બંદ્યોપાધ્યાય, માણિક (જ. 1908, દુમકા, બિહાર; અ. 1956) : બંગાળી નવલકથાકાર અને વાર્તાકાર. તેમના પિતા એક અધિકારી હતા અને તેઓ કલકત્તા યુનિવર્સિટીના ગ્રૅજ્યુએટ હતા. માણિક ઘરનું નામ, પ્રબોધચંદ્ર પૂરું નામ. સ્કૂલમાં હતા ત્યારે જ માતાનું અવસાન થયું. તેથી ઘણી વાર બહેનને ત્યાં પણ રહેવાનું થતું. તે એક તેજસ્વી વિદ્યાર્થી હતા. સાથે ભાવુક અને કલ્પનાશીલ પણ હતા. 1928માં કલકત્તાની પ્રેસિડંસી કૉલેજમાં ગણિત વિષય સાથે બી.એસસી. કરતા હતા. પણ જિંદગીના પ્રશ્નોમાં અટવાઈ જવાથી તેમને કૉલેજ છોડી દેવી પડી. પણ વિજ્ઞાનના શિક્ષણે જીવનમાં વૈજ્ઞાનિક, વિશ્લેષણાત્મક ર્દષ્ટિકોણ આપ્યો. 1928માં મિત્રોએ વાર્તા લખવાનો પડકાર આપ્યો અને માણિકની વાર્તા ‘અતશીમામી’, ‘વિચિત્ર’ જેવા પ્રતિષ્ઠિત માસિકમાં પ્રકટ થઈ અને એક દિવસમાં તે બંગાળી વાચકોમાં પ્રસિદ્ધ બની ગયા. તે પછી તે પરંપરાથી અળગા પડતા ગયા અને કલાદેવીની સાધનામાં મગ્ન થતા ગયા.
તેમની પહેલી નવલકથા ‘જનની’ 1935માં પ્રકટ થઈ અને એ જ વર્ષે પ્રગટ થયો ‘અતશીમામી અને અન્ય વાર્તાઓ’ એ સંગ્રહ પણ – પરિસ્થિતિઓ સામે લડતા એક અત્યંત ગરીબ પરિવારની કથા ‘જનની’માં આલેખાઈ છે. મા શ્યામાનું ચરિત્ર યથાર્થવાદિતા પ્રકટ કરે છે અને એ જ કેન્દ્રમાં છે. 1936માં માણિકની 2 સૌથી લોકપ્રિય નવલકથાઓનું પ્રકાશન : ‘પદ્માનદીર માંઝી’ અને ‘પુતુલનાચેર ઇતિકથા’, ‘પદ્માનદીર માંઝી’માં ગ્રામીણ બંગાળના ગરીબ માછીમારોના જીવનનું ચિત્ર છે. કઠોર સંઘર્ષ અને હૃદયવિદારક કુંઠાનું જીવન, લેખકે કિશોરાવસ્થામાં નિહાળેલા જીવનની કલાત્મક અભિવ્યક્તિ છે.
નવલકથામાં દુનિયાનાં પીડિતો અને દલિતો વાસ્તવિક પ્રતિનિધિના રૂપમાં આવે છે. તેમનાં સંઘર્ષનું ચિત્ર દુર્લભ સહાનુભૂતિથી અંકિત થયું છે. સારા ભાવિની આશાઓ જગાવી નવલકથાને એક સ્થળે રહેતા લોકોની કથામાંથી સર્વજનીન જિંદગીના નાટકમાં પરિવર્તિત કરી છે. ‘પુતુલનાચેર ઇતિકથા’માં એક સમગ્ર ગામની જટિલ જિંદગીની વાત છે. અત્યંત કરુણાપૂર્વક ગૌડિયા ગામડાની સંકીર્ણતામાં રહેતા યુવાન ચિકિત્સક શશીને પીડા અને નિરાશામાં ઘેરાતો આલેખ્યો છે. લેખક ગ્રામજીવનની રમણીયતાનું નિરૂપણ નથી કરતા, પણ દરિદ્રતા, રુગ્ણતા અને પીડાનું યથાર્થ ચિત્ર આલેખે છે. ‘શહરતલ્લી’(બે ભાગ, 1940–1941)માં પહેલી વાર સાહિત્યિક જીવનમાં સમકાલીન આર્થિક-રાજનૈતિક પૃષ્ઠભૂમિ છે. એક ઔદ્યોગિક સમુદાયનાં સ્ત્રી-પુરુષોની વાત છે. સત્યપ્રિય ચક્રવર્તી, ફૅક્ટરીઓનો માલિક, તેના મોટા બંગલાની બહાર મજૂરોની ઝૂંપડીઓ છે. તેમાં જશોદા નામની સ્ત્રી ધાબા ચલાવે છે. સહૃદયતા, સબળ વ્યક્તિત્વ અને આત્મગૌરવની ભાવનાને કારણે જશોદાનું પાત્ર સ્મરણીય છે. લેખક એક વાત સ્પષ્ટ કરવા ધારે છે કે ધનિક અને મજૂરોના સંઘર્ષમાં શોષિત વર્ગ સાથેની સદભાવના કે સહાનુભૂતિ નબળું ઓજાર છે. શ્રમની સમસ્યાને લેખકે વૈજ્ઞાનિક ર્દષ્ટિકોણથી આલેખી છે. ‘અહિંસા’(1941)માં માણિકે જે ધર્મને અસંખ્ય લોકો પાળી રહ્યા છે તેની પોકળતા ઉઘાડી પાડી છે. બીજા વિશ્વયુદ્ધના સમયે વિશ્વાસ અને આદર્શ તૂટતાં, લોકો સંદેહમાં જીવન જીવે છે – આ હાલતમાં જીવતા લોકોના આતંકને લેખકે ‘અહિંસા’માં પ્રકટ કર્યો છે.
1942ની આસપાસ માણિક માર્કસવાદી વિચારધારાથી પ્રભાવિત થયા અને કૉમ્યુનિસ્ટ પાર્ટીના સાંસ્કૃતિક મોરચાના સભ્ય બન્યા. આ એમની શોધની સ્વાભાવિક પરિણતિ છે. આ વિચારધારા હેઠળ 1945માં ‘દર્પણ’ નવલકથા આવે છે. જુદા જુદા સમુદાયોની વચ્ચેની સંઘર્ષભરી સ્થિતિમાંથી ગુજરી રહેલા એક ગામનું તે દર્પણ છે. વર્ગ-સંઘર્ષની વિસ્તૃત છબી છે. તેમણે ‘આદાયેર ઇતિહાસ’ (1947), ‘સ્વાધીનતાનો સ્વાદ’ (1951), ‘સોનાર ચેયે દામી’ (’51–52), ‘આરોગ્ય’ (’53) વગેરે નવલકથાઓ પણ આપી છે. મરણોત્તર પ્રકાશન પણ અનેક છે.
‘અતશીમામી અને અન્ય વાર્તાઓ’(1935)માં રંગદર્શી પ્રેમની વાર્તાઓ છે. ‘સરીસૃપ’ (1936) સંગ્રહની એ જ નામની વાર્તામાં મધ્યમવર્ગના ઉપરના ભભકાદાર જીવન હેઠળ ઊભરતી શરમજનક તસવીરનું મનોવૈજ્ઞાનિક વર્ણન છે. ‘બહૂ’(1943)માં જુદાં જુદાં ક્ષેત્રોમાં કામ કરતા લોકોની પરિણીત સ્ત્રીઓની અજબ અને બિનપારંપરિક વાર્તાઓ છે. ‘સમુદ્રેર સ્વાદ’(1943)માં મધ્યમવર્ગનાં સ્ત્રી-પુરુષોની વાર્તાઓ છે. મધ્યમવર્ગ એક પોકળ, વ્યર્થ સમાજ છે એ તૂટી રહ્યો છે એમ બતાવે છે. લેખક દર્શાવે છે કે એ સારું છે, ઉચિત છે, કારણ, એમાંથી વર્ગહીન સમાજ સ્થપાશે. ‘આજકલ પરસુરેર ગલ્પ’ (1946) અને ‘પરિસ્થિતિ’(1946)માં યુદ્ધ તથા દુકાળ વિશેની વાર્તાઓ સંગૃહીત છે. વાર્તાઓ દ્વારા તે વિશ્વાસપૂર્વક જણાવે છે કે ભવિષ્ય ચોક્કસ ખેડૂતો અને મજૂરો દ્વારા ઘડાશે, વર્ગ-સંઘર્ષમાંથી જ પ્રકાશ પ્રગટશે. સ્વતંત્રતાની પૂર્વસંધ્યાએ માણિકે ભારતમાં થયેલાં હુલ્લડોની પશ્ચાદભૂમિમાં અનેક વાર્તાઓ લખી છે. ‘માટિર મશૂલ’(1948)માંની વાર્તાઓ આઝાદી પછીના વ્યાપક ભ્રમનિરસનનું ચિત્રણ છે. પણ તેમાં નિરાશા નથી, એવો પ્રયાસ છે કે પુરાણી દુનિયામાંથી, એની રાખમાંથી નવી દુનિયા જન્મ લેશે. અસહાય શરણાર્થીઓ તેમજ તેમનો સાહસપૂર્ણ સંઘર્ષ, તેમની ર્દઢતા આ બધું આલેખતી એ વાર્તાઓ છે, ઉપરાંત ‘સર્વજાનીન’ (1952) નવલકથા પણ તેમણે લખી છે.
સામ્યવાદમાં પરિવર્તન પામ્યા પછી વિવેચકોને એમની કલા વિશે સંદેહ હતો. પણ એમની અંદરનો કલાકાર જીવંત રહ્યો છે. અંતિમ વર્ષોમાં કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક પાઠ નથી શિખવાડ્યો, તે તો અંત સુધી જીવન સાથે જ જોડાયેલા રહ્યા છે.
અનિલા દલાલ