બાઈ નારવેકર (જ. 21 નવેમ્બર 1905, અંકોલા, ગોવા; અ. ?) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના આગ્રા ઘરાણાનાં જાણીતાં ગાયિકા. પિતાનું નામ સુબ્બરાવ. માતાનું નામ સુભદ્રાબાઈ, જેઓ પોતે પણ સારાં કલાકાર હતાં. વતની ગોવાનાં, પણ તેઓ મુંબઈમાં વસ્યાં હતાં. સંગીતની પ્રાથમિક તાલીમ તેમણે તેમની માતા પાસેથી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ મુંબઈના તેમના વસવાટ દરમિયાન તેમણે પંડિત બાળકૃષ્ણબુવા બાણાવલી, નત્થનખાં, મુહમ્મદખાં, શાળિગ્રામબુવા જેવા અગ્રણી સંગીતકારો પાસેથી પણ શાસ્ત્રીય સંગીતનું ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. મુહમ્મદખાંના અવસાન બાદ તેમણે તેમના નાના ભાઈ ઉસ્તાદ વિલાયતહુસેનખાં પાસેથી 12 વર્ષ સુધી સંગીતની તાલીમ લીધી. વળી તેમણે આગ્રા તથા અતરોલી–જયપુર ઘરાણાના ઉસ્તાદ અઝમતહુસેનખાં પાસેથી પણ સંગીતક્ષેત્રે અધિક કલા-વિદ્યા પ્રાપ્ત કરી. આ રીતે આગ્રા ઘરાણાની વિશિષ્ટ સંગીતશૈલી તેમણે આત્મસાત્ કરી, લયકારી અને બોલતાનો પર પ્રભુત્વ મેળવ્યું. વધુમાં તેમણે પંડિત પ્યારેલાલ નામના એક જાણીતા સંગીતકાર પાસેથી ટપ્પા અને ઠૂમરીની ગાયકીની તાલીમ પણ મેળવી, જેથી શાસ્ત્રીય સંગીત ઉપરાંત ઉપ-શાસ્ત્રીય સંગીતની શૈલીમાં પણ તેઓ પારંગત થયાં.
મુંબઈમાં આકાશવાણીની સ્થાપના થઈ ત્યારથી વર્ષો સુધી તેમણે તે કેન્દ્ર પરથી કાર્યક્રમો આપ્યા. મુંબઈ, ગ્વાલિયર, લખનૌ, ઇન્દોર, કલકત્તા વગેરે સ્થળોએ અનેક સંગીત-સંમેલનોમાં પણ તેમણે કાર્યક્રમો આપ્યા હતા અને પ્રશંસા મેળવી હતી. તેમની કેટલીક ગ્રામોફોન રેકર્ડો પણ ઊતરી છે.
બટુક દીવાનજી