બર્થોલેટ, ક્લૉડ લૂઈ

January, 2000

બર્થોલેટ, ક્લૉડ લૂઈ (જ. 9 ડિસેમ્બર 1749, ટેલૉઈર, એન્નેસી પાસે, ફ્રાન્સ; અ. 6 નવેમ્બર 1822, આરક્વીલ, પૅરિસ પાસે) : અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં વિવિધ પ્રશ્નો ઉપર સંશોધન કાર્ય કરનાર ફ્રેંચ રસાયણવિદ્. કેમ્બેરી અને ત્યારબાદ તુરિન (ઇટાલી) ખાતે વૈદકનો અભ્યાસ કર્યા બાદ 1772માં તેઓ પૅરિસમાં લેવોયઝિયરના સહકાર્યકર બન્યા અને રાસાયણિક નામકરણ-પદ્ધતિમાં સુધારાવધારા કરવામાં તેમને મદદ કરી. 1880માં તેઓ પૅરિસની એકૅડેમી ઑવ્ સાયન્સના સભ્ય બન્યા.

ક્લૉડ લૂઈ બર્થોલેટ

હાઇડ્રોસાયનિક (પ્રુસિક) ઍસિડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ પરનાં તેમનાં સંશોધનોને કારણે તેઓ બધા ઍસિડમાં ઑક્સિજન એક આવશ્યક તત્વ છે તેવી લેવૉઇઝિયરની માન્યતા સાથે સહમત થયા નહિ. 1785માં તેમણે એમોનિયાનું સંઘટન નક્કી કર્યું. તે જ વર્ષમાં તેમણે વાનસ્પતિક પદાર્થો માટે ક્લોરિનનો રંગહારક (bleaching agent) તરીકેનો ઉપયોગ શરૂ કર્યો. પોટૅશિયમ ક્લોરેટની શોધ તેમણે કરી હતી, પણ બંદૂકના દારૂમાં પોટૅશિયમ નાઇટ્રેટની જગાએ તેનો ઉપયોગ કરવા જતાં એક કારખાનું નાશ પામ્યું હતું (1788). લિનનને ચળકાટ આપવાની તથા તેને કડક બનાવવાની વિધિ પણ તેમણે શોધી હતી.

ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન તેમણે ઘણી વૈજ્ઞાનિક સમિતિઓમાં કાર્ય કર્યું હતું. 1792માં તેઓ રાષ્ટ્રીય ટંકશાળના, જ્યારે 1794માં ખેતીવાડીના કમિશનર બન્યા. 1794માં જ તેઓ પૅરિસની પૉલિટેકનિક અને નૉર્મલ સ્કૂલના પ્રાધ્યાપક બન્યા અને 1795માં ઇન્સ્ટિટ્યૂટ નૅશનલના પુનર્ગઠનમાં મદદરૂપ થયા. 1796માં નેપોલિયન બોનાપાર્ટ ઇટાલીમાં ફ્રેન્ચ લશ્કરના જનરલ હતા ત્યારે ફ્રાંસની સરકારે તેમને પૅરિસની નૅશનલ ગૅલરી માટે કેટલાક પ્રાચીન કલાના નમૂના તેમજ વૈજ્ઞાનિક ઉપકરણો પસંદ કરવા માટેના કમિશનના અધ્યક્ષ તરીકે ત્યાં મોકલેલા. આ સમયે તેઓ નેપોલિયનના પરિચયમાં આવ્યા અને બંને મિત્રો બની રહ્યા. 1798માં નેપોલિયને ઇજિપ્ત પર ચડાઈ કરી ત્યારે બર્થોલેટ નેપોલિયનના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે તેની સાથે ગયા અને ત્યાં તેમણે ઇન્સ્ટિટ્યૂટ નૅશનલના પ્રતિરૂપ જેવી સંસ્થા ઊભી કરી. નેપોલિયનના યુદ્ધકાળમાં તેમણે લોખંડની ખનિજમાંથી લોખંડ કેવી રીતે પ્રાપ્ત કરવું અને તેમાંથી પોલાદ કેવી રીતે બનાવવું તે બતાવ્યું. રંગકો (dyes) ઉપર પણ તેમણે કામ કરેલું.

1803માં બર્થોલેટે રાસાયણિક સમતોલન ઉપરના તેમના વિચારો તેમના પુસ્તક Essai de statique chmiqueમાં રજૂ કર્યા હતા. ઇજિપ્તના પ્રવાસ દરમિયાનનાં તેમનાં અવલોકનોએ પ્રથમ વાર એમ દર્શાવ્યું કે રાસાયણિક પ્રક્રિયાને સંપૂર્ણ થવા તરફ દોરી જતાં બળોમાં પ્રક્રિયા કરતાં પદાર્થોનો જથ્થો પણ કારણભૂત છે.

તેમને ઉમરાવ ઉપરાંત મૉન્ટપેલિયર જિલ્લાના સેનેટર બનાવવામાં આવેલા (1804). ગ્રાન્ડ ક્રૉસ તથા ઑર્ડર ઑવ્ ધ રીયુનિયનથી પણ તેમને નવાજવામાં આવેલા (1813).

નેપોલિયન સાથે મિત્રતા હોવા છતાં ફ્રાન્સના હિતમાં નેપોલિયનને ગાદી પરથી ઉતારી મૂકી કામચલાઉ સરકાર રચવાના પક્ષમાં તેમણે મત આપેલો (1814).

નિવૃત્તિકાળમાં તેમણે એક પ્રયોગશાળા ચાલુ રાખેલી. વળી તેઓ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકોની સભાઓ પણ યોજતા. આ સમયે થતી ચર્ચા પ્રસિદ્ધ પણ કરવામાં આવતી હતી (1807–1817).

જ. દા. તલાટી