બલ્ખ : ઉત્તર અફઘાનિસ્તાનનો એક પ્રાંત તથા તે જ નામ ધરાવતું એક પરગણું. ભૌગોલિક સ્થાન : આ પ્રાંત 35° 50´ થી 36° 50´ ઉ. અ. અને 66° 50´ થી 67° 20´ પૂ. રે. વચ્ચેનો આશરે 15,620 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે દુનિયાનાં જૂનામાં જૂનાં સ્થળો પૈકીનું એક ગણાય છે. તે બલ્ખ પ્રાંતમાં બલ્ખ નદી નજીક, મેદાની વિસ્તારમાં 370 મીટરની ઊંચાઈ પર મઝારે શરીફથી આશરે 21 કિમી.ને અંતરે પશ્ચિમ તરફ આવેલું છે. તેની ઉત્તરે તુર્કમેનિયા અને ઉઝબેકિસ્તાન, પૂર્વમાં સમાનગાન પ્રાંત, દક્ષિણે જોવ્ઝાન તથા પશ્ચિમે જોવ્ઝાન અને ફરીઆબ પ્રાંતોની સીમાઓ આવેલી છે. મઝારે શરીફ તેનું મુખ્ય વહીવટી મથક છે.
ભૂપૃષ્ઠ : આ પ્રાંત એકબીજાથી અલગ પડી જતા બે કુદરતી વિભાગોથી બનેલો છે. પ્રાંતની ઉત્તર તરફનો ભાગ 500થી 1,000 મીટરની ઊંચાઈ ધરાવતો લગભગ સમતળ મેદાની પ્રદેશ જેવો છે, જ્યારે દક્ષિણ તરફનો ભાગ 1,000થી 1,500 મીટરની ઊંચાઈ ધરાવતો પહાડી પ્રદેશ છે. પ્રાંતની ઉત્તરે અમુદરિયા નદી અફઘાનિસ્તાન–ઉઝબેકિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમારૂપે પૂર્વ-પશ્ચિમ વહે છે. બલ્ખ નદી આ પ્રાંતની લગભગ મધ્યમાં થઈને પસાર થાય છે અને દક્ષિણથી ઉત્તર તરફ વહે છે. અમુદરિયાને તે મળે તે પહેલાં તેનાં પાણીનો સિંચાઈ માટે મહત્તમ ઉપયોગ કરી લેવામાં આવે છે.
આ પ્રાંતનું ઉનાળાનું સરેરાશ તાપમાન 40° સે. જેટલું તથા શિયાળાનું –3° સે. જેટલું તેમજ વાર્ષિક સરેરાશ વરસાદનું પ્રમાણ 350 મિમી. જેટલું રહે છે.
પ્રાંતના દક્ષિણ ભાગમાં ઓક અને વૉલનટનાં વૃક્ષો આવેલાં છે, જ્યારે ઉત્તરમાં ઘાસનું પ્રમાણ વિશેષ છે. ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિ પણ વધુ છે. કપાસ, અનાજ અને ફળો અહીં ઉગાડાય છે. આ ઉપરાંત ખનિજ તેલ અને કોલસાનાં ક્ષેત્રો પણ અહીં મળી આવ્યાં છે. મઝારે શરીફમાં કેટલાક ઉદ્યોગ પણ વિકસ્યા છે.
પ્રાંતના મુખ્ય શહેર મઝારે શરીફમાં વેપારનો વિકાસ થયેલો છે તેમજ શિક્ષણના કેન્દ્ર તરીકે તે આગળ પડતું છે. તે એક મહત્વનું સરહદી શહેર હોવાથી મોકાનું સ્થળ બની રહેલું છે. શહેરના મુખ્ય માર્ગ સાથે પ્રાંતના અન્ય માર્ગો જોડાયેલા છે, તથા કાબુલને જોડતો ધોરી માર્ગ આ પ્રાંતમાંથી પસાર થાય છે. પ્રાચીન સમયથી વણજારો બલ્ખ થઈને જ ભારત-ચીન કે રોમ તરફ જતી.
બલ્ખ પરગણું : ભૌગોલિક સ્થાન : 36° 46´ ઉ. અ. અને 66° 54´ પૂ. રે. તે પ્રાંતના મુખ્ય શહેર મઝારે શરીફથી પશ્ચિમે આશરે 21 કિમી. અંતરે બલ્ખ નદીના કાંઠા નજીક વસેલું છે. અહીંથી 100 કિમી. દૂર ઉત્તર તરફ ઉઝબેકિસ્તાનની સીમા આવેલી છે.
અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. 1979માં રશિયન લશ્કરી દળોએ અહીં પ્રવેશ કર્યો ત્યારે અહીંની પ્રજાને ખૂબ સહન કરવું પડ્યું હતું. આ પરગણું પહેલાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું એક મોટું નગર હતું. અહીંથી બૌદ્ધ ધર્મનાં પ્રાચીન સ્થાપત્યો તથા શિલાલેખો મળી આવ્યાં છે. અહી ઇસ્લામ ધર્મના મકબરા અને મસ્જિદો પણ જોવા મળે છે તે પૈકી ખ્વાજા અબુ નાસર પાર્સાનો મકબરો વધુ જાણીતો છે, જે તેના ભૂતકાળના ઇતિહાસની યાદ અપાવે છે.
ઇતિહાસ : ઉત્તર અફઘાનિસ્તાનનું આ પરગણું બલ્ખ પહેલાં વજીરાબાદ તરીકે ઓળખાતું હતું. ત્યારે તે બૅક્ટ્રિયા પ્રાંતનું મુખ્ય શહેર હતું. લોકવાયકા મુજબ આ સ્થળની સ્થાપના ઈરાની રોમ્યલસ(કિયોમુર)ને ફાળે જાય છે. વેદોમાં બાહલિકનો તથા વેદ અને અવેસ્તા બંનેમાં બખ્તાર (બખધી) નગર ખાતે યમરાજનું રાજ્ય હોવાના ઉલ્લેખો મળે છે. આ સ્થળ અષો જરથુષ્ટ્રનું જન્મસ્થાન હોવાનું પણ માનવામાં આવે છે. આ વિસ્તાર બૅક્ટ્રિયાના સત્રપ (સૂબો) તરીકે ઈ. પૂ. આશરે 545માં એકમેનિડ સામ્રાજ્ય હેઠળ હતો. ઈ. પૂ. 328માં એલેક્ઝાન્ડરે આ વિસ્તાર પર પોતાનું આધિપત્ય સ્થાપેલું. ત્યારબાદ તે ગ્રીક સામ્રાજ્યના એક શહેર તરીકે જાણીતું બનેલું. ગ્રીક-બૅક્ટ્રિયન કાળમાં તે પુનર્નિમાણ પામેલું. તે પછીથી બૌદ્ધ મઠો માટે પણ તે જાણીતું થયેલું.
તુર્કો, કુશાનો અને આરબો તથા અન્ય ભટકતા સમુદાયો દ્વારા તે અવારનવાર લૂંટાતું રહ્યું. આઠમી સદીમાં આરબોના ઇસ્લામી લશ્કરે આ સ્થળ લઈ લીધેલું. ત્યારપછી તે ખોરાસાન પ્રાંતનું શહેર બન્યું. અબ્બાસિદ અને સામાનિદના સમયગાળામાં તે એક ઘણું જ મહત્વનું શહેર તથા શિક્ષણનું મથક બની રહેલું. આ કારણથી અરબી ભૂગોળવેત્તાઓએ તેને ‘ઉમ્મ-અલ-બિલાદ’ અર્થાત્ ‘શહેરોના માતૃસ્થાન’ તરીકે નવાજેલું. 1220માં મોંગોલ સમ્રાટ ચંઘીઝખાનના આક્રમણનો ભોગ બનવાથી આ શહેરનો સંપૂર્ણપણે નાશ થયેલો. તે પછીનાં આશરે સો વર્ષ જેટલા સમય માટે તે એવું જ ભગ્નાવસ્થામાં રહેલું. મુઘલકાળમાં ઈરાનના શાસકોએ, ઉઝબેકોએ, નાદિરશાહે આક્રમણો કરીને તેનો કબજો મેળવેલો. તુર્કી વિજેતા તૈમૂર લંગે પણ તેને તારાજ કરેલું; પરંતુ પંદરમી સદીમાં તેનો પુનરુદ્ધાર થયો છે. 1850થી બલ્ખનો સમાવેશ અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલો છે.
નીતિન કોઠારી