ચર્પટપંજરિકા : આદિ શંકરાચાર્યનું રચેલું મનાતું સંસ્કૃત સ્તોત્ર. ચર્પટ એટલે ધૂળની ચપટી, પંજર એટલે એક પ્રકારનું સ્તોત્ર. આ સ્તોત્રનું મૂળ નામ ‘મોહમુદગર’ (મોહને તોડનાર મુદગર = હથોડો) છે. તેમાંની એક પંક્તિ ‘रथ्याकर्पटविरचितकंथः’ — રસ્તે પડેલા ર્જીણ કપડાની જેણે કંથા બનાવી છે તે ત્યાગી સાધુ (कर्पटનું પાઠાન્તર चर्पट થયું છે.) એના શબ્દો પરથી તે ‘ચર્પટપંજરિકા’ નામે જાણીતું થઈ ગયું છે. સ્તોત્રનો આરંભ भज गोविन्दं એ શબ્દોથી થતો હોવાથી તે એ નામે પણ જાણીતું છે. ‘મોહમુદ્ગર સ્તોત્ર’ એકત્રીસ પદ્યોનું છે. તેનાં શરૂઆતનાં બાર પદ્યો સાથે એક ક્ષેપક ઉમેરી તેને भज गोविन्दं અથવા द्वादशपंजरिका એવું નામ અપાયું છે અને પાછલાં પદ્યો સાથે એક ક્ષેપક ઉમેરી તેને ‘ચર્પટપંજરિકા’ એવું નામ અપાયેલું છે.
આ ઉપદેશ-સ્તોત્ર છે. 16 x 4 માત્રાઓવાળા કટાવ છંદના આકર્ષક લયવાળા શ્લોકોના આ સ્તોત્રમાં આવતી अंगं गलितं पलितं मुंडं, दशनविहीनं जातं तुंडम् । वृद्धो याति गृहीत्वा दंडं, तदपि न मुंचत्याशापिंडम् ।। भज गोविन्दम्o ‘पुनरपि जननं पुनरपि मरणं’ ‘कस्त्वं कोडहं कुत आयात’ જેવી સંસારની અસારતા દર્શાવતી પંક્તિઓ લોકમુખે રમે છે. એમાં કાયા-માયાની, સાંસારિક સંબંધો અને ભોગોની અનિત્યતા દર્શાવી વેદાન્ત-સંન્યાસનો ઉપદેશ કરેલો છે.
રાજેન્દ્ર નાણાવટી