બાલક્રિશ્નન, કે. જી. (. 12 મે 1945, કોટ્ટાયમ, કેરળ) : ભારતની સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ દલિત મુખ્ય ન્યાયમૂર્તિ. ન્યાયતંત્રનું આ સર્વોચ્ચ પદ હાંસલ કરીને તેમણે ન્યાયના ક્ષેત્રે એક સીમાચિહ્ન અંકિત કર્યું છે. માર્ચ 1968માં અર્નાકુલમ્માં કાયદાના ક્ષેત્રમાં પાંચ વર્ષની કામગીરી કરી કેરળ રાજ્યની અદાલતી સેવામાં જોડાયા. સપ્ટેમ્બર 1985માં કેરળની વડી અદાલતના ન્યાયાધીશ બન્યા અને ત્યાંથી બદલી મેળવી ગુજરાત રાજ્યની વડી અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા. સપ્ટેમ્બર, 1999માં ચેન્નાઈની વડી અદાલતના ન્યાયાધીશ બન્યા બાદ તેઓ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બન્યા.

કે. જી. બાલક્રિશ્નન

આ કારકિર્દી દરમિયાન તેમણે પારદર્શકતામાં ઊંડો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેઓ માહિતીના અધિકારના પુરસ્કર્તા છે તેમજ આ અધિકારથી લોકોમાં ભાગીદારીની લાગણી ઉદભવશે અને ફેલાશે તેવું તેમનું મંતવ્ય છે. ભ્રષ્ટાચારમાંથી દેશને બહાર લાવવો તે તેમની પ્રાથમિકતા છે. આમ છતાં તેઓ જણાવે છે કે ‘અદાલતી નિમણૂકોની બાબતમાં આપણે અત્યંત કાળજીપૂર્વક આગળ વધવું જરૂરી છે. ન્યાયના અધિકારીના પૂર્વ-ઇતિહાસ અંગે કાળજીપૂર્વકની ચોકસાઈ કરવી આવશ્યક છે.’

તેઓ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ વાય. કે. સભરવાલના અનુગામી છે. મુખ્ય ન્યાયાધીશનો હોદ્દો ગ્રહણ કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘દેશે તેમને ભારે જવાબદારીનું કામ સુપરત કર્યું છે’.

રક્ષા મ. વ્યાસ