બાકેરગંજ (બારીસાલ) : ગંગાના ત્રિકોણપ્રદેશના એક ભાગ (ફાંટા) રૂપે મેઘના નદીની પશ્ચિમે આવેલો બાંગ્લાદેશના ખુલના વિભાગનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 22° 45´ ઉ. અ. અને 70° 25´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેનો વિસ્તાર 7,231 ચોકિમી. જેટલો છે. આખોય વિસ્તાર મેઘના, મધુમતી, અરિયાલખાન અને બિશ્ખાલી નદીઓથી આવરી લેવાયેલો છે. જિલ્લાનો દક્ષિણ ભાગ મેઘના અને મધુમતી નદીઓ વચ્ચે આવી જાય છે. તે જંગલ-આચ્છાદિત છે તથા સુંદરવનના એક ભાગરૂપ છે. તે ડાંગર, શેરડી, શણ, કઠોળ અને તેલીબિયાં જેવા કૃષિપાકો માટે મહત્વનો છે. નદીઓ અહીંના જળ-વાહનવ્યવહાર માટે અગત્યનું સાધન બની રહેલી છે. આ કારણે બાકેરગંજ (બારીસાલ) ઢાકા, ખુલના, ચિતાગોંગ, પાતુઆખલી અને મદારીપુર જેવાં સ્થળો સાથે સંકળાયેલું રહે છે. આ જિલ્લાનાં મુખ્ય મથકોમાં બાકેરગંજ, ભોલા, પિરોજપુર, ચખાર અને સ્વરૂપકાટીનો સમાવેશ થાય છે.

ગિરીશભાઈ પંડ્યા