બારૂક, બર્નાર્ડ મેન્સ (જ. 19 ઑગસ્ટ 1870, કામદેન, સાઉથ કૅરોલિના, યુ.એસ.; અ. 20 જૂન 1965, ન્યૂયૉર્ક, યુ.એસ.) : વીસમી સદીના પૂર્વાર્ધના ઘણા અમેરિકી રાષ્ટ્રપ્રમુખોના આર્થિક સલાહકાર, શાહુકાર અને દાનવીર. 1889માં ન્યૂયૉર્કમાંથી સ્નાતકની પદવી હાંસલ કરી શેરબજાર દ્વારા તેમણે અઢળક સંપત્તિ એકત્ર કરી. નાણાક્ષેત્રે તેમના કૌશલ્યને અનુલક્ષીને 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) શરૂ થતાં પ્રમુખ વુડરો વિલ્સને તેમને નાણાસચિવના પદે આમંત્ર્યા, પરંતુ બારૂકે આ પ્રસ્તાવ ઠુકરાવી તેમના આર્થિક સલાહકાર બનવાનું પસંદ કર્યું. 1917માં અમેરિકા વિશ્વયુદ્ધમાં જોડાતાં બારૂકને ‘વૉર ઇન્ડ્રસ્ટ્રિઝ બૉર્ડ’ના અધ્યક્ષપદે નીમવામાં આવ્યા. યુદ્ધના અર્થતંત્ર સબબે આ મહત્વપૂર્ણ કામગીરી હતી. વિશ્વયુદ્ધ સમાપ્ત થયા બાદ શાંતિ પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે તેમણે તમામ ગુપ્ત મંત્રણાઓમાં ભાગ લીધો હતો અને વર્સેલ્સ શાંતિ કરારની આર્થિક કલમોના મુસદ્દાને ઘડવામાં તેમણે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
પ્રથમ વિશ્વયુદ્ધ બાદ પણ તેઓ વૉરેન હાર્ડિંગ, કેલ્વિન કુલીજ અને હર્બર્ટ હુવર જેવા પ્રમુખોના સલાહકાર બની રહ્યા. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન ફ્રૅન્કલિન ડી. રૂઝવેલ્ટે કરેલી એલચીપદની દરખાસ્ત ઠુકરાવી તેમણે યુદ્ધ માટે દેશનાં આર્થિક સંશોધનો સંગઠિત કરવા માટે સલાહકારનું સ્થાન સ્વીકાર્યું. યુદ્ધ પૂરું થયા બાદ પ્રમુખ ટ્રુમેને સંયુક્ત રાષ્ટ્રસંઘના અણુ-ઊર્જા પંચમાં અમેરિકાના પ્રથમ પ્રતિનિધિ તરીકે બારૂકને નીમ્યા. અહીં તેમણે ઘડેલો ‘બારૂક પ્લાન’ બહુચર્ચિત રહ્યો. 1952માં ટ્રુમેનથી અળગા થઈ બારૂકે આઇઝેનહોવરને સહાય કરી. જૉન એફ. કેનેડીએ પણ ઘણા મુદ્દાઓ પરત્વે બારૂકની સલાહ લીધી હતી.
ઘણા અમેરિકી પ્રમુખોની નિકટ રહેવા છતાં બારૂક સક્રિય રાજકારણથી વેગળા રહ્યા. પડદા પાછળ રહી શકવર્તી રાજકીય ભૂમિકા ભજવનાર બારૂકે અમેરિકી પ્રજામતના ઘડતરમાં ગણનાપાત્ર પ્રદાન કર્યું છે. ઇંગ્લૅન્ડના વડાપ્રધાન ચર્ચિલના તેઓ જીવન પર્યંત મિત્ર રહ્યા. તેમણે તેમની વિપુલ સંપત્તિનો ઉપયોગ અનેક ઔદ્યોગિક યોજનાઓને નાણાં ધીરવામાં, વિશ્વવિદ્યાલયોને અનુદાન આપવામાં અને તબીબી સંશોધનોને પ્રોત્સાહન આપવા માટે કર્યો.
બારૂકને બૉક્સિંગ, તરણ અને શિકારનો શોખ હતો. 1897માં એની ઝિફેન સાથે લગ્ન બાદ તેઓ પણ ત્રણ સંતાનોના પિતા બન્યા હતા. ‘એ ફિલૉસોફી ઑવ્ અવર ટાઇમ’ (1954), ‘બારૂક : માય ઓન સ્ટોરી’ (1957) અને ‘ધ પબ્લિક ઇયર્સ’ (1960) તેમના પ્રમુખ ગ્રંથો છે.
અમિત ધોળકિયા