બસુ, બુદ્ધદેવ (જ. 1908, કોમિલા, બાંગ્લાદેશ; અ. 1974) : બંગાળી ભાષાના કવિ, સમીક્ષક, નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, નાટકકાર. પત્રકારત્વ સાથે પણ તે જોડાયેલા હતા. માતાના મૃત્યુને કારણે તેમનાં નાની સ્વર્ણલતાએ ઉછેર્યા. તરુણ લેખકોના નવા ‘પ્રગતિશીલ’ જૂથને આરંભમાં ટેકો આપી સામયિક ‘પ્રગતિ’ના સહતંત્રી તરીકે 2 વર્ષ (1927–1928) કામગીરી કરી. તે જ વખતે અંગ્રેજી વિષય સાથે ઢાકા યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. સામયિક ‘પરિચય’નું પ્રવર્તન કર્યું. તેમાં પુસ્તકોનાં અવલોકનો પ્રકટ થતાં. જાણીતાં ગાયિકા અને લેખિકા પ્રતિભા બસુ સાથે લગ્ન (1934), એ જ વર્ષે રિપન કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે નિયુક્તિ પામ્યા. તે પદ તેમણે 1940માં છોડી દીધું. 1956માં જાદવપુર યુનિવર્સિટીના તુલનાત્મક સાહિત્યવિભાગના અધ્યક્ષપદે નિમાયા. તેમાંથી 1963માં નિવૃત્તિ. 1961 અને 1963માં વિદેશોની યુનિવર્સિટીમાં વ્યાખ્યાનો આપ્યાં. 1967માં નાટક ‘તપસ્વી ઓ તરંગિણી’ માટે સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો અને 1970માં ‘પદ્મભૂષણ’ રૂપે રાષ્ટ્રીય સન્માન પામ્યા.
આરંભથી જ બુદ્ધદેવ કવિતામાં સૌન્દર્યપરક મૂલ્યોની કાળજી કરતા અને બોધાત્મકતાથી દૂર રહેતા; મનુષ્યમાં માનવતાને પ્રત્યાવર્તિત કરતી કવિતાની શોધ કરતા. ‘બંદીર વંદના’ (1930) નામના પ્રથમ કાવ્યસંગ્રહમાં તે વિદ્રોહી તરીકે અને સાહસી રંગદર્શી તરીકે ઊપસી આવે છે. એમાં ઉત્કટ પ્રેમની તેમજ દેહાત્મવાદની દાર્શનિક ભૂમિકા આલેખતી 11 કવિતા છે. તો વળી નિસર્ગના ર્દશ્યસૌન્દર્યનું આહલાદક ચિત્રણ છે; તેમાં નિરૂપણ અને અભિગમમાં પરંપરાથી દૂર રહેવાનો પ્રયત્ન દેખાય છે. રવીન્દ્રનાથથી જુદી રીતે લખવાના પ્રયત્ન છતાં તે રવીન્દ્રનાથશૈલીથી બચી શકતા નથી. ‘બંદીર વંદના’ કાવ્યમાં ટાગોરનાં લખાણોમાં સાતત્ય ધરાવતો, – સ્વચ્છંદી, અપૂર્ણ નિસર્ગ પર કલાકારના પ્રભુત્વનો વિચાર આલેખાયો છે. ‘પૃથિવીર પથે’(1933)માં પણ તાત્વિક ર્દષ્ટિબિંદુ હોવા છતાં ઉપદેશકની ભૂમિકા સ્વીકારી નથી. ‘કંકાવતી’ સંગ્રહ(1937)નાં કાવ્યોમાં પોતાની નીતિ-નિરપેક્ષ સૌંદર્ય-ર્દષ્ટિ સાથે તે સમાધાન સાધે છે, તેમજ રૅફેલના પુરોગામીઓમાં જોવા મળતા કવિતા અને ચિત્રકલાના સંબંધને તે પણ ગ્રહણ કરે છે. વળી, બુદ્ધદેવે ઇંદ્રિય-સંતર્પકતાની શોધમાં ફ્રેન્ચ કવિ બૉદલેર તેમજ અંગ્રેજ કવિ સ્વિનબર્ન(જે પ્રી–રૅફેલાઇટ કવિ કહેવાતા)ના વિચારોને અપનાવ્યા. ‘નૂતન પાતા’ (નવાં પર્ણ – 1940)માં કવિ નિસર્ગ અને જીવનથી નિરાળા નહિ એવા એક વિશ્વનું સર્જન કરે છે. ‘ચિલ્કાય સકાલ’ કાવ્ય આ કથનને પ્રમાણિત કરે છે. આ કૃતિ નિતાન્ત તેજસ્વી – ભાવોન્માદવાળી હોવા છતાં તેમાં અપૂર્વ સંયમ જોવા મળે છે. 1943માં પ્રકાશિત ‘દમયંતી’, 1935–37 વચ્ચે લખાયેલાં કાવ્યોમાં, તે ટાગોરની વધુ નજીક ગયા છે એ સ્પષ્ટ થાય છે. પુરાકલ્પન(myth)નો (દમયંતી વિશે) એમણે કરેલો ઉપયોગ અમુક અંશે એલિયટથી પ્રભાવિત હોવાનું સૂચવે છે. તેમાં સ્વકીય અનુભૂતિનો રણકો સંભળાય છે. સંગ્રહનાં કાવ્યોમાં કવિનો સામાજિક સંબંધનો સ્પષ્ટ પરિચય મળવા ઉપરાંત માનવ-પ્રદેશની પરિધિ પર રહેતું પ્રાણીસૃષ્ટિનું જીવંત જગત મળે છે. ‘દ્રૌપદીર સાડિ’(1948)નાં કાવ્યોમાં એઝરા પાઉન્ડની પ્રતીકવાદની ઘોષણાને સમર્થન આપતા બુદ્ધદેવ બંગાળી કવિતાને પરંપરાગત કથનશૈલીથી મુક્ત કરવાનો પ્રયાસ કરે છે; અલબત્ત એમની દ્વિધા પણ દેખાય છે. પરંતુ ‘વ્યથિત વ્યક્તિ’ને સર્જક વ્યક્તિથી અલગ કરવાનો અને આત્મવૃત્તાંતના અંશોને ‘શીત રાત્રિર પાર્થના’ કાવ્યમાં લાગણીવશ થયા વિના પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. ‘જે અંધાર આલોર અધિક’ (આ અંધાર પ્રકાશથીયે વિશેષ – 1958)માં ઉત્કૃષ્ટ રચનાઓ મળે છે; તેમાં એક વળાંક કલ્પનવાદની છાયામાંથી પ્રતીકવાદ તરફ જવા પ્રવૃત્ત બનતા કવિ દેખાય છે. સર્જન પહેલાંની મન:સ્થિતિ અને રૂપાંતર વચ્ચેનો અનિવાર્ય સંબંધ અહીં પણ કામ કરે છે. દૈવનિર્મિત અને કાવ્યોચિત વ્યક્તિત્વ ‘જે અંધાર આલોર અધિક’નો વિષય છે, પ્રકાશનો અવરોધક અંધાર, સર્જનના સ્રોત જેવો છે; આ સઘન અર્થપૂર્ણ અંધાર કવિની જવાબદારીને વધુ ને વધુ મૂંઝવણભરી બનાવે છે. વળી કાવ્યોમાં ચિત્રકલાનાં તત્વોની પ્રબળતા સંગ્રહને આધુનિક બંગાળી કવિતામાં અદ્વિતીય સ્થાન આપે છે.
બુદ્ધદેવની અંતિમ કવિતામાં ક્રમે ક્રમે વિદેશી હૃદય સભાનપણે પ્રતિબિંબિત થયું છે. અવિલોપ્ય બૉદલેરી ગુણધર્મ ધરાવતું કાવ્ય છે ‘વેશ્યાર મૃત્યુ’. 1961માં પ્રકટ થયેલા ‘ધ ફ્લાવર્સ ઑવ્ ઈવિલ’માંનાં બૉદલેરનાં 112 કાવ્યોનું બુદ્ધદેવે બંગાળીમાં ભાષાંતર કરેલું છે અને તેમાં બંને કવિઓ વચ્ચેની સગોત્રતાને પુષ્ટિ મળે છે અને બંગાળી કવિતાને સમૃદ્ધ કરે છે તે ‘શાર્લ બૉદલેર, એની કવિતા’. ‘જે અંધાર આલોર અધિક’માં બુદ્ધદેવ સ્વ અને પર વચ્ચેના ભેદને દૂર કરવાના પ્રયત્નમાં કવિ રિલ્કેની સ્પર્ધામાં હતા. 1970માં ‘રાઇનર મારિયા રિલ્કેની કવિતા’માં અનુવાદ સ્વૈર હોવા છતાં એમાં અર્થછટાને ઊંડી અને વિશાળ બનાવવાનો પ્રયત્ન છે, સાથે એક નવી શૈલીનો વિકાસ કરે છે. ‘હોલ્ડરલિનની કવિતા’(1967)ના બુદ્ધદેવના સર્જનશીલ અનુવાદને પણ આ અવલોકન લાગુ પડે છે. એઝરા પાઉન્ડ, ઈ. ઈ. કમિંગ્ઝ, વાલેસ સ્ટીવન્સ, બૉરિસ પાસ્તરનાકની કૃતિઓના બુદ્ધદેવે કરેલા અનુવાદો કવિના પુનર્જન્મની સંઘર્ષપૂર્ણ પ્રવૃત્તિને પ્રત્યક્ષ કરે છે. બુદ્ધદેવનાં બાળકાવ્યો ‘બાર માસનાં બાળગીત’ હાન્સ ઍન્ડર્સનની પરીકથાઓ (જેમાંથી તેમણે કેટલીકનો અનુવાદ પણ કર્યો છે) સાથે સામ્ય ધરાવે છે. કાલિદાસના ‘મેઘદૂત’નો અનુવાદ (1957) કવિ અનુવાદકનો અનુવાદ છે.
સાહિત્ય-સમીક્ષક અને સર્જક કલાકાર રૂપે બુદ્ધદેવ એક જ વ્યક્તિ છે. એમને માટે સાહિત્યિક સમાલોચનાનું કાર્ય કલાત્મક ગવેષણાથી ભિન્ન નથી. તેમણે રવીન્દ્રનાથના અભ્યાસમાંથી આલોચનાત્મક વૈવિધ્ય પ્રાપ્ત કર્યું. ‘રવીન્દ્રનાથ : કથાસાહિત્ય’ (1954), ‘ટાગોર ; કવિનું શબ્દચિત્ર’ (1962), ‘સંગ, નિ:સંગતા અને રવીન્દ્રનાથ’ (1963), ‘કવિ રવીન્દ્રનાથ’ (1966), લગભગ 25 વર્ષ પર પથરાયેલી, બુદ્ધદેવે કરેલી ટાગોરની વિવેચના, ગુણસ્વરૂપે સાહિત્યિક છે, સર્જનાત્મક છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી પ્રગટ થયેલ આધુનિક બંગાળી સાહિત્યનું સર્વેક્ષણ ‘ઍન એકર ઑવ્ ગ્રીન ગ્રાસ’ (1948), 6 ખંડમાં વિભાજિત છે : રવીન્દ્રનાથ, પ્રમથ ચૌધરી, શરદચંદ્ર, નઝરુલ ઇસ્લામ, આધુનિક બંગાળી કવિતા, આધુનિક બંગાળી ગદ્ય. તેમની ‘મહાભારતેર કથા’ (1974) મીમાંસાત્મક સમીક્ષાનો ઉત્કૃષ્ટ ગ્રંથ છે; જ્યારે તે તુલનાત્મક માનદંડ અપનાવે છે ત્યારે તેમનું વિવેચનસાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન બને છે.
બુદ્ધદેવના લલિત નિબંધો, પ્રવાસ-વર્ણનો તેમજ ચિંતનાત્મક તર્કબદ્ધ લખાણોમાં વિશિષ્ટ ગદ્યશૈલી જોવા મળે છે. ‘હઠાત્ આલોર ઝલકાનિ’ (એકાએક તેજની ઝલક) 1935થી શરૂ કરી 1946માં પ્રકટ થયેલ ‘કાલેર પુતુલ’(કાળ-પૂતળી)નાં રેખાચિત્રો, અને પ્રવાસવર્ણન ‘જાપાની જર્નલ’ (1962), ‘પ્રબંધસંકલન’ (1966) નિબંધો વગેરેમાં ‘ઉત્તર તિરિશ’ – (‘ત્રીસ પછી’ – 1945)માં, બુદ્ધદેવ સાદી ભાષાની અસરમાંથી પોતાના ગદ્યને સંપૂર્ણત: મુક્ત કરે છે. પ્રયોગો તથા બંગાળી ભાષાની લાક્ષણિકતાઓને નૂતન સંસ્કાર આપવાનો સભાન પ્રયત્ન કરે છે. બીજાં ગદ્યલખાણોમાં પ્રવાસ અને સંસ્મરણો છે : ‘આમિ ચંચલ હે’ (1936), ‘સબ પેયેછિર દેશ’ (1941) અને ‘આમાર છેલેબેલા’ (1973).
બુદ્ધદેવનું કથાસાહિત્ય ‘કાવ્યમય’ કહેવાયું છે. એમની ઘણી નવલકથાઓ અને વાર્તાઓમાં મુખ્ય વિષય રહ્યો છે – ‘કલાકારની છબી’. તેની સાથોસાથ આવે છે કલા અને જીવન, પ્રેમ અને મૃત્યુ, આત્મજ્ઞાન અને નિસર્ગ તરફ ગમન, સીમા બહારનું વિશ્વેદર્શન. ‘સાદ’(1930)માં એકલવાયું જીવન નાયકને આત્મહત્યા તરફ વાળે છે. ‘મન દેયા-નેયા’ (મન આપવું-લેવું-1932)માં જીવન વિજેતા બને છે, કલા દીવાનખાના પૂરતી પરિમિત રહે છે. ‘રોદોડેન્ડ્રમ’નું ગુચ્છ (1932) સ્ત્રીસ્વાતંત્ર્યના મુદ્દાઓને આલેખે છે. ‘સનંદા’ (1933) પણ ધ્યાનાર્હ નવલ છે. તે પછીની નવલોમાં પણ કલા અને પ્રેમની મોહિની વચ્ચે અથડાતા દ્વિધાયુક્ત કલાકારની ચંચલ મન:સ્થિતિ પ્રકટ થાય છે. દા.ત., ‘ધૂસર ગોધૂલિ’, ‘હે વિજયી વીર’ વગેરે. ‘બાડિ બદલ’(ઘર બદલવું – 1935)માં પણ કિશોરકથાના કસબથી રચાયેલ પેલા મૂળ ઉદ્દેશને પ્રકટ કરે છે. ‘કાલો હવા’ (1942), (ધૂંધળી આંધી)માં ધર્મસંસ્થા અને લગ્નપ્રથામાં રહેલી સામાજિક નીતિનાં આવરણોને લેખક ફગાવી દે છે. પછીની સમર્થ કૃતિ તે ‘તિથિદોર’ (1949); તેમાં કૌટુંબિક જીવનનું ચિત્ર અને ઘરેળુ આનંદના લઘુ પ્રસંગો સમાવિષ્ટ છે; ‘ચેતનાપ્રવાહ’ની શૈલી ધ્યાનાર્હ બને છે. કલાકારને મહાનગર કલકત્તા વિશાળ ક્ષેત્ર પૂરું પાડે છે. ‘શેષ પાંડુલિપિ’(અંતિમ હસ્તપ્રત – 1956)માં કલાકાર આ પડકારને ઝીલે છે; એ નીતિનિ:સ્પૃહ સૌંદર્યપરક કલાકારની વાર્તા છે. ‘રાત ભરે વૃષ્ટિ’(1966)માં કલાકારની સ્વકીય ખોજને પ્રદર્શિત કરે છે તો ‘ગોલાપ કેન કાલો’(1968)માં સમાજ સાથે મેળ વગરના થવામાં આનંદ લેતા કલાકારની વિમુખતા છે.
બુદ્ધદેવની બહુસંખ્યક ટૂંકી વાર્તાઓ પણ એ જ વસ્તુવિષયક વિલક્ષણતાને અંકિત કરે છે. તેમણે બાળકો માટે પણ વાર્તાઓ-નવલો લખી છે; બાલભોગ્ય સ્તર પર કેટલીક વાર્તાઓને રૂપાંતરિત કરી છે.
લેખક બુદ્ધદેવની મૂળભૂત પ્રકૃતિ છંદોમય છે, પણ નાટ્યકારને તે એક સંનિષ્ઠ સહયોગી તરીકે સ્વીકારે છે. 1930માં એકાંકી ‘એક કન્યાને કાજ’, પ્રથમ પૌરાણિક નાટક ‘રાવણ’ (1930), નવલકથા ‘કાલો હવા’નું નાટ્યરૂપાંતર તે અર્થગર્ભિત નાટક ‘માયામલંચ’. રવીન્દ્રનાથની ‘ચાંડાલિકા’થી પ્રેરિત ‘તપસ્વી ઓ તરંગિણી’ (1966) ધર્મનિરપેક્ષ છતાં ઉદ્દેશપૂર્ણ ઢબે આલેખેલો પ્રેમપ્રસંગ છે. કાવ્યાત્મક નાટકમાં બાહ્ય વાસ્તવિકતા ધીમે ધીમે આંતરિકતામાં પરિણમે છે. ‘પ્રથમ પાર્થ’ (1969), ‘અનામી અંગના’ (1970) તથા ‘સંક્રાન્તિ’ (1970) પૌરાણિક કથાઓ પર લખાયેલાં નાટકો છે. બંગાળમાં બુદ્ધદેવ વિશે ગેરસમજ પ્રવર્તી છે અને તે ખૂબ વિવાદાસ્પદ વ્યક્તિ રહ્યા છે.
બંગાળના પત્રકારત્વને સર્જનશીલ સ્પર્શ આપવામાં તે સફળ થયા છે. બંગાળી ત્રૈમાસિક ‘કવિતા’ના સંસ્થાપક (1935) અને તંત્રીપદે રહી આધુનિકતા–જૂથના બંગાળના અનેક અગ્રેસર કવિઓને તક અને પ્રેરણા પૂરાં પાડ્યાં હતાં, અને તેમને દિશાર્દષ્ટિ અર્પી પ્રશિક્ષિત કરેલા. જીવનાનંદ દાસ જેવા સાથી કવિ-લેખકો માટે, તેમની કવિત્વશક્તિ સ્થાપિત કરવા માટે, કૃત-સંકલ્પ બની ‘કવિતા’માં સ્થાન આપેલું; ‘એક પયસાય એકટિ’ના સસ્તા પ્રકાશન દ્વારા ઊગતા લેખકોને લોકપ્રિય બનાવેલા. ‘કવિતા ભવન’ના સ્થાપક (1939) બુદ્ધદેવે ભિન્ન સામાજિક-રાજકીય વિચારસરણી ધરાવતા લેખકો માટે સમાન રૂપે અનુકૂળ સભાઓનું આયોજન કર્યું હતું.
અનિલા દલાલ