બાડા : ઓરિસા શૈલીનાં વિકસિત સ્વરૂપનાં મંદિરોમાં ગર્ભગૃહ અને જગમોહનને ફરતી દીવાલોની વિશિષ્ટ રચના. ઓરિસામાં દેવાલયને ‘દેઉલ’ કહે છે. ત્યાં શરૂઆતમાં એકલું ગર્ભગૃહ જ રખાતું ને પછી એની આગળ બીજા ખંડ ઉમેરાતા ગયા ત્યારે પણ દેવાલયનું મુખ્ય અંગ એ જ રહ્યું. આથી ગર્ભગૃહને પણ ‘દેઉલ’ કે ‘બાડા દેઉલ’ કહે છે. આવા દેવાલયમાં સાધારણ રીતે ગર્ભગૃહ અને મંડપ (જગમોહન) હોય છે. અંદરના ભાગમાં એ બંને ખંડ સાદા અને ચોરસ હોય છે. બહારના ભાગમાં દરેક બાજુની વચ્ચે એક કે વધારે પ્રક્ષેપ કાઢીને દીવાલમાં ત્રણ, પાંચ કે સાત ખાંચા પાડવામાં આવે છે. આ પ્રલંબોને લઈને દીવાલોના આકારમાં વૈવિધ્ય આવે છે અને એ પ્રક્ષેપોને છેક ટોચ સુધી પ્રસારવામાં આવે છે. આમ પીઠ, વેદિબંધ, મંડોવર અને શિખર શરૂ થતાં હોય ત્યાં સુધી એ પ્રક્ષેપોને પ્રસારવામાં આવે છે. શિખરની ર્દઢતા માટે આ રચના ઘણું મહત્વ ધરાવે છે. બાડાની ઊંચાઈની રચનામાં ખાસ કરીને પથ્થરના માપ પ્રમાણે વિભાજન કરાય છે અને વચ્ચે પટ્ટાઓ (પથ્થરના પાટલા) રખાય છે, જેથી દીવાલની જાડાઈ જળવાય છે. ‘બાડા’ આવા વિભાજિત ભાગ માટે પ્રયોજાતો શબ્દ છે.

આમ બાડા દેવાલયનું મહત્ત્વનું અંગ હોઈને ઓરિસામાં સમગ્ર દેવાલયને પણ ‘બાડા દેઉલ’ કહેવામાં આવે છે.

રવીન્દ્ર વસાવડા