બંદ્યોપાધ્યાય, તારાશંકર (જ. 1898, લાભપુર, વીરભૂમ; અ. 1971) : પ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર અને વાર્તાકાર. 1956માં સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ. 1967માં જ્ઞાનપીઠ ઍવૉર્ડ ‘ગણદેવતા’ માટે અને 1968માં ‘પદ્મભૂષણ’થી સન્માનિત થયા હતા. વતનમાં મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને કલકત્તાની કૉલેજમાં પ્રવેશ, પણ યુનિવર્સિટીનું શિક્ષણ પૂરું કરી શક્યા નહિ. વીરભૂમની લાલ સૂકી ધરતી અને તોફાની કોપાઈ નદીએ તેમના જીવનમાં મહત્વનો ભાગ ભજવ્યો. તેમની રચનાઓના મૂળમાં આદિમ વિધિવિધાનો, નવો વિકસિત હિંદુ ધર્મ, ધૂળની ડમરીઓ અને નદીનાં પૂર તથા તેની સાથોસાથ બાઉલ, શાક્ત, વૈષ્ણવ કીર્તનકારોના પ્રભાવથી તેમના ઘડતરમાં ધાર્મિકતા ગૂંથાતી ગઈ. તેમણે 1926થી લખવાનું શરૂ કર્યું હતું, પણ એને પ્રકટ કરવામાં તેમને સતત નિરાશા સાંપડતી રહી; તેથી આરંભમાં લોકસેવાર્થે લાભપુરમાં રહ્યા. તેથી તેમની કૃતિઓમાં આ જિવાતા જીવનમાંથી ઉપાડેલાં પાત્રોનું નિરૂપણ દેખાય છે. પછી ‘કાલિકલમ’, ‘કલ્લોલ’ વગેરે સામયિકોમાં તેમની વાર્તાઓ પ્રકટ થવા લાગી. કલકત્તામાં સ્થાયી થયા. ત્યાં લેખકોની હૂંફ મળી. 1932માં શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથ સાથે પહેલી મુલાકાત અને એ જ વર્ષે પ્રગટ થઈ પહેલી નવલકથા ‘ચૈતાલિ ઘૂર્ણિ’ (ચૈત્રની આંધી).
બંગાળી સાહિત્યમાં તારાશંકરનો પ્રથમ પ્રવેશ ટૂંકી વાર્તાઓ દ્વારા થયો. ‘જલસાઘર’, ‘રાયવાડી’ જેવી વાર્તાઓમાં જમીનદારોના જીવનનાં ભિન્ન ભિન્ન પાસાંનું આલેખન છે, તેમનાં અધ:પતન અને પડતી દશા ઘણી વાર્તાઓનો વિષય રહ્યો છે. તેમની કેટલીક વાર્તાઓના મૂળમાં આદિમ વૃત્તિઓ અને વાસનાઓની વાત રહેલી છે. ‘બેદેની’(જિપ્સી સ્ત્રી)માં આવતી કાળી નાગણ જેવી રાધિકાના દેહમાંથી નશાની વાસ વહે છે, તો ‘તારિણી-માઝી’માં લેખક તારિણીને તેની પ્રાકૃત નગ્નતામાં, પત્નીનું ગળું દબાવી સ્વરક્ષણની મૂળ વૃત્તિમાં ઘસડાઈ જતો આલેખે છે. તાંત્રિકો, મરણોત્તર ક્રિયાઓ, પાશવતા, અંધશ્રદ્ધા – આ બધામાં વાર્તાના વિષયોની ઊંડી શક્યતા જોનાર તે પહેલા બંગાળી સર્જક. ‘છલનામયી’, ‘અગ્રદાણી’, ‘પુત્રેષ્ટિ’, ‘ડાઇની’ (ડાકણ) વાર્તાઓમાં આ બધાનો સફળ વિનિયોગ જોવા મળે છે. તારાશંકર પ્રાણીઓનાં જીવન અને વ્યવહારમાં ઊંડો રસ ધરાવતા હતા. સર્પો પ્રત્યે વિશેષ આકર્ષણ હોવાથી તેની આસપાસની દંતકથાઓ અને પુરાકલ્પનોનો ઉપયોગ કર્યો છે. ટૂંકી વાર્તા ‘નારી ઓ નાગિની’ અને નવલકથા ‘નાગિની કન્યાર કાહિની’માં તેમણે સામાન્ય બંગાળીની નાગ વિશેની સમજ સાથે કામ લીધું છે, વાર્તામાં તો નાગણનું માનવીકરણ કર્યું છે. દૈવી સુરભિ ગાયની વાત કરતી ‘કામધેનુ’ વધારે સંકુલતા ધરાવતી વાર્તા છે. લેખકની વાર્તાઓનાં મૂળિયાં ધરતી સાથે જડાયેલાં છે. એમનાં પાત્રો આદિ મહત્તાને સિદ્ધ કરે છે; જેમ કે ‘પૌષી લક્ષ્મી’નો મુકુંદ પાલ કે ‘ઇમારત’નો જનાબ અલી. ‘ડાક હરકારા’(ખેપિયો)નો નાયક દીનુ વિરલ એવા માનવી 4 ગુણોથી સંપન્ન છે.
તારાશંકરે ઘણી નવલકથાઓ લખી છે. મુખ્ય નવલોની વાત કરીએ તો ‘ચૈતાલિ ઘૂર્ણિ’(1932)માં ધનિકો દ્વારા સમાજમાં થતી સામાન્ય માનવીની અવદશાની કથા છે. આરંભ એક ગામમાં પ્રસરેલા દુકાળના ઝીણવટભર્યા આલેખનથી થાય છે. આખું ગામ સ્મશાન-ભૂમિમાં ફેરવાય છે. પૈસા ધીરનારને દેવું ચૂકવી શકવાનો નથી એ વિચારથી ગૌષ્ટ નામનો ખેડૂત કસબામાં જઈ કારખાનામાં કામ લે છે; અહીં પણ મજૂરો અને માલિક વચ્ચેના સંઘર્ષો છે, તેમાં નિષ્ઠુરતાથી ગૌષ્ટને મારી નાખવામાં આવે છે. નવલકથાના અંતે રાજકીય કાર્યકરના શબ્દો છે : ‘ચૈત્રનો વંટોળિયો તો કંઈ નથી; હવે પછી આવનાર મોટા તોફાનનો તે સંદેશવાહક છે.’ ‘મન્વન્તર’(દુકાળ : 1944)માં સમકાલીન ઘટનાઓનું – બીજા વિશ્વયુદ્ધમાં જાપાનનો કલકત્તા પર હુમલો, દુકાળપીડિત લાખો લોકો, ગરીબોની અકથ્ય વેદના, ગાંધીજીના ઉપવાસ વગેરેનું ચિત્રણ છે. સામ્યવાદી ન હોવા છતાં, તે વખતે બંગાળમાં ઘણા લેખકો આ છત્ર હેઠળ આવ્યા હતા. લેખકે બતાવ્યું છે કે એ પક્ષે ઓછું પ્રભાવશાળી બળ નહોતું. 1939માં પ્રકટ થયેલી ‘ધાત્રીદેવતા’ અર્ધ-આત્મકથનાત્મક હોવા ઉપરાંત તેમાં તારાશંકરનો મહાકાવ્યાત્મક નવલકથા લખવાનો પ્રથમ પ્રયાસ છે. આ નવલકથા પછીની મહાકાવ્યાત્મક 3 નવલકથાઓ ‘ગણદેવતા’ (1943), ‘પંચગ્રામ’ (1944), ‘હાંસુલી બાંકેર ઉપકથા’(1951)ની પૂર્વતૈયારી રૂપ છે.
આ નવલકથાઓમાં લેખક પોતાના જ સમયની વાત કરતા હોવા છતાં તેમણે દેશ અને લોકો, ઇતિહાસના અતીત અને સાંપ્રતના વિશાળ ફલકને પ્રયોજ્યું છે, તેથી સમકાલીનતાની સીમાઓ વટાવી આ કૃતિઓ ભારતના બધા જ લોકોનું પ્રતિનિધિત્વ કરી રહે છે. ‘ગણદેવતા’ અને ‘પંચગ્રામ’ મળી 5 ગામની કથા પૂરી કરે છે.
આ પ્રકારની મહાકાવ્યાત્મક નવલકથા માટે આવશ્યક જનસમાજ, ધરતી, ઇતિહાસ, સમય વગેરે માટેનું જ્ઞાન સર્જક પાસે હોવાથી કૃતિઓ ઉત્તમ સર્જન બની છે. એક રીતે આ પ્રાદેશિક નવલકથા છે, જેમાં ગણદેવતાનો ચહેરો ઉપસાવવામાં જિવાતા જીવનમાંથી આવતાં સરલ પાત્રો સાથે સમગ્ર પરિવેશ જીવંત થઈ ઊઠ્યો છે.
વીરભૂમ જિલ્લામાં વૈષ્ણવ કવિ જયદેવના વૈષ્ણવ સંપ્રદાયનાં મૂળિયાં છે, એ વૈષ્ણવ ધર્મની ભૂમિકામાં લખાયેલી ‘રાયકલમ’(1935)માં જોકે ધાર્મિક કે આધ્યાત્મિક પાસાને ઊંડાણથી જોડવામાં આવ્યું નથી, નિર્મમત્વ એ વૈષ્ણવ પ્રેમમીમાંસાનું જે વિશિષ્ટ અંગ છે તેને પ્રયોજવા છતાં આખરે વાર્તા તો પ્રેમ અને રોમાન્સની છે. રંગદર્શી નવલોમાં તો ગ્રામીણ કવિના જીવનને આલેખતી ‘કવિ’ (1944) ઉત્તમ છે. પશ્ચિમ બંગાળના ‘કવિયલ’ (શીઘ્રકાવ્યરચનામાં પ્રવીણ જાતિ) સાબિત કરે છે કે ભારતની પુરાકથાઓ, લોકગીતો વગેરેના સંપર્ક દ્વારા સામાન્ય જનો પણ ઊંચી કલાત્મકતા હાંસલ કરી શકે છે, તેમજ કસબા અને ગામડાંઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને મનોરંજન પૂરું પાડે છે. ગુનાઇત જાતિનું લેબલ આપવામાં આવેલ ડોમ જાતિનો નિતાઈ તક મળતાં પોતાની કવિત્વશક્તિનો પરચો બતાવે છે અને ખૂબ સારો પ્રભાવ પાડે છે.
નિમ્નજાતિના માનવીની આ ટ્રૅજૅડી છે. ‘કવિ’ તત્વત: બંગાળની કથા છે, પણ નીચલા વર્ગના ગરીબ લોકો ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, એ રીતે તારાશંકરની નવલકથાઓ સાચા અર્થમાં ભારતીય છે. ‘હાંસુલી બાંકેર ઉપકથા’ (1951) બંગાળી કથાસાહિત્યની એક ઉત્તમ રચના છે. તેમાં હાંસુડી-વળાંકની દંતકથા સમગ્ર કાળની છે : પ્રભાવક વિશાળ સમાજને નમી જતા નાનકડા સમાજની કથા છે. ગ્રામમાતા સુચાંદ આદિમતાનું પ્રતિનિધિત્વ કરે છે.
‘આરોગ્યનિકેતન’(1953)માં આયુર્વેદની પદ્ધતિ અને પ્રવર્તમાન આધુનિક પદ્ધતિની સરખામણી વિશાળ ફલક પૂરું પાડે છે. નાયક જીવનમશાય નાડીની પરખ સરસ કરે છે, ઝળૂંબી રહેલા મૃત્યુનું જ્ઞાન વિલક્ષણ છે. મંજરી માટેના તેમના યુવાનીના પ્રેમના સંસ્મરણાત્મક રઝળપાટથી કથા ભરપૂર છે. વૃદ્ધ મંજરી સાથેનું જીવનમશાયનું આખરી મિલન સ્મૃતિમાં જડાઈ જાય છે. પછી થતા મૃત્યુમાં અંતિમ ઉપશમ પ્રાપ્ત થાય છે.
અનિલા દલાલ