બરોડા મ્યુઝિયમ ઍન્ડ પિક્ચર ગૅલરી, વડોદરા (1894) : ગુજરાતનું સદીજૂનું અનન્ય સંગ્રહાલય. બહુહેતુક વિશાળ સંગ્રહ ધરાવતા ગુજરાતના આ સૌથી મોટા રાજ્ય સંગ્રહાલયની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનકાળ દરમિયાન થઈ હતી. પ્રજાવત્સલ રાજાએ પ્રજામાં વિજ્ઞાન અને કલા-ર્દષ્ટિ વિકસે એ માટે તેની રચના કરી હતી. વિવિધ દેશોની વિશિષ્ટ કલાકૃતિઓ અને હસ્તકળાના નમૂનાઓને તેઓ ખરીદતા. એવી ખરીદી માટે જુદા જુદા દેશોમાં કેટલાક કલામર્મજ્ઞો અને વિદ્વાનોને પણ નીમવામાં આવતા. આ રીતે એકત્ર કરેલ વિશાળ સંગ્રહને પ્રજા સમક્ષ મૂકવા સંગ્રહાલયના મકાનનો શિલાન્યાસ 1887માં કરાયો અને મકાન પૂર્ણ બંધાઈ રહેતાં 1894માં પ્રજા માટે તે ખુલ્લું મુકાયું. આ સંગ્રહ વિકસતો ગયો ને 1908માં મુખ્ય મકાનને જોડતી પિક્ચર ગૅલરીનું મકાન બાંધવાનું શરૂ થયું અને 1921માં તે પણ પ્રજા માટે ખુલ્લું મુકાયું.
સંગ્રહાલયની બેમાળી ઇમારતમાં અનેક દેશોની કલાઓનું વૈવિધ્ય જોવા મળે છે. વળી તે ઇમારતના સ્થાપત્યમાં પણ વિવિધ કલાશૈલીઓનું મિશ્રણ છે. ઇમારતના ડિઝાઇનર આર. એફ. ચિશૉમ અને સ્થપતિ વડોદરા રાજ્યના આર. એન. માંત હતા. ઇમારતનો જૂનો વિભાગ 150 × 40 ફૂટના ઓરડા રૂપે 8 ટાવરનો બનેલો છે. ઇમારત પરંપરાગત મરાઠાશૈલીમાં લાકડાના માળખા વચ્ચે ઈંટના પૂરણથી બનેલી છે. ભોંયતળિયું યુરોપિયન શૈલી પ્રમાણે છે. દીવાલોની છત–કાંગરીઓ પાર્થેનૉનના નકશીકામની શૈલીની છે. દક્ષિણ ભાગમાં પગથિયાંની રચના ઉત્તરકાલીન મુસ્લિમ સ્થાપત્યશૈલીની છે. પાછળથી બનેલ પિક્ચર ગૅલરી યુરોપિયન શૈલીની રચના છે.
1943માં કરાયેલી સંગ્રહાલયની આધુનિક ગોઠવણી નીચે મુજબ છે : (1) યુરોપિયન આર્ટ ગૅલરી, (2) એશિયાઇ કલાવિભાગ, (3) ભારતીય સંસ્કૃતિ અને કળાવિભાગ, (4) પ્રાકૃતિક-ઇતિહાસ વિભાગ, (5) માનવવંશજવિદ્યા વિભાગ તથા (6) પિક્ચર-ગૅલરી અને (7) સંદર્ભ પુસ્તકાલય.
સંગ્રહાલયમાં પ્રવેશતાં ભારતીય સંસ્કૃતિ અને કળાવિભાગ જોવા મળે છે. તેમાં પ્રાગ્-ઐતિહાસિક અને ઐતિહાસિક કાળના પુરાવારૂપ નમૂના પ્રદર્શિત કરેલ છે. સિંધુ સંસ્કૃતિના સમયગાળાના અવશેષો તેમાં પ્રદર્શિત છે. મોહેં-જો-દડો અને હડપ્પાના અવશેષો; ઉત્તર પંજાબ, રાજસ્થાન, સૌરાષ્ટ્રના ભાગોમાં વિકસેલી સંસ્કૃતિની પથ્થર, માટી, તાંબું અને સોનામાંથી બનેલી કલાકૃતિઓ પ્રદર્શિત છે.
પુરાતત્વ-વિભાગમાં મૌર્યકાળથી પંદરમી સદીના ગાળાનાં માટી, પથ્થર અને ધાતુનાં શિલ્પો મૂકેલાં છે. ગાંધાર શૈલીનાં વિવિધ કદનાં બુદ્ધ-શીર્ષ, દક્ષિણ ભારતની રાષ્ટ્રકૂટ કળાનાં શિલ્પો; કુશાણકાળનાં તેમજ ચોલ તથા હોયસળનાં શિલ્પો અને વિજયનગર તેમજ પ્રતિહારકળાશૈલીનાં કલાત્મક શિલ્પો પ્રદર્શિત છે. ગુજરાતમાંથી મળેલા વલભીકાળના, બાદામી અને ભરૂચમાંથી મળેલ ચાલુક્ય–શૈલીના નમૂનાઓ, વડોદરા પાસે અકોટા ગામથી મળેલ ઈ. સ. છઠ્ઠીથી અગિયારમી સદીનાં ધાતુ તેમજ પથ્થરનાં શિલ્પો, સોલંકી (ચાલુક્ય) અને વાઘેલા સમય(ગુજરાત, ઈ. સ.ના દશમી સદી પૂર્વાર્ધથી તેરમી સદી સુધી)નાં ખંભાત, પાટણ, ડભોઈ, દંતેશ્વર, કડી અને દ્વારકામાંથી મળેલાં શિલ્પો તેમજ સ્થાપત્યના અવશેષો અહીં સંગૃહીત છે. વડોદરા જિલ્લાના સિનોર ગામેથી મળેલ સત્તરમી સદીની કાષ્ઠકલાના મંડપનો ઉત્તમ નમૂનો અહીં પ્રદર્શિત છે.
ભારતીય ચિત્ર અને ઔદ્યોગિક હુન્નરકલાના વિભાગમાં ઈ. સ. ચૌદમી સદીથી વીસમી સદી સુધીના કલાત્મક નમૂનાઓ છે. જૈન અને હિન્દુ લઘુચિત્રો અને હસ્તપત્રો, રાજસ્થાનની કછવાહાશાળાનાં રાગમાલા ચિત્રો; મારવાડ, બુંદી, બુંદેલા, ઉદેપુર અને નાથદ્વારા શૈલીનાં ચિત્રો; પહાડી ચિત્રોમાં પંજાબ, ગઢવાલ તથા બશોલીનાં અને કાંગડા શૈલીનાં લઘુચિત્રો; મુસ્લિમ કળામાં અકબરના સમયનાં પ્રખ્યાત હમઝાનામા ચિત્રો છે. વળી શાહજહાં અને મુર્શિદાબાદશાળાનાં ચિત્રો પણ છે. વ્યાપારી કલા–વિભાગમાં કાપડ, કાષ્ઠ, લાખ, હાથીદાંત અને આભૂષણોના વિવિધ કલાત્મક નમૂનાઓ; પાટણ અને સૂરતનાં પટોળાં; કચ્છી અને રાજસ્થાની ભરતકામના કલાત્મક નમૂનાઓ; ચંદેરી, પૈઠણી, બનારસી, બાલૂચી સાડીઓના નમૂનાઓ તેમજ ચાંદી અને મિશ્રધાતુની કલાત્મક વસ્તુઓ પ્રદર્શિત છે.
ગાયકવાડના વડોદરા રાજ્યના કલા અને સંસ્કૃતિ વિભાગમાં સમગ્ર રાજ્યનો ઇતિહાસ અને મરાઠાકાલીન કલાનો પરિચય મળે એવા અનેક નમૂનાઓ પ્રદર્શિત કર્યા છે.
એશિયાઈ કલાવિભાગમાં બૃહદ્ ભારત ગૅલરીનો સમાવેશ થાય છે. આ ગૅલરીમાં શિલોંગ, મ્યાનમાર, સિયામ, મલાયા, કંબોડિયા, ઇન્ડોનેશિયા અને હિન્દી ચીનની કળા અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતા નમૂનાઓને પ્રદર્શિત કરેલ છે.
ચીની સંસ્કૃતિ અને કલા ગૅલરીમાં રહેલ કાંસાની કૃતિઓ, પૉર્સેલિન અને કલાત્મક ચીની ભરતકામના નમૂનાઓ, લાખનાં વાસણો, ચાંદી અને હાથીદાંતની વસ્તુઓ, કેટલાક દસ્તાવેજો, રેશમ પર કાળી શાહી વડે કરેલાં ચિત્રો વગેરે પ્રદર્શિત કરેલ છે.
જાપાની કલા અને સંસ્કૃતિ વિભાગમાં પણ મિશ્રધાતુ અને લાખનાં પાત્રો; હાથીદાંતની કલાત્મક ચીજો; જાપાની પોશાક–કિમોનો, લાકડા અને પૉર્સેલિનની માનવાકૃતિઓ અને કલાત્મક ચીજો પ્રદર્શિત કરેલ છે.
નેપાળી અને તિબેટી કલા ગૅલરીમાં ટાંકા-ચિત્રો, દિપંગ મૉનેસ્ટરીનું 6 ફૂટનું કાંસાનું મંડળ, બૌદ્ધ અને અન્ય મૂર્તિઓ પ્રદર્શિત છે.
દક્ષિણ-પશ્ચિમ એશિયા અને ઇજિપ્ત કલા અને સંસ્કૃતિ વિભાગમાં પિરામિડમાંથી લવાયેલું ‘મમી’ અને એસિરિયાની ઈ. સ. પૂર્વે 3000 વર્ષ-જૂની માટીની તકતીઓ છે.
મુસ્લિમ સંસ્કૃતિ અને કલા વિભાગમાં ઈરાન, તુર્કસ્તાન વગેરે દેશોની કલાકૃતિઓ, ચિત્રિત હસ્તપ્રતો અહીં પ્રદર્શિત છે.
યુરોપીય સંસ્કૃતિ અને કલાવિભાગમાં બરૉક અને રકોકો તેમજ રેનેસાં સમયનાં શિલ્પો, ચિત્રો અને હુન્નરકલાના નમૂનાઓ છે.
પિક્ચર ગૅલરી આ સંગ્રહાલયનો બીજો ભાગ છે. સોળમી-સત્તરમી સદીના જાણીતા યુરોપિયન ચિત્રકારોનાં ચિત્રોનો અહીં શ્રેષ્ઠ સંગ્રહ છે. તેમાં ફ્રેન્ચ તેમજ બ્રિટિશ શૈલીની કૃતિઓ છે.
આધુનિક ભારતીય આર્ટ ગૅલરીમાં એન. એસ. બેન્દ્રે, બી. સન્યાલ, યામિની રૉય, શ્યાવક્ષ ચાવડા, રસિકલાલ પરીખ, કનુ દેસાઈ, સોમાલાલ શાહ, છગનલાલ જાદવ, કે. એચ. આરા, વનલીલા કિનારીવાળા, બિનોદ મુખર્જી, સૂઝાં, વી. એ. માલી અને સ્વેતોસ્લાવ રૉરિકનાં ચિત્રો તેમજ ધનરાજ ભગત, એફ. એન. બોસ અને આર. કે. ફડકેની શિલ્પાકૃતિઓ પ્રદર્શિત છે.
પ્રાકૃતિક-ઇતિહાસ ગૅલરીમાં પ્રાણી, પક્ષી, સરીસૃપ, સસ્તન પ્રાણી, દરિયાઈ જીવ, વનસ્પતિ તથા કીટક વિભાગો છે. અસ્થિરચના-શાસ્ત્ર વિભાગમાં અનેક પ્રાણીઓ અને પક્ષીઓનાં અસ્થિ પ્રદર્શિત છે. બ્લૂવેલનું 72 ફૂટ લાંબું અસ્થિપિંજર ધ્યાનાકર્ષક છે.
અહીં અશ્મીભૂત પ્રાણીવિદ્યા વિભાગ; ખનિજ, પેટ્રો-રસાયણ અને ભૂસ્તરવિદ્યા વિભાગ પણ છે. માનવવંશજ વિભાગ તેમજ સંગીતવાદ્ય ગૅલરી પણ મહત્વનાં છે.
અહીં કલાના નમૂનાની સાચવણી–જાળવણી માટે અત્યાધુનિક સાધનોથી સજ્જ પ્રયોગશાળા છે.
ભારતનું આ સૌથી પહેલું સંગ્રહાલય છે, જ્યાં 1952માં સંગ્રહાલયવિદ્યાનો અભ્યાસક્રમ શરૂ થયો હતો. હવે 1956થી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આ અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. સંગ્રહાલયમાં 15,000 પુસ્તકો ધરાવતું સંદર્ભ પુસ્તકાલય છે. તેમાં 300 વર્ષ જૂનાં પુસ્તકો પણ છે. કલા, ઇતિહાસ, પુરાતત્વ અને ભારતીય સંસ્કૃતિને લગતાં દુર્લભ પુસ્તકો પણ છે. સંગ્રહાલય દ્વારા સંગ્રહવિષયક અનેક પ્રકાશનો થયાં છે. 22 વાર્ષિક બુલેટિન, 10 મૉનોગ્રાફ અને 7 ગુજરાતી પ્રકાશનો તેમજ શતાબ્દીવર્ષ નિમિત્તે અન્ય 8 પ્રકાશનો થયાં છે. સંગ્રહાલયને શતક દરમિયાન હરમન ગોએટ્ઝ, વી. એલ. દેવકર, બી. એલ. માંકડ, સ્વર્ણકમલ ભૌમિક જેવા નિષ્ણાતોની નિયામક તરીકે સેવાઓ તથા માર્ગદર્શન મળ્યાં છે.
આ પ્રકારનું બહુ-આયામી સંગ્રહાલય શૈક્ષણિક સંસ્થા કે યુનિવર્સિટીની ગરજ સારે એવું જ્ઞાનકેન્દ્ર છે. પ્રજાની અસ્મિતા ટકાવવા–વિકસાવવામાં સંગ્રહાલય બહુમૂલ્ય પ્રદાન કરે છે એ હકીકતને વડોદરાના આ સંગ્રહસ્થાને ચરિતાર્થ કરી છે.
સોનલ મણિયાર