બાટા : પશ્ચિમ આફ્રિકાના વિષુવવૃત્તીય ગીની(Equatorial Guinea)માં આવેલા રીઓ મુનિ (રિયોમ્બિની) પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 1° 40´ ઉ. અ. અને 9° 50´ પૂ. રે. છે. તે રિયોમ્બિનીથી ઉત્તરે 29 કિમી. અંતરે ગીનીના અખાત પર આવેલું છે. અહીં કુદરતી બારું ન હોવાથી માલવાહક જહાજોને દૂરતટીય (offshore) સ્થાને લાંગરવા માટે જેટી બાંધવામાં આવેલી છે. અહીંથી નિકાસ કરવામાં આવતી મુખ્ય ચીજોમાં કૉફી અને લાકડાંનો સમાવેશ થાય છે. બાટા શહેર ગીનીના પાટનગર માલાબો (જૂનું નામ સાન્ટા ઇસાબેલ) તથા ગૅબનના લિબરવિલે સાથે હવાઈ માર્ગે જોડાયેલું છે. 1969માં થયેલાં સ્પેન વિરુદ્ધનાં હુલ્લડો બાદ બાટામાં યુરોપીય નિવાસીઓની સંખ્યામાં ઘણો ઘટાડો થઈ ગયો છે, ત્યારપછી તેના અર્થતંત્રમાં પણ ભારે મંદી પ્રવર્તી રહેલી અને તે 1980ના દશક સુધી ચાલેલી.
ગિરીશભાઈ પંડ્યા