બમનશિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક પ્રજાતિ. ભારતમાં તેની ચાર જાતિઓ થાય છે. તે પૈકી બે જાતિઓ Beaumontia grandiflora (Roxb.) Wall. (ગોતાલી ફૂલ, Herald’s trumpet, Nepal trumpet flower) અને B. jerdoniana wight. ઉદ્યાનોમાં શોભાની વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે.
B. grandiflora પૂર્વ હિમાલય, આસામ અને મેઘાલયમાં સ્થાનિક રીતે થતી અને સમગ્ર ભારતમાં ઉદ્યાનોમાં વવાતી ભરાવદાર સદાહરિત મોટી વેલ છે. પ્રકાંડ ક્ષીરયુક્ત, કાષ્ઠમય અને ગેરુ રંગના રોમવાળું હોય છે. તેનાં પર્ણો 12થી 30 સેમી. લાંબાં અને 5થી 18 સેમી. પહોળાં, ચળકતાં, પાતળાં, અંડાકાર-લંબચોરસ (ovate-oblong), સુંદર અને અરોમિલ હોય છે. પુષ્પવિન્યાસ અગ્રસ્થ પરિમિત (cyme) પ્રકારનો હોય છે અને પર્ણાભ (foliaceous) નિપત્રો (bracts) ધરાવે છે. પુષ્પ લગભગ 15 સેમી. લાંબું, સફેદ કે આછા પીળા રંગનું સુગંધિત અને ઘંટાકાર (campunulate) કે તૂર્યાકાર (trumpet-shaped) હોય છે. ફળ જાડાં અને કાષ્ઠમય, સમક્ષિતિજ રીતે પ્રસરતાં એકસ્ફોટી (follicle) યુગ્મ-ફલિકાઓનાં બનેલાં હોય છે. બીજ સંકોચિત, અંડાકાર કે લંબચોરસ અને ફૂમતાદાર હોય છે.
તેનું પ્રસર્જન બીજ, કટકારોપણ કે દાબકલમ દ્વારા કરવામાં આવે છે. તે જલસિંચિત ભૂમિમાં અને પ્રકાશમાં સારી રીતે થાય છે. તે ફક્ત બે વર્ષમાં ઊંચા અને ભરાવદાર વૃક્ષ પર ચઢી જાય છે. પુષ્પનિર્માણ પછી અવારનવાર કૃંતન કરવાથી નવી શાખાઓ સારા પ્રમાણમાં વિકાસ પામે છે, જેથી પુષ્પોનો બેસારો પણ વધે છે.
બીજ પર આવેલા રેસા 2.9 થી 4.3 સેમી. લાંબા અને 20થી 50 માઇક્રોન વ્યાસ ધરાવે છે. તેનું તનન-સામર્થ્ય (tensile strength) ખૂબ હોય છે અને બીજ પરથી સરળતાથી અલગ કરી શકાય છે. તેનો કેટલીક વાર પ્રભરણ(stuffing)માં ઉપયોગ કરવામાં આવે છે.
B. jerdoniana મોટી કઠલતા છે. તેનાં પુષ્પો સફેદ, સુગંધિત નિવાપાકારનાં અને B. grandiflora કરતાં નાનાં હોય છે.
મ. ઝ. શાહ