બળાત્કાર : સ્ત્રીની ઇચ્છા તથા સંમતિ વગર બળજબરીથી તેની સાથે કરવામાં આવતો જાતીય સંબંધ. ભારતીય દંડસંહિતાની કલમ 375 મુજબ 16 વર્ષથી નાની ઉંમરની કન્યા સાથે તેની ઇચ્છા વિરુદ્ધ, તેની સંમતિ (consent) વિના કે અયોગ્ય રીતે મેળવાયેલી સંમતિ સાથે અથવા 15 વર્ષ કે તેથી નાની પત્ની સાથે કરાયેલો જાતીય સંબંધ બળાત્કાર ગણાય છે. ‘રેપરી’ આ લૅટિન શબ્દ પરથી ‘રેપ’ (rape) શબ્દ બન્યો છે, જેનો અર્થ ‘લઈ જવું’ કે ‘ચોરી જવું’ એવો થાય છે; જે દર્શાવે છે કે પતિ દ્વારા પોતાની પત્નીને ચોરાતી અટકાવવા માટે બળાત્કાર વિરુદ્ધનો વિશ્વનો સર્વપ્રથમ કાયદો ઘડાયો.
ઇન્ડિયન પીનલ કોડની કલમ 375 અને 376માં દર્શાવ્યા પ્રમાણે નીચેનામાંથી કોઈ પણ એક સંજોગમાં સ્ત્રી સાથે જાતીય સંબંધ કરવામાં આવે તો તે તેની ઉપર આચરેલ બળાત્કાર ગણાય : (1) જ્યારે આવું કાર્ય તેની ઇચ્છા વિરુદ્ધનું હોય; (2) જ્યારે આવું કાર્ય તેની સંમતિ વિનાનું હોય; (3) જો તેની સંમતિ સાથેનું એ કાર્ય હોય તો તેની સંમતિ તેને અથવા તો તેને જેમાં હિત છે તેવી વ્યક્તિને મૃત્યુના ભયમાં અથવા તો ઈજાના ભયમાં મૂકીને મેળવેલી હોય; (4) જો તેની સંમતિ સાથેનું હોય તો એવું આચરણ કરનાર વ્યક્તિ જાણતી હોય કે તે તેનો પતિ નથી અને સ્ત્રી એમ માનતી હોય કે તે પુરુષ તેનો પતિ છે અને તેથી તેણે એ વિશે સંમતિ આપી હોય; (5) જો તે કાર્ય તેની સંમતિ સાથેનું હોય તો પણ સ્ત્રી તે સમયે અસ્વસ્થ મનની અથવા તો કેફી પદાર્થની અસરમાં હોય; (6) જ્યારે તે સ્ત્રી 16 વર્ષથી નીચેની વયની હોય ત્યારે તેવું કૃત્ય તેની સંમતિથી કે સંમતિ વિના પણ કરાયું હોય. બળાત્કારનો ગુનો બનાવવા માટે સ્ત્રીની યોનિમાં પુરુષલિંગનો પ્રવેશ થવો જરૂરી છે. અન્યથા તે બળાત્કારની કોશિશનો ગુનો બને છે અને તેના માટે પણ શિક્ષા થઈ શકે છે.
બળાત્કારનો ભોગ બનેલ સ્ત્રીએ ન્યાયાલય સમક્ષ સ્વેચ્છાએ સંમતિ આપી હતી કે બળજબરીથી સંમતિ લેવામાં આવી હતી તે વિશેનું નિવેદન આપવું અગત્યનું છે. ઘણા કિસ્સાઓમાં યોગ્ય પુરાવાને અભાવે માત્ર બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીના નિવેદનના આધારે ન્યાયાલય ગુનેગારોને નિર્દોષ ઠરાવતી હતી; પરંતુ આ બાબતમાં સુધારેલા ફોજદારી કાયદા હેઠળ, ભોગ બનેલી સ્ત્રીનું નિવેદન જો કૉર્ટને યોગ્ય અને સંતોષકારક લાગે તો તેના ઉપર આધાર રાખીને ગુનેગારને સજા ફરમાવી શકે છે. આવી સજા 7 વર્ષથી માંડીને આજીવન કેદ સુધીની થઈ શકે છે.
બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી કે તેવા બળાત્કારી પુરુષ માટે કોઈ વયમર્યાદા બંધાયેલી નથી; 16 વર્ષથી નાની વયની પત્ની સાથેના જાતીય સંબંધને બળાત્કાર કહે છે. અમુક વિદ્વાનો તેને કાયદાકીય બળાત્કાર (statutory rape) કહે છે. જોકે યુવાન છોકરાના કિસ્સામાં તે જાતીય રીતે સક્ષમ છે કે નહિ તથા તે જાતીય ઇચ્છા ધરાવતો હોઈ શકે કે નહિ તેનો નિર્ણય અદાલતે વ્યક્તિગત કિસ્સાને આધારે કરવાનો હોય છે. પુરુષના બાહ્યજનનાંગ (શિશ્ર્ન, penis)નો સ્ત્રીના બહારના જનનાંગ(ભગ)માંનો પ્રવેશ બળાત્કારનો ગુનો બને છે. તેવી જ એક અન્ય વ્યાખ્યાની રૂએ કોઈ પણ ઉંમરે પુરુષ કે છોકરો બળાત્કાર કરી શકે તેમ મનાય છે. તે માટે તેની જાતીય ક્ષમતા કે ઇચ્છા હોવી જરૂરી ગણાતી નથી. આ સમયે શિશ્ર્નનું પૂર્ણ ઉત્થાન (full erection), શિશ્ર્નનો સ્ત્રીની યોનિમાં અંત:પ્રવેશ (penetration) કે વીર્યક્ષેપ (ejaculation) થયો હોવાનું પણ જરૂરી ગણાતું નથી. મોટી ઉંમરે આવતી લૈંગિક અક્ષમતા (impotence) પણ કોઈ મર્યાદારૂપ ગણાતી નથી.
સ્ત્રીની માત્ર સંમતિ પૂરતી નથી. સંમતિ ઉપરાંત તેની ઇચ્છા (will) પણ જરૂરી ગણાય છે. સ્ત્રી કે પુરુષના શરીર પર સ્ત્રી દ્વારા કરાયેલા વિરોધ અને રક્ષણાત્મક કાર્યની નિશાનીઓ મળી આવે તો તેણે તેની ઇચ્છાથી સંમતિ આપી નથી એવું મનાય છે. સ્ત્રીની પીઠ, હાથ, જાંઘના અંદરના ભાગ પર આવી નિશાનીઓ મળી આવે છે; પરંતુ તે મૃત્યુ કે કોઈ અન્ય ભયને કારણે બળાત્કારની ક્રિયા થવા દે તો તેના શરીર પર આવી નિશાનીઓ મળતી નથી; તેવી જ રીતે નશાગ્રસ્ત, બેભાન કે મૂર્ચ્છિત સ્ત્રીએ પણ સંમતિ ન આપી હોય એમ માની શકાય છે. કાયદાની રીતે ધંધાદારી વેશ્યા સાથે પણ તેની ઇચ્છા અને સંમતિ વગર શારીરિક સંબંધ બાંધી શકાતો નથી.
ભારતીય દંડસંહિતાની કલમ 376ની પેટાકલમ (સેક્શન) ‘2’માંની જોગવાઈઓ પ્રમાણે પોલીસ-અધિકારી, સરકારી કર્મચારી, જેલ કે અન્ય અટકાયતી જગ્યાના પદાધિકારીઓ તથા હૉસ્પિટલના વહીવટદારો કે તેમના માણસોએ તેમની સંભાળ હેઠળની સ્ત્રી પર બળાત્કાર કર્યાનો આક્ષેપ હોય તો ભોગ બનેલી સ્ત્રી જ્યારે એમ જાહેર કરે કે તેણે મંજૂરી આપી ન હતી તો તે માની લેવાય છે અને આવા કિસ્સામાં સ્ત્રીએ સંમતિ આપી હતી તે સાબિત કરવાની જવાબદારી આરોપીને માથે આવી પડે છે. 16 વર્ષથી નીચેની છોકરીઓના કિસ્સામાં તેની સાથે અગાઉ નિર્દેશ્યું તેમ, કોઈ પણ રીતે કરાતા જાતીય સંબંધને બળાત્કાર લેખવામાં આવે છે.
કાયદાની રૂએ 15 વર્ષ પૂરાં કરેલી પત્ની સાથે કરાતા જાતીય સંબંધ માટે તેની પૂર્વમંજૂરીની જરૂર ગણાતી નથી; પરંતુ તે સમયે તેણે પોતાની પત્નીને થતી ઈજા કે પીડા અંગે સંભાળ લેવી જરૂરી હોય છે. આવા સંજોગોમાં બળાત્કારનો નહિ, પણ ક્રૂરતા અને ઈજા પહોંચાડવાનો ગુનો બને છે. જાતીય જીવનનો અસ્વીકાર કરતી પત્ની સાથે દુર્વ્યવહાર કરવાને બદલે છૂટાછેડા કે લગ્નવિચ્છેદ માટે અદાલત સમક્ષ અરજી કરવાનો માર્ગ નિષ્ણાતોએ સૂચવેલો જ છે.
ભારતીય કાયદા પ્રમાણે કોઈ સ્ત્રી પુરુષ પર બળાત્કાર કરી શકતી નથી. ફ્રાન્સ અને તેનાં એક સમયનાં પરાધીન રાષ્ટ્રોમાં આ પ્રકારની કાયદાકીય જોગવાઈ છે. ભારતમાં આવા સંજોગોમાં સ્ત્રી સામે જાતીય દુર્વ્યવહારનો ગુનો નોંધવામાં આવે છે.
બળાત્કારના કૃત્ય સાથે ગરીબી, અજ્ઞાનતા, વહેમ, અંધશ્રદ્ધા, સામાજિક સાંસ્કૃતિક બાબતો, આર્થિક અને સામાજિક ર્દષ્ટિએ નીચલો દરજ્જો જેવાં પરિબળો સંકળાયેલાં હોય છે. શિક્ષિત અને અશિક્ષિત સ્ત્રીઓ, ગરીબ, તવંગર, મધ્યમ વર્ગની સ્ત્રીઓ, ગ્રામીણ અને આદિવાસી વિસ્તારની સ્ત્રીઓ અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાને કારણે ભગત-ભૂવાના હવસનો ભોગ બને છે. વળી અપંગ, બહેરી-મૂંગી, મંદ બુદ્ધિવાળી છોકરીઓ, અંધ અને ભીખ માંગતી છોકરીઓ પણ બળાત્કારનો ભોગ બનતી હોય છે.
બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓ અને બળાત્કાર કરનાર પુરુષો વિવિધ પ્રકારની શારીરિક-માનસિક બીમારીઓથી પીડાતા હોય એવું પણ બને છે. સ્ત્રીઓની બીમારીમાં અરુચિ, માથાનો દુ:ખાવો, અનિદ્રા, ગુસ્સો, ભય, માનસિક અસ્વસ્થતા, અપરાધ વગેરેનો સમાવેશ થાય છે. આવી સ્ત્રીઓની સામાજિક બીમારીઓમાં જાતીય રોગો, ખિન્નતા, ચિંતા, ગભરાટ, ઉદાસીનતા, અરુચિ વગેરે જોવા મળે છે.
બળાત્કારનો ભોગ બનેલ સ્ત્રીએ તુરત જ દાક્તરી તપાસ કરાવવી, પોલીસ-સ્ટેશને ફરિયાદ નોંધાવવી, વકીલની સલાહ લેવી, સ્થળની સ્થિતિ વિશેનો વિગતવાર અહેવાલ આપવો, ગુનેગાર પાસેથી મળી આવેલી વસ્તુઓ પોલીસને હવાલે કરવી વગેરે પગલાં તાત્કાલિક ભરવાનાં હોય છે. ન્યાયાલયમાં ન્યાયાધીશ સમક્ષ બળાત્કારની ફરિયાદ નોંધાવી શકાય છે. બને તેટલી ઝડપથી શારીરિક તપાસ કરાવવાથી સ્ત્રીની યોનિમાંના જીવંત શુક્રકોષો અંગે માહિતી મળી શકે છે. જો સ્ત્રી ઋતુકાળમાં હોય કે તેને પરમિયા(gonorrhoea)નો ચેપ લાગેલો હોય તો તેવા કિસ્સામાં શારીરિક તપાસ માટે બળાત્કાર પછીનો બીજો દિવસ નક્કી કરાય છે. તપાસ કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રખાય છે. ડૉક્ટર પાસે જે તે સ્ત્રીની તપાસ માટેની મૅજિસ્ટ્રેટ કે પોલીસ-સ્ટેશનના વડા તરફથી અધિકૃત નોંધ મળેલી હોવી જોઈએ તથા જે તે સ્ત્રીની અધિકૃત વ્યક્તિ દ્વારા ઓળખ પૂરી પાડેલી હોવી જોઈએ. જો તે 12 વર્ષથી ઉપરની હોય તો તેણે પોતે, અને જો તેથી નાની વયની હોય અને માનસિક રીતે અસ્વસ્થ હોય, તો તેના વાલીએ મંજૂરી આપેલી હોવી જોઈએ. તપાસ દરમિયાન પુખ્ત અને માનસિક રીતે સ્વસ્થ હોય એવી કોઈ અન્ય સ્ત્રીની હાજરી હોવી જોઈએ. બળાત્કારના બનાવની તથા સ્ત્રીએ કરેલા શારીરિક વિરોધ કે સંઘર્ષ અંગેની વિગતો તથા તે સમયના તેના અનુભવને પણ નોંધવામાં આવે છે. ઉપરાંત, સ્ત્રીના ઋતુકાળની વિગતો, તે પરિણીત છે કે નહિ, તેનો વ્યવસાય, અભ્યાસ તથા અન્ય જરૂરી વિગતોની નોંધ પણ લેવાય છે. ત્યારબાદ બળાત્કારની ફરિયાદ કરનાર સ્ત્રીની સંપૂર્ણ શારીરિક તપાસ તથા તેનાં જનનાંગોની તપાસ કરાય છે. તેને ઈજા થઈ હોય તો તેની તથા જાતીય સંબંધ થયેલો હોય તો તેનાં નિશાન શોધીને તેની નોંધ કરાય છે. અમુક સંજોગોમાં સ્ત્રીનો કૌમાર્યપટલ તૂટ્યો ન હોય એવું પણ બને છે. યોનિ (vagina) તથા ગર્ભાશયની ગ્રીવા(cervix)માંના પ્રવાહીની સૂક્ષ્મદર્શક વડે તપાસ કરાય છે. સ્ત્રીનાં અંદરનાં તથા બહારનાં કપડાં ચકાસવામાં આવે છે. સ્ત્રીનાં જનનાંગો પર કોઈ અન્ય વ્યક્તિના વાળ કે લોહી, વીર્ય અથવા કોઈ પ્રવાહીના ડાઘા હોય તો તેની નોંધ લેવાય છે અને તેમની તપાસ કરાય છે. બચકું ભરાયેલું હોય તો તેની પણ તપાસ કરાય છે.
બળાત્કારને અનુષંગે જાતીય સંક્રામક રોગ (sexually transmitted disease), યોનિ તથા ક્યારેક મળાશયને ઈજા, માનસિક આઘાત, સગર્ભિતા (pregnancy), સામાજિક નિંદા તથા કેટલાક સંજોગોમાં આકસ્મિક કે સહેતુક મૃત્યુ જેવી તકલીફો પણ થાય છે. સ્ત્રી અને પુરુષ વચ્ચેના અવૈધિક સંબંધોના વિવિધ પ્રકારો છે. તેથી ફક્ત કલમ 375માં બળાત્કારની જે સંજોગોની વ્યાખ્યા અપાઈ છે તેવા સંજોગો સિવાયના અન્ય સંજોગો માટે જુદી જુદી ન્યાયિક જોગવાઈઓ કરાયેલી છે. એ બધા જ સંજોગો બળાત્કારના હોય એવું નથી.
ભારતીય દંડસહિતાની કલમ 376 પ્રમાણે બળાત્કાર સજાને પાત્ર ગુનો છે. સામાન્ય રીતે તે માટેની સજામાં 7 વર્ષથી ઓછી ન હોય એવી કેદ યા જીવનકેદ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ કરાયેલી છે, પરંતુ તેમાં કેટલાક અપવાદો પણ મુકાયેલા છે, જેમ કે 12 વર્ષથી વધુ ઉંમરની પરંતુ 15 વર્ષથી નાની, પત્ની પરના બળાત્કાર માટે 2 વર્ષની કેદ અને/અથવા દંડની જોગવાઈ છે. કૉર્ટ કેટલાક સંજોગોમાં 7 વર્ષથી વધુ સમયની કેદની સજા ફરમાવી શકે છે. જોકે તે માટે તેણે પૂરતાં અને વિશિષ્ટ કારણો આપવાં જરૂરી બને છે. આ સંજોગોમાં (1) પોલીસ-સ્ટેશન, અન્ય અટકાયતી જગ્યામાં નિમાયેલા પોલીસ-ઑફિસર કે તેના હાથ નીચેનો અધિકારી તેની સંભાળ(custody)માં મુકાયેલી સ્ત્રી પર બળાત્કાર કરે, (2) સરકારી અધિકારી કે તેના હાથ નીચેનો માણસ તેની સંભાળમાં મુકાયેલી સ્ત્રી પર બળાત્કાર કરે, (3) જેલ, રિમાન્ડ-હોમ કે અન્ય સ્ત્રીઓ અને બાળકોની સંભાળ રાખતી સંસ્થાનો વડો, વહીવટદાર કે તેનો માણસ પોતાના હોદ્દાની રૂએ તેની સંભાળ નીચેની સ્ત્રી પર બળાત્કાર કરે, અથવા (4) હૉસ્પિટલના વહીવટદાર કે તેના માણસો હૉસ્પિટલની સંભાળ હેઠળની સ્ત્રી પર બળાત્કાર કરે વગેરે પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. એકથી વધુ વ્યક્તિઓ ભેગી મળીને સામૂહિક બળાત્કાર (gang rape) કરે તો તેની સજા દંડ સાથે કે તેના વગર 10 વર્ષથી આજીવનકેદ સુધીની હોઈ શકે છે.
અમેરિકા, ઇંગ્લૅન્ડ, થાઇલૅન્ડ, ફિલિપાઇન્સ, જાપાન તથા કૅનેડા જેવા દેશોમાં બળાત્કારના સંખ્યાબંધ કિસ્સાઓ નોંધાયા છે. અમેરિકાના ફેડરલ બ્યુરો ઑવ્ ઇન્વેસ્ટિગેશન(FBI)ના અહેવાલ અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સમાં સરેરાશ દર પાંચ મિનિટે સ્ત્રી પર બળાત્કાર થાય છે. આની તુલનામાં ભારતમાં પણ બળાત્કારના કિસ્સાઓનું પ્રમાણ સારું એવું છે. દિલ્હીની મેરીસ્ટોપ્સ સંસ્થાના અહેવાલ મુજબ ભારતમાં દર વર્ષે 20 લાખ જેટલી સ્ત્રીઓ અને માસૂમ બાળાઓ બળાત્કારનો ભોગ બને છે. કેન્દ્ર સરકારે 1993માં ‘મહિલાઓ વિરુદ્ધ અપરાધ’ વિશેનો અહેવાલ બહાર પાડ્યો હતો. આ અહેવાલમાં જણાવ્યા પ્રમાણે દર 54 મિનિટે ભારતમાં કોઈ ને કોઈ સ્થાને મહિલા પર બળાત્કાર થાય છે. આ સિવાય ન નોંધાયા હોય તેવા કિસ્સાઓની સંખ્યા અનેકગણી હશે.
પ્રત્યેક ઉંમરની સ્ત્રીઓ બળાત્કારનો ભોગ બને છે. ‘ક્રાઇમ ઇન ઇન્ડિયા’ના અહેવાલ મુજબ 10થી 16 વર્ષની વયજૂથમાં 21 %, 16થી 30 વર્ષની વયજૂથમાં 64 % અને 30 વર્ષથી ઉપરની વયજૂથમાં 13 % સ્ત્રીઓ બળાત્કારના કિસ્સાનો ભોગ બને છે. આનો અર્થ એ થયો કે મોટી ઉંમરની, વૃદ્ધ સ્ત્રીઓ કરતાં યુવતીઓ પર વધારે પ્રમાણમાં બળાત્કારો થાય છે. નિમ્ન ગણાતા વર્ગની મહિલાઓમાં પણ બળાત્કારના કિસ્સાઓનું પ્રમાણ વધારે જોવા મળે છે.
શિલીન નં. શુક્લ
રવીન્દ્ર ભીંસે
હર્ષિદા દવે