આયર-શાયર : સ્કૉટલૅન્ડની નૈર્ઋત્યમાં આવેલો પ્રાદેશિક વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 55 0 25´ ઉ. અ. અને 40 30´ ૫.૨ .ની આજુબાજુનો વિસ્તાર. તે પાંચ વિભાગોમાં વહેંચાયેલો છે : કનિંગહામ, કેયલ, કારીક, કીલ માનૉર્કિ અને લ્યૂ ડેન. તેની પશ્ચિમ કિનારારેખા અંતર્ગોળ છે, ત્યાંથી પૂર્વ તરફ જતાં તેનો પ્રાદેશિક ઢોળાવ 600 મીટરની ઊંચાઈ સુધી પહોંચે છે. કિનારા પર હિમયુગ પછીના 3૦  મીટર ઊંચાઈના ટેકરાઓ જોવા મળે છે. કિનારાપટ્ટી 3૦ થી 3૦૦ મીટરની ઊંચાઈવાળી ટેકરીઓથી બનેલી છે. મધ્યભાગમાં ગોચરો આવેલાં છે. તેની નીચે કોલસાધારક ખડકો છે. અહીં 1,000 થી 1,250  મિમી. વરસાદ પડે છે. આબોહવા ભેજવાળી રહે છે. અંતરિયાળ તરફ જતાં વરસાદનું પ્રમાણ 1,500 થી 2,500  મિમી. જેટલું થાય છે.

Lendalfoot from Little Carleton Farm

દક્ષિણ આયર-શાયર

સૌ. "Lendalfoot from Little Carleton Farm" | CC BY-SA 4.0

આ પ્રદેશમાં કિનારા પાસેની નીચાણવાળી જમીન ઘણી ફળદ્રૂપ છે. અહીંની જમીનોમાં બટાટા અને સ્ટ્રૉબેરીનું પુષ્કળ વાવેતર કરવામાં આવે છે. આયર, ઇરવિન અને ડૂન નદીઓ આ પ્રદેશમાંથી વહે છે. આયર-શાયરના પ્રદેશના વચ્ચેના ભાગમાં આવેલી ટેકરીઓ પર ઘાસ થતું હોવાથી ડેરી-ઉદ્યોગ વિકસ્યો છે. ડેરીમાં દૂધ આપતી ઢોરોની ‘આયર-શાયર’ જાત (breed) સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ પ્રદેશમાં કોલસા અને લોખંડની ખાણોનો તથા કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. આ ઉપરાંત અહીં માછીમારી, યંત્રસામગ્રી, ઊન, સિલિકોન ચિપ્સ અને હવાઈ-જહાજના એકમો પણ ચાલે છે. બધા જ પ્રકારના કાપડનું ઉત્પાદન કરતાં ઇરવિન અને ગાનૉર્ક અહીંનાં મુખ્ય ઔદ્યોગિક મથકો બની રહેલાં છે. કિનારા પરનાં નાનાં શહેરો આસપાસના કુદરતી સૌંદર્યને કારણે સહેલાણીઓ માટે વિકસ્યાં છે.

Train Station Panorama

કિલ્મર્નોક

સૌ. "Train Station Panorama" | CC BY-SA 4.0

પ્રાગૈતિહાસિક સંશોધનો નિર્દેશ કરે છે કે 6,000  વર્ષ પહેલાં પણ આ પ્રદેશમાં વસાહતો હતી. ઈ. સ. 79-84ના અરસાનો રોમન કિલ્લો હજી લાઊડોન ટેકરી પર જોવા મળે છે. અગિયારમી સદીમાં આ પ્રદેશ સ્કૉટલૅન્ડના સામ્રાજ્યનો એક ભાગ હતો. ત્યારે રાજા ડંકનનું શાસન આખા સ્કૉટલૅન્ડ પર ચાલતું હતું. 1263 માં લાર્ગ્ઝ(Largs)ની લડાઈ થઈ હતી. 1297 માં આયર ખાતે સર વિલિયમ વૉલેસે સ્કૉટલૅન્ડનું સ્વાતંત્ર્ય મેળવવા સંઘર્ષો કરેલા. 1307 માં ટર્નબરી કિલ્લામાંથી રૉબર્ટ પહેલાએ સ્કૉટિશ ગાદી માટે લડાઈ શરૂ કરેલી. 1315 માં આયરમાં સંસદ શરૂ થઈ. 1654 માં આ સ્થળે ઑલિવર ક્રૉમવેલે નૈર્ઋત્ય સ્કૉટલૅન્ડ પર કાબૂ મેળવવા નગરદુર્ગ બાંધેલો. 1780 માં અહીં કોલસાની ખાણ ખોદવામાં આવી તે પછી લોખંડ અને કાપડના ઉદ્યોગો શરૂ થયા. તેની સાથે સાથે કૃષિ-ક્રાંતિ પણ થઈ. આમ આયર-શાયર કૃષિ અને ઉદ્યોગક્ષેત્રે વિકસ્યું. 1975 માં આયર-શાયરનો સ્ટ્રેથક્લાઇડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ રીતે આયર-શાયર દક્ષિણ સ્કૉટલૅન્ડનો સૌથી મોટો પ્રાંત બન્યો છે. હવે તેનો વિસ્તાર 2,930 ચોકિમી. જેટલો થયો છે.

મહેશ મ. ત્રિવેદી