બાલગંધર્વ (મૂળ નામ નારાયણ શ્રીપાદ રાજહંસ)

January, 2000

બાલગંધર્વ (મૂળ નામ નારાયણ શ્રીપાદ રાજહંસ) (જ. 26 જૂન 1888, ચિંચણી, જિ. સાંગલી, મહારાષ્ટ્ર; અ. 15 જુલાઈ 1967, પુણે) : મરાઠી રંગભૂમિના સુપ્રસિદ્ધ અભિનેતા. પિતા શ્રીપાદ કૃષ્ણાજી રાજહંસ, માતા અન્નપૂર્ણા. શિક્ષણ અંગ્રેજી બીજા ધોરણ સુધીનું જ લીધેલું. તેમણે 1906થી 1955 સુધી મરાઠી રંગભૂમિ પર સ્ત્રી અને પુરુષપાત્રોના એમના અભિનય તથા સંગીત દ્વારા એકચક્રી રાજ કર્યું અને મરાઠી નાટ્યરસિકોના હૃદયમાં અત્યંત આદરણીય સ્થાન પ્રાપ્ત કરી મરાઠી રંગભૂમિને સમૃદ્ધિને શિખરે પહોંચાડી. એમણે ભજવેલાં નાટકોમાં ગદ્યમાં વચ્ચે વચ્ચે સંગીત આવતું અને તેઓ એવું લયમધુર ગાતા કે ભાવકો મંત્રમુગ્ધ થઈ જતા. એમના મોહક ચહેરાને કારણે, સ્ત્રીપાત્રના અત્યંત સહજ અભિનયને કારણે તથા સૂરીલા કંઠને કારણે તેઓ બધાનાં મન હરી લેતા. 1898માં લોકમાન્ય ટિળકે જ્યારે એમનું ગાયન પ્રથમ વાર સાંભળ્યું ત્યારે તેઓ એટલા બધા પ્રસન્ન થઈ ગયા કે બોલી ઊઠ્યા, ‘તમે તો બાલગંધર્વ છો’ અને ત્યારથી તેઓ ‘બાલગંધર્વ’ને નામે ઓળખાવા લાગ્યા. લોકમાન્ય ટિળક અને કોલ્હાપુરના મહારાજા શાહુમહારાજાના આર્શીવાદ મેળવી, 1905માં ગુરુદ્વાદશીના શુભ દિવસે તેઓ કિર્લોસ્કર નાટક મંડળીમાં દાખલ થયા. રંગભૂમિ પર પ્રથમ વાર એમણે અણ્ણાસાહેબ કિર્લોસ્કરના સંગીત-નાટક ‘સંગીત શાકુંતલ’માં, શકુન્તલાનો અભિનય કર્યો. ત્યારપછી કિર્લોસ્કર, ખાડિલકર, દેવલ, ટેંબે, ગડકરી, કોલ્હાટકર જેવા અનેક પ્રસિદ્ધ નાટકકારોનાં સંગીતનાટકોમાં ગાયું અને અભિનય કર્યો અને નટસમ્રાટ બન્યા.

બાલગંધર્વ  મહિલાની ભૂમિકામાં

તેમણે ભજવેલી ભૂમિકાઓમાં શકુંતલા (‘સંગીત શાકુંતલ’ – કિર્લોસ્કર); સુભદ્રા (‘સંગીત સૌભદ્ર’ – કિર્લોસ્કર); ભામિની (‘માનાપમાન’ – ખાડિલકર); રુક્મિણી (‘સ્વયંવર’ – ખાડિલકર); સિંધુ (‘એક ચ પ્યાલા’ – ગડકરી); શારદા (‘શારદા’ – દેવલ); રેવતી (‘સંશય-કલ્લોળ’ – દેવલ); મીરા (‘અમૃતસિદ્ધિ’ – દેસાઈ); કાન્હોપાત્રા (‘કાન્હોપાત્રા’ – કુલકર્ણી) જેવાં પાત્રોની ભૂમિકાઓ સ્મરણીય છે. એ ભૂમિકાઓમાં પ્રચુર માત્રામાં વૈવિધ્ય છે. જોકે એમણે પુરુષની ભૂમિકાઓ પણ ભજવી છે, પણ એમને લોકલાડીલા બનાવનાર તો એમની સ્ત્રીપાત્રોની ભૂમિકાઓ જ હતી. આંગિક, વાચિક અને સાત્ત્વિક ત્રણેય પ્રકારના અભિનય પર એમનું પ્રભુત્વ હતું. સિનેમાએ અગ્રસ્થાન મેળવવા માંડ્યું, ત્યારે એમણે ‘મીરા’માં મીરાની, ‘ધર્માત્મા’માં ‘એકનાથ’ની અને ‘વિઠ્ઠલ-રખુમાઈ’માં તુકારામની ભૂમિકાઓ ભજવેલી. એમને સંગીતની તાલીમ વડોદરાના સુપ્રસિદ્ધ ગાયક ભાસ્કરબુવા બખલે પાસેથી મળેલી. તેઓ સંગીતની મહેફિલોમાં પણ ભાગ લેતા અને ખ્યાલ, ઠૂમરી, ગઝલ, દાદરા અને ભક્તિગીતો ભાવપૂર્ણતાથી ગાતા.

એમના સ્ત્રીપાત્રોના અભિનયથી લોકો એટલા બધા પ્રભાવિત થયેલા કે સ્ત્રીઓ એમની વેશભૂષા તથા અભિનયનું ફૅશનની રીતે અનુકરણ કરતી. એમને નાટ્યાભિનયક્ષેત્રે જે બહુમાનો પ્રાપ્ત થયાં તે આ પ્રમાણે છે : 1929માં તેઓ મરાઠી નાટ્યપરિષદના અને 1944માં નાટ્ય શતાબ્દી મહોત્સવના અધ્યક્ષ થયા. તેમને 1955માં અભિનય માટે સંગીત-નાટક અકાદમી તરફથી રાષ્ટ્રપતિ ચન્દ્રક, 1962માં વિષ્ણુદાસ ભાવે સુવર્ણચંદ્રક અને 1964માં ભારત સરકાર તરફથી ‘પદ્મભૂષણ’નો ખિતાબ એનાયત થયા.

યશવંત કેળકર