આયોજન (1 ) (planning) : કંઈ પણ કરતાં પહેલાં તેના વિશે વિચારણાની પ્રક્રિયા વડે લક્ષ્ય, સાધન, પદ્ધતિઓ, પ્રક્રિયાઓ અને મૂલ્યાંકનનાં ધોરણ વગેરેના સંકલિત માળખાની રચના કરવી તે. નક્કી કરેલાં કાર્યો પૂરાં કરવાનો તે એક નિશ્ચિત માર્ગ છે. મૂળભૂત રીતે દીર્ઘદૃષ્ટિ અને સૂઝ કેળવવાની તે એક બૌદ્ધિક કસરત છે. બૌદ્ધિક કસરતની પ્રક્રિયાને વ્યક્ત કરવાનાં સૌ સાધનોનો તેમાં સમાવેશ થાય છે. તેમાં અવનવા અનેક વિકલ્પો વિચારવાનું, કંઈક નવું શોધવાનું અને વિચારોની દિશા અને ગતિ બંનેને બદલવાનું અધ્યાહાર છે. સમય સાથે આવતાં પરિવર્તનોને સહજ રીતે અનુકૂળ થવાનું તે એક સાધન છે. તેનો સૂક્ષ્મ હેતુ મહત્તમ પરિણામ મેળવવાની દિશામાં કાર્યફળને સુધારતાં રહેવાનો છે. ધંધાકીય, તંત્રવિદ્યાકીય, રાજકીય, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતાં સંગઠનોમાં આયોજન એક સર્વોપરી કાર્ય હોવાનું સંચાલકોએ સ્વીકાર્યું છે.
આયોજનની અસરકારકતા માટે આયોજકોએ માહિતીનાં આધાર, ધારણાઓ અને મર્યાદાઓ વિશે સ્પષ્ટતા કેળવવી જોઈએ; ઉદ્દેશસિદ્ધિ માટે તેમની પ્રતિબદ્ધતા હોવી જોઈએ. તેમણે સમયના ફેરફાર સાથે યોજનાઓમાં ઉચિત ફેરફાર કરવાનું સ્વીકારવું જોઈએ. આયોજનમાં ભાગ લેનાર સૌએ વ્યૂહરચનાઓ, નીતિઓ, કાર્યવિધિઓ અને પદ્ધતિઓ વિશે વ્યાપક માહિતીસંચાર કરવો જોઈએ અને તેમનામાં નિશ્ચિત સત્તા, જવાબદારી અને ફરજની વહેંચણી થવી જોઈએ.
આયોજનના ખ્યાલને વ્યવહારમાં મૂકવા લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય તેવાં ઉદ્દેશો, નીતિઓ, કાર્યવિધિઓ, પદ્ધતિઓ, ધોરણો, નિયમો વગેરે સંચાલકો તૈયાર કરી શકે છે; જ્યારે એક જ વાર ઉપયોગમાં લઈ શકાય તેવાં કાર્યક્રમો, પરિયોજનાઓ, વ્યૂહરચનાઓ, અંદાજપત્રો વગેરે પણ તેઓ તૈયાર કરી શકે છે.
આયોજન વ્યવસ્થાકાર્ય, માર્ગદર્શન, દોરવણી અને સંકલન તથા મૂલ્યાંકન અને અંકુશ જેવાં સંચાલકોનાં કાર્યો વિશે તેમજ ઉત્પાદન, વિપણન, કર્મચારી વિશેના, કાર્યાલયના અને નાણાકીય જેવા સંચાલનના કાર્યવિસ્તારો વિશે આયોજન કરી શકાય છે. સંચાલકોનાં કાર્ય અને સંચાલનના કાર્યવિસ્તાર બંનેનું સંકલન કરીને પણ આયોજન થઈ શકે છે. આવું આયોજન ત્રણ સ્તરનું હોઈ શકે : ઉપરના સ્તરે વ્યૂહાત્મક, મધ્યસ્તરે પ્રયુક્તિલક્ષી અને નીચેના સ્તરે કાર્યલક્ષી.
આયોજનથી નિર્ણયઘડતરની પદ્ધતિમાં સ્થિરતા આવે છે, ભાવિની અનિશ્ચિતતા સામે રક્ષણ મળે છે, એકમની હરીફાઈક્ષમતા અને કાર્યદક્ષતા વધે છે, એકમમાં અંકુશ રાખવાનું સરળ બને છે, સાધનોનો બગાડ અટકે છે અને તેમનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે, કર્મચારીઓમાં ઉદ્દેશ સિદ્ધ કરવાની પ્રતિબદ્ધતા વધે છે, તેમનામાં સહકાર અને સંકલનનું વલણ વિકસે છે અને તેમની ભાગીદારીથી ભાવિ સંચાલકો આપમેળે તૈયાર થાય છે.
જ. ઈ. ગઠિયાવાલા