બાણભટ્ટ કી આત્મકથા (1946)

January, 2000

બાણભટ્ટ કી આત્મકથા (1946) : હિંદી સાહિત્યકાર આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદીની ઐતિહાસિક નવલકથા. તેમાં નાયક બાણની આત્મકથા બાણની જ શૈલીમાં રજૂ થઈ છે. બાણભટ્ટ, નિપુણિકા અને ભટ્ટિનીના પ્રણયત્રિકોણની કથાની આસપાસ સાતમી-આઠમી શતાબ્દીના ભારતનું સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક પરિર્દશ્ય તેમણે ગૂંથી લીધું છે. પ્રેમ અને સમર્પણની ઉદાત્ત ભાવનાથી રસાયેલી આ નવલકથામાં ઇતિહાસની પુનર્રચના દ્વારા ભારતીય સંસ્કૃતિની અસ્મિતા જગાડવાનો ઉચ્ચાશય છે.

નવલકથા 20 ઉચ્છવાસોમાં વિભાજિત છે. વસ્તુના મૂળ સ્રોત છે – સંસ્કૃત સાહિત્યના જાણીતા રચનાકાર બાણ ભટ્ટ અને શ્રીહર્ષવર્ધનની કૃતિઓ. નાયક બાણ આજ સુધી ઉદ્દંડ અને આવારા ‘બંડ’ નામે ખ્યાત છે. ફરતો ફરતો એક દિવસ એ સ્થાણ્વીશ્વરમાં આવી ચઢે છે. ત્યાં એની મુલાકાત પાન વેચતી નિપુણિકા સાથે થાય છે. નિમ્ન જાતિમાં જન્મેલી બાળવિધવા નિપુણિકા પહેલાં બાણની નાટકમંડળીમાં કામ કરતી હતી અને મનોમન બાણને ચાહતી હતી. પરંતુ સંસ્કૃત ભાષાના અજ્ઞાનને કારણે ગેરસમજ થવાને કારણે એ બાણની મંડળી છોડી દે છે. નિપુણિકા એક ‘દેવકાર્ય’માં બાણની મદદ માગે છે. બંને મળીને મૌખરીવંશના નાના રાજકુળમાં બંદી અપહૃતા ભટ્ટિનીને મુક્ત કરે છે. કુમાર કૃષ્ણવર્ધનની મદદથી ત્રણે અનેક વિઘ્નો પછી ભદ્રેશ્વર દુર્ગના આભીર સામંત લોરિકદેવના આશ્રયમાં પહોંચે છે. દેશ ઉપર વિદેશી દસ્યુઓના આક્રમણનાં વાદળો ઘેરાયાં છે. આ સંકટસમયમાં એકમાત્ર આશાનું કિરણ છે દેવપુત્ર તુવરમિલિંદ. પરંતુ હાલ એ પુત્રીના અપહરણથી હતાશ મનોદશામાં છે. ભટ્ટિની તુવરમિલિંદની પુત્રી નયનતારા ચંદ્રદીધિતિ છે. સાચો પરિચય મળતાં મગધસમ્રાટ ભટ્ટિનીને રાજકીય માન-સન્માન સાથે સ્થાણ્વીશ્વરમાં આમંત્રે છે. ધાર્મિક જીવનમાં રાજ્યની દખલને કારણે ક્ષુબ્ધ પ્રજાના મનોરંજનાર્થે હર્ષરચિત ‘રત્નાવલી’ નાટક ભજવવામાં આવે છે. નાટકના અંતે વાસવદત્તાનો અભિનય કરતી નિપુણિકા રત્નાવલીનો હાથ ઉદયનનો અભિનય કરતા બાણના હાથમાં આપી પ્રાણત્યાગ કરે છે. બાણને પુરુષપુર જવાનો આદેશ મળે છે. ભટ્ટિની વિદાય આપતા બાણને કવિતા દ્વારા આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો ભેદ ભૂંસી નાખવાની પ્રેરણા આપવા કહે છે. છૂટાં પડતી વેળાએ બંનેના હૃદયમાં એક જ પ્રશ્ન પડઘાય છે – ‘ફરી મળાશે ?’

‘બંડ’ અને ‘રખડેલ’ કહેવાતો બાણ ભટ્ટિનીના સંપર્કે નિપુણિકાની લાગણીઓ પણ સમજી શકે છે. અપૂર્વ સાહસ અને સંયમ દ્વારા એ લાંછિત સ્ત્રીઓનો ઉદ્ધારક બની નાયકત્વ ધારણ કરે છે. સ્ત્રી-શરીરને દેવતાનું મંદિર માનતા બાણને ભટ્ટિની અને નિપુણિકા બંને મનોમન ચાહે છે. આ પ્રણયત્રિકોણમાં બંને અનસૂયા નારીઓ ત્યાગ અને સમર્પણમાં સ્પર્ધા કરે છે.

બાણભટ્ટની પ્રસિદ્ધ ભાષા-શૈલીમાં બાણની આત્મકથા પ્રતીતિકર બની છે. નવલકથાના આરંભે અને અંતે એક સાહિત્યિક પ્રયુક્તિ યોજવામાં આવી છે. લેખકના કહેવા પ્રમાણે આ મિસ કૅથરાઈનને મળેલી પ્રાચીન સંસ્કૃત હસ્તપ્રતનું હિંદી રૂપ છે. નવલકથાના અંતે કૅથરાઈનના પત્ર દ્વારા આ જવનિકા છેદે છે. કથાવસ્તુ, પાત્રનિરૂપણ, પરિવેશ અને ભાષા-શૈલીની ર્દષ્ટિએ આ નવલકથા એક અપૂર્વ અને સફળ પ્રયોગ છે.

બિંદુ ભટ્ટ