બાકુનિન, મિખાઇલ ઍલેક્ઝાન્દ્રોવિચ [જ. 30 મે (જૂના કૅલેન્ડર મુજબ 18 મે) 1814, તાજોક પ્રેમુખિના, રશિયા; અ. 1 જુલાઈ (જૂના કૅલેન્ડર મુજબ 19 જૂન) 1876, બર્ન, સ્વિટ્ઝર્લૅન્ડ] : ઓગણીસમી સદીના અગ્રણી અરાજ્યવાદી ચિંતક અને રશિયન ક્રાંતિકારી. ગર્ભશ્રીમંત કુલીન પરિવારમાં જન્મ. લશ્કરી તાલીમ માટે તેમને પોલૅન્ડ સાથેની સરહદ પરની લશ્કરી છાવણીમાં મોકલવામાં આવ્યા, પરંતુ લશ્કરી જીવનની સખ્તાઈ અનકૂળ ન આવતાં 1835માં તેઓ તેમાંથી મુક્ત થઈ ગયા. 1840માં બર્લિન ખાતે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા ગયા અને તે દરમિયાન હેગેલ તથા ફિક્ટ(fichte)ના તત્વજ્ઞાનના ઊંડા પ્રભાવમાં આવ્યા. પરિણામે જર્મનીના ‘યંગ હેગેલિયન’ જૂથના સભ્ય બન્યા. થોડો સમય સ્વિટ્ઝર્લૅન્ડ અને બેલ્જિયમમાં ગાળ્યા બાદ પૅરિસમાં સ્થાયી થયા. જર્મનીની 1848–49ની ક્રાંતિકારી ચળવળમાં
તેમણે સક્રિય રસ લીધો. તેમાંથી પ્રેરણા લઈ તેમણે પોલૅન્ડ, ફ્રાન્સ, ઑસ્ટ્રિયા અને જર્મનીમાં બળવો કરાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, જે માટે તેમને 1849માં દેહાંતદંડની સજા ફટકારવામાં આવી અને 1855માં સાઇબીરિયા મોકલવામાં આવ્યા, જ્યાંથી છટકી જઈને 1861માં જાપાન થઈને તેઓ ઇંગ્લૅન્ડ આવ્યા. ક્રાંતિકારી અને સામ્યવાદી જૂથોના સંઘ ‘ફર્સ્ટ ઇન્ટરનેશનલ’માં 1868માં બાકુનિનને પ્રવેશ અપાયો ખરો, પરંતુ 1872માં હેગ ખાતે ભરાયેલ કમ્યુનિસ્ટ ઇન્ટરનેશનલમાં કાર્લ માર્કસની સૂચનાથી તેમને બરતરફ કરાયા. દરમિયાન 1870માં તેમણે લિયૉન ખાતે બળવો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. જર્મનીનો વિરોધ અને સ્લાવ રાષ્ટ્રવાદની હિમાયત તેમના વારંવારના જેલવાસનું કારણ બન્યાં. યુરોપના ઘણા દેશોમાં ગુપ્ત ક્રાંતિકારી સંગઠનોની રચનામાં તેમનો ફાળો મહત્વનો હતો. પોલૅન્ડના એક વ્યાપારીની પુત્રી સાથે પરણેલ બાકુનિનના જીવનનાં અંતિમ વર્ષો સ્વિટ્ઝર્લૅન્ડમાં દારુણ ગરીબી અને એકલતામાં વીત્યાં.
પ્રૂડૉં(Proudhon)ની સાથે બાકુનિન પણ ઓગણીસમી સદીની અરાજ્યવાદી વિચારસરણીના અગ્રગણ્ય પુરસ્કર્તા હતા. રાજ્યસંસ્થા માણસનો સૌથી મોટો શત્રુ અને શોષક છે એમ તેઓ માનતા હતા. રાજ્યના અને સત્તાધિકારની સંકલ્પનાના ધ્વંસ વિના માનવમુક્તિ અસંભવ છે. રાજ્ય ધર્મ અને ઈશ્વરના ભ્રામક ખ્યાલોને સહારે લોકોનું શોષણ કરે છે એવી તેમની માન્યતા હતી. બાકુનિન ધર્મને સામૂહિક ઉન્માદ અને લોકચેતનાનું વિકૃત સ્વરૂપ માનતા હતા. કામદાર વર્ગ કરતાં ખેડૂતોની ક્રાંતિકારી ક્ષમતામાં તેમને વિશેષ આસ્થા હતી. શિસ્તબદ્ધ, સંગઠિત અને ગુપ્ત વિપ્લવવાદી જૂથો દ્વારા રાજ્યનો વિનાશ થયા બાદ રાજ્યનું સ્થાન ખેડૂતો, કારીગરો અને કામદારોનાં સંગઠનોનો મુક્ત સંઘ ગ્રહણ કરશે એવી તેમની શ્રદ્ધા હતી. વર્ગવિહીન સમાજરચનાના હિમાયતી બાકુનિને મૂડીવાદ અને ખાનગી મિલકતનો ઉગ્ર વિરોધ કર્યો હતો. અરાજ્યવાદી વિચારસરણીના પ્રસારમાં તેમનું પ્રદાન શકવર્તી છે. ઓગણીસમી સદીમાં યુરોપના ઘણા દેશોમાં અને વીસમી સદીમાં મુખ્યત્વે સ્પેન અને ઇટાલીમાં અરાજ્યવાદી અનુયાયીઓને આકર્ષવામાં તેમની મહત્વની ભૂમિકા હતી.
બાકુનિને જીવનમાં વિપુલ લેખનકાર્ય કર્યું હતું, જેમાંનાં અનેક ચોપાનિયાં, અને ઘોષણાપત્રો લોકપ્રિય પણ થયાં હતાં. આ તમામ લખાણો બાદમાં સુગ્રથિત સ્વરૂપે 1973માં અંગ્રેજીમાં પ્રકાશિત કરાયાં છે. તેમનો ‘ગૉડ ઍન્ડ ધ સ્ટેટ’ નામનો ગ્રંથ પણ 1973માં સંપાદિત સ્વરૂપે અંગ્રેજીમાં અલાયદો પ્રકાશિત કરવામાં આવ્યો છે.
અમિત ધોળકિયા