બંગડીનો રોગ : બટાટામાં જીવાણુથી થતો એક વિશિષ્ટ પ્રકારનો રોગ. આ રોગનો ફેલાવો રોગિષ્ઠ બીજ મારફત એક ઋતુથી બીજી ઋતુમાં થાય છે. બીજ માટે જે છરીથી રોગિષ્ઠ બટાટાના કટકા કર્યા હોય તે જ છરીથી રોગ વગરના બટાટાના કટકા કરવા જતાં તેને ચેપ લાગે છે. તેથી છોડ વૃદ્ધિ દરમિયાન ધીમે ધીમે ચીમળાઈ જઈ ક્રમબદ્ધ હારમાં સુકાવા માંડે છે. ખેતરમાં બટાટાને જો બીજી વાર આ ચેપ લાગ્યો હોય તો છોડની વૃદ્ધિ અટકી જાય છે. પરિણામે પાન અને કૂંપળો ચીમળાઈને સુકાવા લાગે છે. આવા છોડના કંદ કાપવાથી તેના પ્રત્યેક કટકામાં કથ્થાઈ રંગનો ગોળાકાર બંગડી આકાર જોવા મળે છે. બંગડી જેવા આ આકારને લીધે આ રોગને ‘બંગડીનો રોગ’ નામ આપવામાં આવ્યું છે.

આ રોગના નિયંત્રણ માટે નીચેના ઉપાયો સૂચવાય છે :

(1) રોગ-મુક્ત વિસ્તારમાંથી રોગમુક્ત પ્રમાણિત બિયારણ મેળવી વાવણી કરવી; (2) પાકની ફેર-બદલી તરીકે ધાન્ય વર્ગનો પાક લેવો; (3) બિયારણના ટુકડા કરતી વખતે જે કંદમાં કથ્થાઈ રંગની બંગડી જેવો આકાર જોવા મળે તેને ફેંકી દેવામાં આવે અને છરીને મોરથૂથુ, ફૉર્માલિન કે સ્પિરિટમાં બોળીને પછીથી કંદ કાપવામાં આવે; અને (4) કટકાને જીવાણુનાશક દ્રાવણમાં બોળીને વાવણીના કામમાં લેવામાં આવે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ