી તેવા વિસ્તારોમાં સમયાંતરે બલવર્ધક માત્રાઓ (booster doses) અપાય છે. એક નવી રસી વિકસાવાઈ છે, જેમાં 40, 8 અને 32 D પ્રતિજન એકમો વપરાયેલા છે. તેની ફક્ત બે માત્રા(dose)ની જરૂર પડે છે. તેને ત્રિગુણી રસી સાથે પણ જોડી શકાય છે અને ચતુર્ગુણી રસી (quadruple vaccine) પણ અપાય છે.
મુખમાર્ગી પોલિયો વિષાણુ રસી (oral poliovirus vacinne, OPV) રૂપે 105 થી 106 મધ્યગ કોષ સંવર્ધનજન્ય ચેપી માત્રા (median cell culture infections dose) 3 વખત પ્રવાહી રૂપે અપાય છે. સામાન્ય રીતે 2 કે 3 ટીપાંની એક માત્રા રખાય છે. અમેરિકામાં 0.5 મિલિ.ની માત્રા રખાય છે. એકથી વધુ વખત માત્રા આપીને 100 % સફળતા મળે તેવો પ્રયત્ન કરાય છે. વિકસિત દેશોના ઠંડા પ્રદેશોમાં 3 માત્રાઓ પર્યાપ્ત રહે છે. પણ ઉષ્ણ કે સમોષ્ણ વિસ્તારોના વિકાસલક્ષી દેશોમાં તે ક્યારેક અપૂરતી રહે છે અને તેથી પોલિયોના ચેપના કિસ્સાઓ નોંધાય છે. પ્રારંભિક પ્રતિરક્ષીકરણ (immunisation) વખતે વધુ માત્રાઓ આપવાથી નિષ્ફળતાનો દર ઘટે છે. જોકે જેટલી વધુ માત્રાઓ તેટલો તેને માટે આપવાનો સહકાર (compliance) ઘટે છે. અને તેથી વ્યાપક કાર્યક્રમ ઘડીને તેનો સબળ પ્રચાર કરવામાં આવે તો એક ચળવળના રૂપે વધુ માત્રાઓ આપી શકાય. તે માટે વિશ્વભરના અનેક દેશોમાં તથા ભારતમાં પણ, દર વર્ષે 3 કે વધુ વખત 5 વર્ષની નીચેનાં બધાં જ બાળકોને પોલિયોની રસી પિવડાવવાનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. તેને નિશ્ચિત સમયાંતરે અપાતી પોલિયોની રસીનો કાર્યક્રમ (pulse polio programme) કહે છે. તેની મદદથી વચ્ચેથી ખરી પડવાનો દર ઘટે છે અને સમુદાયમાં પોલિયોના ચેપના કિસ્સા નોંધાવાનું પણ ઘટે છે.
જે વિસ્તારોમાં પોલિયોના ચેપનું પ્રમાણ વધુ છે ત્યાં તે ફક્ત શિશુઓ અને નાનાં બાળકોને અસરગ્રસ્ત કરે છે અને પુખ્ત વયની વ્યક્તિઓ તેનાથી પ્રતિરક્ષિત (immune) થયેલી હોય છે. શરૂઆતના થોડા મહિના માટે માતાના શરીરમાંનાં પ્રતિદ્રવ્યો નવા જન્મેલા શિશુને રક્ષણ આપે છે. તેથી નવજાત શિશુ(neonate)ને OPVની પ્રથમ માત્રા આપવાનું સૂચન કરાય છે અને 6 મહિનાની ઉંમર સુધીમાં રસીકરણ પૂરું કરવું જરૂરી ગણાય છે. વ્યક્તિગત રક્ષણ માટે 5 માત્રાઓની જરૂર પડે છે, જેમાંની 3 માત્રાઓ ત્રિગુણી રસી સાથે અને બાકીની બે તેની આગળપાછળ 4 અઠવાડિયાંના અંતરે આપી શકાય છે. ત્યારબાદ ઓરી માટેની રસી વખતે અને ત્રિગુણી રસીની બળવર્ધક વધારાની માત્રા સમયે ફરી 2 માત્રાઓ આપીને લગભગ 100 % જેટલું રક્ષણ અપાય છે. રાષ્ટ્રીય બૃહત્કૃત પ્રતિરક્ષા કાર્યક્રમ(national expanded programme for immunsiation)માં ત્રિગુણી રસી સાથે OPVની 3 માત્રાઓ અપાય છે અને બીજા વર્ષે ચોથી માત્રા અપાય છે. આ પ્રકારે મળતી OPVની 4 માત્રાઓ દરેક બાળકનો નૂન્યતમ અધિકાર ગણાવો જોઈએ એવી માન્યતા છે.
બંને પ્રકારની રસીઓ સુરક્ષિત છે. OPV પછી ક્યારેક ટૂંકા સમય માટે ઝાડા થાય છે. પશ્ચિમી દેશોમાં એક વખત રસીને કારણે લકવાનો હુમલો થયેલો નોંધાયો છે. તે સમયે રસી સક્ષમ વિષાણુ વડે પ્રદૂષિત થયેલી હતી. ભારતમાં રસી ન મેળવેલા હોય તેવાં 100થી 800 બાળકોમાંથી એકને લકવો થાય છે માટે ઇન્જેક્શન દ્વારા અપાતી રસીથી પોલિયો થઈ જવાની સંભાવના ખરેખર તો ઘણી ઓછી ગણાય છે. જ્યારે પણ વાવડ ફેલાયેલો હોય ત્યારે શાળાએ જવાની વય(5 વર્ષ)થી નાનાં બધાં બાળકોને OPVની રસી અપાય છે. તેના વડે વાવડ કરતા – પ્રાકૃત કે વન્ય વિષાણુને સ્થાને અલ્પક્ષમકૃત (attenuated) વિષાણુને સમુદાયમાં ફરતો (સંક્રમિત) કરાય છે, જેને કારણે વાવડનો ઉપદ્રવ શમે છે. તેવી રીતે દર વર્ષે રસી આપવાના વ્યાપક કાર્યક્રમો કરવાથી વસ્તીસ્થાયી (endemic) ચેપના કિસ્સા પણ ઘટાડી શકાય છે. દક્ષિણ અમેરિકાના દેશોમાં હાથ ધરાયેલા કાર્યક્રમોએ દર્શાવ્યું છે કે અગાઉ પોલિયોની રસી મળી હોય કે નહિ તેમ છતાં દરેક શાળાવય(5 વર્ષ)થી નાનાં બાળકોને વ્યાપક કાર્યક્રમ દ્વારા દર વર્ષે પોલિયોની રસીની 3 કે વધુ માત્રાઓ આપ્યા કરવાથી ટાંચાં સાધનોવાળા વિકાસશીલ દેશોમાં પોલિયોને અસરકારક રીતે નાબૂદ (irradicate) કરી શકાય છે. ભારતભરમાં હાલ આ કાર્યક્રમ અમલમાં છે.
માતાના દૂધમાં પ્રતિદ્રવ્યો હોય છે. પરંતુ તે પોલિયોની રસીની અસરકારકતા ઘટાડતાં નથી, છતાં OPV આપતાં પહેલાં 30 મિનિટ અગાઉથી માતાનું દૂધ ન અપાય તે જોવાય છે. OPVની ક્ષમતા 3થી 4 મહિના માટે 4°થી 8° સે. તાપમાને તથા 1થી 2 વર્ષ માટે –20° સે. તાપમાને જાળવી રખાય છે. 8° સે.થી વધુ તાપમાને તેની ક્ષમતા ઘટે છે. એઇડ્ઝના દર્દીઓને પ્રતિરક્ષાની ઊણપ હોય તેવાં બાળકોને કે એવી વ્યક્તિઓનાં બાળકોને તથા જેમને અપૂરતું પ્રતિરક્ષણ મળ્યું છે તેવી પુખ્ત વયની વ્યક્તિઓને KPV અપાય છે. જ્યાં શીત શૃંખલા (cold chain) વડે OPVને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવાની કે તેનો સતત ઠંડા વાતાવરણમાં સંગ્રહ કરવાની વ્યવસ્થા ન થઈ શકતી હોય તેવા આર્થિક રીતે નબળા દેશોમાં પણ KPVનો ઉપયોગ કરવો ઇષ્ટ ગણાય છે.
જાહેર સફાઈ વડે પૂર્વનિવારણ : મળ-મુખ માર્ગે ચેપ ફેલાતો હોવાથી પોલિયોના કિસ્સા રોકવા માટે મળનિકાલ (sewage disposal) તથા જાહેર સફાઈ (sanitory) માટેની વ્યવસ્થા ઉત્તમ પ્રકારની હોવી જરૂરી ગણાય છે. જોકે આ પ્રકારની જાહેર સફાઈ સામુદાયિક પ્રતિરક્ષા(herd immunity)નું સ્તર ઘટાડે છે.
સારવાર : પોલિયોના વિષાણુ સામે કોઈ ચોક્કસ અને અસરકારક સારવાર ઉપલબ્ધ નથી. તેથી ઉપાચારાર્થે લક્ષણોની સારવાર અને રાહતદાયી તથા આધારદાયી સારવાર અપાય છે. પથારીમાં આરામ, દુખાવો મટાડતી દવાઓ, સ્નાયુઓનાં સંકોચનો ઘટાડતી સારવાર, લકવાગ્રસ્ત અંગનો યોગ્ય વિન્યાસ (posture), વ્યાયામાદિ સારવાર (physiotherapy), યોગ્ય પરિચર્યા (nursing) તથા ખોરાક ગળવાની કે શ્વાસોચ્છવાસની તકલીફ થાય તો તેની સારવાર વગેરે ઉગ્ર તબક્કાની સારવારમાં આવરી લેવાય છે.
થાકેલા અને નબળા પડેલા અસરગ્રસ્ત ચેતાઓવાળા સ્નાયુઓમાં ઈજા કે શ્રમને કારણે લકવો થાય છે. તેથી દર્દી બાળનો અજંપો ઓછો કરતી પ્રશાંતક દવા અપાય છે અને તેને પથારીમાં આરામ અપાય છે; પરંતુ જો મસ્તિષ્ક-પ્રકાંડ કે મગજમાં ચેપ પ્રસરેલો લાગે કે તેની સંભાવના હોય તો તેને ઘેન કરતી દવા અપાતી નથી; દુખાવો ઘટાડતી દવા અપાય છે તથા હૂંફાળા ભીના કપડા વડે સ્નાયુઓમાંની પીડા અને સતત સંકોચનો(spasm)ને ઘટાડાય છે; તેને પરિચારિકા કેનીનો ઉપચાર કહે છે. લકવાગ્રસ્ત અંગને તણાવ ન આવે તથા તેમનો વિન્યાસ બગડે નહિ તેવી આરામદાયક સ્થિતિમાં જાળવી રખાય છે. તે માટે જરૂર પડે રેતથેલીઓ(sandbags)નો ઉપયોગ કરાય છે. પીડા અને સતત સંકોચનો બંધ થાય એટલે વ્યાયામાદિ સારવાર શરૂ કરાય છે; તેની મદદથી કુરૂપતા (deformity) થતી અટકે છે અને લકવાગ્રસ્ત ન થયેલા સ્નાયુઓનું જોર વધે છે. પૂરતો પોષણદાયક આહાર તથા બાળદર્દીની અંગત સફાઈ જાળવી રખાય છે. જો ગળાનો લકવો થયો હોય તો બાળકને એક પડખે સુવાડીને પગ તરફનો ભાગ ઊંચો રખાય છે, જેથી કરીને નાક-મોં-ગળાનું પ્રવાહી ગળામાં ભરાઈ ન રહે. જરૂર પડ્યે ચૂષકયંત્ર (suction) વડે તેને દૂર કરાય છે. ક્યારેક શ્વાસનળીમાં છિદ્ર પાડીને શ્વાસોચ્છવાસ જાળવી રખાય છે. જો કે તેની ખૂબ સંભાળ લેવી પડે છે. શ્વસનક્રિયાનો લકવો થાય તો કૃત્રિમ શ્વસનયંત્ર (ventilator) વડે શ્વાસોચ્છવાસની ક્રિયા કરાવવી પડે છે. તે સમયે નિશ્ચેતનાવિદ્ (anaesthetist) તથા સંકટકાલીન સારવારવિદની મદદની જરૂર પડે છે.
લકવાજન્ય ઉગ્ર તબક્કો પતે એટલે કેટલા પ્રમાણમાં લકવો કે અન્ય તકલીફો રહી ગઈ છે તેની નોંધ લેવાય છે. વય વધવા સાથે લકવાગ્રસ્ત અંગ પાતળું અને ટૂંકું રહે છે; તેથી વ્યાયામાદિ ચિકિત્સક, વ્યવસાય-ચિકિત્સક તથા અસ્થિ-શસ્ત્રક્રિયાવિદ્(orthopaedic surgeon)ની મદદની જરૂર પડે છે. આવા દર્દીને લાગણીલક્ષી તથા માનસિક સમસ્યાઓ થાય છે. જેનો પણ ઉપચાર જરૂરી બને છે.
અસ્થિવિદ્યાલક્ષી સારવાર : પોલિયોના ચેપ પછી થતો લકવો ત્રીજા કે ચોથા દિવસે જોવા મળે છે અને તેમાં ક્રમશ: 18 મહિના સુધી સુધારો થતો રહે છે. એક વખત લકવો થાય ત્યારપછી તેમાં વધારો થતો નથી, તેથી જે કુરૂપતા ઉદભવે તેની તથા તેને કારણે હાડકાં, સાંધા અને સ્નાયુઓનાં વૃદ્ધિ અને વિકાસમાં જે ઘટાડો થઈ જાય તેની લાંબા ગાળાની સારવાર કરવી જરૂરી બને છે. ક્યારેક 50 વર્ષની વય પછી કેટલાક દર્દીઓમાં કમજોરી આવે છે, પરંતુ તે વિષાણુના પુન:સક્રિયણ(reactivation)ને કારણે નથી થતું, પરંતુ સામાન્ય વૃદ્ધાવસ્થાને લીધે ઘટતી જતી શક્તિને લીધે થાય છે એવું મનાય છે. પ્રથમ 18 મહિનાથી 2 વર્ષ સુધી સારવાર રૂપે ઢીલા પડેલા સાંધાને આધાર અપાય છે, તેને સ્થિરીકરણ (splintage) કહે છે. આ સાથે વ્યાયામાદિ સારવાર વડે અંગ(પગ)ના સ્નાયુઓનું એકંદર જોર વધે તેવું કરાય છે. બે વર્ષ થયા પછી જરૂરી પુનર્રચનાકીય પ્રક્રિયાઓ (reconstructive procedures) કરાય છે. આમ તો અંગમાં કોઈ પણ પ્રકારની કુરૂપતા ઉદભવી શકે, પરંતુ મુખ્યત્વે અમુક ચોક્કસ પ્રકારની કુરૂપતાઓ વધુ જોવા મળે છે. કુરૂપતાઓને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય છે : (1) કેડ અને પગની કુરૂપતાઓ અને (2) પાર્શ્વ ખૂંધ(scoliosis)ની કુરૂપતા.
(1) કેડના સાંધાથી પગને મધ્યરેખાથી દૂર લઈ જતા સાંધાઓમાં અશક્તિ આવે છે. તેને પાર્શ્વસારી અશક્તિ અથવા અપસારી અશક્તિ (abductor weakness) કહે છે તેને કારણે ચાલવામાં મુશ્કેલી પડે છે, ટ્રેન્ડેલેન્બર્ગનું ચિહ્ન હકારાત્મક બને છે અને આનુષંગિક તકલીફ રૂપે ક્યારેક કેડના સાંધામાં ઉપલચીલાપણું (subluxation) આવે છે અથવા તેમાંનું હાડકું ખસી જાય છે. તેને કટિસંધિનો અપભ્રંશ (dislocation of hip) કહે છે. તેને માટે કરાતી શસ્ત્રક્રિયાને મસ્ટાર્ડની પ્રક્રિયા કહે છે. તેમાં કેડના મણકાઓમાંથી નીકળીને જાંઘના હાડકાના ઉપલા છેડે જોડાતા નિતંબ-કટિસ્નાયુ(ileopsoas muscle)નું જંઘાસ્થિ સાથેનું જોડાણ ખસેડવામાં આવે છે. ક્યારેક તેમાં વિશિષ્ટ ફેરફાર ઉમેરવામાં આવે છે. તે સમયે નિતંબાસ્થિ(ileum)માં કાણું પાડવામાં આવે છે. આ બંને પ્રકારની શસ્ત્રક્રિયાઓથી સ્નાયુબંધ સંધાણ (tenodesis) થાય છે. ક્યારે કેડનો સાંધો આગળ તરફ વાંકો વળી જાય (વક્રન, flexion) અને મધ્યરેખાથી દૂર ખેંચાઈ જાય (અપસરન, abduction) અને તેવી સ્થિતિ લાંબો સમય રહે તો વક્રી અપસરન (flexion abduction) પ્રકારનું સ્નાયુ સંકીર્ણન (muscle contracture) થાય છે. તે સમયે વધુ બળવાન સ્નાયુઓ અગ્રસ્થ વક્રકો (anterior flexors) તથા અપસારકો(abductors)ને થોડા કાપવામાં આવે છે. ક્યારેક હાડકાની શસ્ત્રક્રિયા કરવી પડે છે, જેથી કરીને જંઘાસ્થિ ખસી જતું અટકે. તેના વડે લાંબા સમયની કેડના સાંધાની વક્ર કુરૂપતા (flexor deformity) સુધારી શકાય છે. જો કેડનો સાંધો ઢીલો પડીને લપટો (flail) થઈ ગયો હોય તો તેનાં હાડકાંને એકબીજા સાથે જોડી દેવાય છે. તેને સંધિસંધાણ(arthrodesis)ની ક્રિયા કહે છે.
ઢીંચણના સાંધાની કુરૂપતા થવાનું મુખ્ય કારણ જાંઘનો ચતુર્શીર્ષી સ્નાયુ(quadriceps fermoris)ની નબળાઈ કે લકવો છે. જાંઘના આગળના ભાગમાં જંઘાસ્થિ(femur)માંથી ઉદભવીને પગના નળાના હાડકામાં વિરમતો સ્નાયુ 4 શીર્ષ (ઉદગમસ્થાનો, origins) ધરાવે છે, તેથી તેને ચતુર્શીર્ષી સ્નાયુ કહે છે. તે ઢીંચણને સીધો કરે છે, જેથી વાળેલો પગ લાંબો થાય છે. આ ક્રિયાને લંબન (extension) કહે છે. વળી તે વ્યક્તિ ઊભી હોય ત્યારે તેના પગને શરીરના ભારથી વળી જતો અટકાવવામાં પણ ઉપયોગી રહે છે. જાંઘના પાછળના ભાગમાં આવેલા સ્નાયુઓ ઢીંચણના વક્રકો (flexors) તરીકે કામ કરે છે અને તે ઢીંચણને વાળે છે. તેઓ 4 સ્નાયુઓનો સમૂહ બનાવે છે, જેને સક્થિનીસૂત્ર સ્નાયુઓ (hamstring muscles) કહે છે. જ્યારે જાંઘની આગળની બાજુનો ચતુર્શીર્ષી સ્નાયુ નબળો પડે ત્યારે સક્થિનીસૂત્ર સ્નાયુઓનું જોર વધી પડે છે, જેથી કરીને નલાસ્થિ પાછળ બાજુ ખસી જાય છે. આવું થતું રોકવા માટે અને ઢીંચણના સાંધાને સ્થિર કરવા માટે સક્થિનીસૂત્ર સ્નાયુઓને થોડા કાપવામાં આવે છે. જોકે તેને કારણે ઢીંચણના આગળ તરફ વળી ન જાય (અતિલંબન, hyperextension) તેનું પણ ધ્યાન રાખવું પડે છે. કેમ કે ઢીંચણના અતિલંબનની સારવાર મુશ્કેલ છે. ક્યારેક ઢીંચણ એકદમ ઢીલો અને લપટો (flail) થયેલો હોય તો તેનાં હાડકાં(જંઘાસ્થિ અને નલાસ્થિ)ને જોડી દેવાય છે. તેને ઢીંચણનું સંધિ-સંધાણ (arthrodesis of knee) કહે છે.
ઘૂંટી (ankle) અને પાદ(foot)માં થતી કુરચનાઓ મુખ્યત્વે 2 પ્રકારની હોય છે. પાદને ઉપરની તરફ વાળવાની ક્રિયાને પૃષ્ઠવક્રન (dorsiflexion) કહે છે, જ્યારે પાદતલ (sole) તરફ વાળવાની ક્રિયાને પાદતલવક્રન (planter flexion) કહે છે. જો પૃષ્ઠવક્રન કરતા સ્નાયુઓ ઢીલા પડે તો પાદ નીચે તરફ વળી જાય છે. અને તેથી આંગળાવાળો છેડો જમીનને અડકે પણ પાની(calcaneum)વાળો ભાગ ઊંચો થઈ જાય છે. આવું ઘોડાના પાદમાં હોય છે તેથી તેને અશ્વપાદ (pes equinus) નામની કુરૂપતા કહે છે. પગના નલાસ્થિની પાછળના સ્નાયુના સ્નાયુબંધને લંબાવીને તેની સારવાર કરાય છે. આ સ્નાયુબંધ ઘૂંટીના સાંધાની પાછળ પાનીના હાડકા સાથે જોડાય છે. તેને કાપવાથી વ્યક્તિ દોડી શકતી નથી. તેથી તેને અધાવસ્નાયુબંધ કહે છે. પશ્ચિમી ર્દષ્ટાંતકથાઓમાં એકિલિ (Achilles) નામની વ્યક્તિમાં તે દોડી ન શકે તે માટે તેવો બંધ કાપવામાં આવેલો હોવાથી તેને એકિલિનો સ્નાયુબંધ કહે છે.
જો દર્દીના પાદતલ તરફ પાદને વાળવાના સ્નાયુઓ (જે નલાસ્થિની પાછળ આવેલા છે અને અધાવસ્નાયુબંધ વડે પાનીનાં હાડકાં સાથે જોડાયેલાં છે.) નબળા પડે તો પાદનો આગળનો ભાગ ઉપર તરફ ખેંચાઈ જાય છે અને આંગળીઓ અને અંગૂઠો વળીને બિડાઈને બિલાડીના પંજા જેવો બની જાય છે તથા જમીનને પાનીનું હાડકું અડકે છે. તેથી આવી કુરૂપતાને પાનીપાદ (pes calcaneus) કહે છે, તેને સુધારવા માટે નલાસ્થિની આગળ અને બાજુ પરના સ્નાયુઓને પાદના હાડકાથી છૂટા કરીને તથા પગનાં બંને હાડકાં વચ્ચેના આંતરાસ્થિપટલ (intersseous membrane) નામના પડદામાં કાણું પાડીને અધાવ-સ્નાયુબંધ સાથે જોડવામાં આવે છે. બિલાડીના પંજા જેવી આંગળા-અંગૂઠાની વળેલી સ્થિતિને બિડાલપાદ (clawfoot) કહે છે. તેની સારવારમાં રૉબર્ટ જૉન્સની શસ્ત્રક્રિયા કરાય છે. તેમાં આંગળીઓના વેઢા વચ્ચેના સાંધાઓનું સંધિસંધાણ કરાય છે તથા અંગૂઠાનું પાદતલવક્રન કરાવતા લાંબા સ્નાયુને કાપીને તે પૃષ્ઠવક્રન કરાવે તેવી રીતે ચોંટાડાય છે. ક્યારેક આનુષંગિક તકલીફ રૂપે પાદ વાંકો વળી જાય ત્યારે પાદતલમાં ખાડો પડી જાય છે. તેને પાદગુહન કુરૂપતા (cavus deformity કહે છે. ત્યારે પાદતલમાંના જાડા તંતુપડ (પાદતલ તંતુપડ, plantar fascia) અને પાદતલસ્નાયુ(plantar muscle)ને કાપવામાં આવે છે.
જો બાળકોમાં આ પ્રકારની કુરૂપતાઓ ટૂંકા ગાળાની હોય તો ફક્ત મૃદુપેશીની શસ્ત્રક્રિયાથી તેમાં સુધારો થઈ શકે છે; પરંતુ તે નિષ્ફળ જાય અથવા લાંબા સમયની કુરચનાઓ થયેલી હોય તો હાડકાં પર શસ્ત્રક્રિયા કરવી પડે છે; જેમાં પાદના પાછળના ભાગમાં સંધિસંધાણ તથા પાદતલનાં હાડકાંનો થોડો ભાગ કાપી કાઢવો વગેરે પ્રક્રિયાઓ કરવી પડે છે. જોકે દરેક વખતે ઘૂંટીનો સાંધો અસ્થિર ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રખાય છે.
પગની લંબાઈમાં થતો ઘટાડો એ ઉંમર વધતાં જોવા મળતી મહત્વની કુરૂપતા છે. સામાન્ય રીતે હાથની લંબાઈ વધારવા હાલ ખાસ કશું કરાતું નથી. પગમાં જો થોડી લંબાઈનો પ્રશ્ન હોય તો 2 કે 3 સેમી. જાડાં પગરખાં વડે તેનો ઉકેલ લેવાય છે. વધુ કુરૂપતા હોય તો સામાન્ય પગનાં હાડકાંના વૃદ્ધિકારક ભાગ(અધિદંડ, epiphysis)નું જોડાણ કરી શકાય છે. તેને અધિદંડસંધાણ (epiphysiodesis) કહે છે; પરંતુ જો બે પગ વચ્ચે 6 સેમી.થી વધુ તફાવત હોય તો ટૂંકા પગને લાંબો કરવો જરૂરી બને છે. આવું ઠીંગણી વ્યક્તિઓમાં ઓછા તફાવતે પણ કરવું પડે તેમ હોય છે. હાલ તે માટે ઇલિઝેરૉવની પદ્ધતિ કે તેનાં અન્ય રૂપાંતરણોની મદદથી કરાય છે. તેને દુષ્કર્ષણ (distraction) પ્રક્રિયા કહે છે.
કરોડના મણકા એક સીધી રેખામાં ન રહે ત્યારે ખૂંધ બને છે. બે પગના સાંધા અને લંબાઈમાં થતા ફેરફારને કારણે કરોડના મણકા એક બાજુ પર વાંકા વળે છે. તેને પાર્શ્વખૂંધ કહે છે. આવી ખૂંધ જો થોડી હોય તો પ્લાસ્ટરપાટાથી તેનો ઉકેલ આવે છે, પરંતુ વધુ તીવ્ર તકલીફમાં શસ્ત્રક્રિયા કરવી પડે છે.
શિલીન નં. શુક્લ