બટાટાની જીવાત : બટાટાને ઉપદ્રવ કરતા જાતજાતના કીટકો. તેમાં બટાટાનાં થડ કાપી ખાનાર ઇયળ, બટાટાની ફૂદી, તમરી, ઊધઈ, લીલી ઇયળ, પાન ખાનારી ઇયળ, એપીલેકનાં બીટલ, ઘૈણ મસી, લીલાં ચૂસિયાં, તડતડિયાં, સફેદ માખી, થ્રિપ્સ માયલોસિરસ, ભમરી વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત પાનકથીરીનો ઉપદ્રવ પાકના ઉગાવાથી કાપણી દરમિયાન જોવા મળતો હોય છે. આ બધા કીટકોની અસર હેઠળ બટાટાના પાકનું સરેરાશ 15 %થી 35 % નુકસાન થતું હોય છે. જો સમયસર પાકસંરક્ષણનાં પગલાં લેવામાં આવે તો આ નુકસાન સરળતાથી નિવારી ઉત્પાદન વધારી શકાય છે.

બટાટાની ફૂદી : તે બટાટાને નુકસાન કરતી એક અગત્યની જીવાત છે. આ એક કીટક છે અને તે રોમપક્ષ (lepidoptera) શ્રેણીના ગેલેચીડી કુળનો છે. તેનું વૈજ્ઞાનિક નામ Gnorimoschema operculella zel છે. ફૂદું આશરે 6 મિમી. લાંબું અને પાંખ સાથે 12 મિમી. જેટલું પહોળું હોય છે. તે ભૂખરા અથવા તપખીરિયા રંગનું હોય છે. તેની આગળની પાંખો સાંકડી અને ભૂરા રંગની હોય છે. તેના પર કાળાં અને સ્લેટિયા રંગનાં ધાબાં હોય છે. શિરની પાછલી ધારે લાંબા, ભૂરા વાળ હોય છે. પાછલી પાંખો સાધારણ મોટી, અણીદાર અને ભૂરાશ પડતા સ્લેટિયા રંગની હોય છે. ઉદરપ્રદેશ પાછળની બાજુએ અણીદાર અને રંગે ભૂરો હોય છે. પુખ્ત ઇયળ લગભગ 18 મિમી. લંબાઈની ગુલાબી રંગની હોય છે, જ્યારે તેના શરીરની ઉપરની બાજુએથી પીળાશ પડતી લાંબી પટ્ટી હોય છે. માથાનો રંગ કાળાશ પડતો તપખીરિયો હોય છે.

આ જીવાતનો ફેલાવો ભારત ઉપરાંત ચીન, ઑસ્ટ્રેલિયા, અમેરિકા, આફ્રિકા, જર્મની વગેરે દેશોમાં જોવા મળે છે. આ કીટક બટાટા ઉપરાંત તમાકુ, ટામેટાં અને શક્કરિયાં જેવા પાકને પણ નુકસાન કરે છે.

આ કીટકની માદા ખેતરમાં પાનની અંદરની સપાટી પર અથવા તો ખુલ્લા દેખાતા બટાટાની આંખો પર 100થી 150ની સંખ્યામાં છૂટાંછવાયાં ઈંડાં મૂકે છે. ઈંડાંની અવસ્થા 3થી 6 દિવસની હોય છે, જેમાંથી નીકળેલી ઇયળ બટાટાનાં પાંદડાં, ફણગા અથવા બટાટામાં કાણું પાડીને તેને ખાવાનું શરૂ કરે છે. ઇયળ-અવસ્થા 10થી 20 દિવસની હોય છે. ઇયળ પુખ્ત થતા સુધીમાં 5 વખત નિર્મોચન કરે છે. પુખ્ત ઇયળ સુકાઈ ગયેલ પાંદડામાં અથવા જમીન પર પડેલા કચરામાં ભૂખરા રંગના રેશમી અસ્તર વડે ગૂંથાયેલા ઘરમાં કોશેટો બનાવે છે. કોશેટા અવસ્થા 7થી 10 દિવસની હોય છે.

આ જીવાતથી થતું નુકસાન ખેતરમાં તેમજ સંગ્રહી રાખેલા બટાટામાં પણ જોવા મળે છે. આમ તો તેનું ખરું નુકસાન ગોડાઉનમાં જ થતું હોય છે; પરંતુ ક્યારેક ખેતરમાં બટાટાના ખુલ્લા ઢગલા રહેતાં તેમજ અનુકૂળ હવામાન મળતાં ત્યાં પણ આ જીવાતથી પારાવાર નુકસાન થાય છે. પાકની શરૂઆતની અવસ્થામાં આ જીવાતની ઇયળ-અવસ્થા છોડનાં પાન  કોરી નુકસાન કરે છે. ઇયળ પાનની બંને સપાટી વચ્ચે રહી અંદરનો ગર્ભ ખાય છે. આમ તે પાનકોરિયા તરીકે નુકસાન કરે છે. માર્ચ માસમાં બટાટા ખોદી બહાર કાઢી ખેતરમાંથી ગોડાઉનમાં લાવવામાં આવે ત્યારે બટાટાની સાથે આ જીવાતની ઇયળ ઈંડા-અવસ્થામાંથી પસાર થતી હોય છે. ઇયળ બટાટામાં નાનું કાણું પાડી અંદર દાખલ થઈ ગર્ભ ખાય છે. ઇયળે પાડેલાં આવાં કાણાંમાં જીવાણુઓ દાખલ થતાં છેવટે બટાટા કોહવાઈ જાય છે. બટાટાની આંખો આગળ ઇયળની હગાર દેખાય છે, જે ઇયળની હાજરી સૂચવે છે. ગોડાઉનમાં બંધિયાર વાતાવરણમાં પૂરતો ભેજ અને ગરમી મળતાં આ જીવાતની વૃદ્ધિ માટે અનુકૂળ વાતાવરણ મળે છે. આથી તેની સંખ્યા એકદમ વધી જાય છે. દેશી ગોડાઉનમાં જૂની પદ્ધતિથી સંગ્રહ કરેલા બટાટામાં આ જીવાતથી 30 %થી 70 % જેટલું નુકસાન જોવા મળે છે.

આ જીવાતના નિયંત્રણ માટે ખેતરમાં ખુલ્લા દેખાતા બટાટાને માટીથી ઢાંકી દેવામાં આવે છે; બટાટાનો ઢગલો ખેતરમાં લાંબો સમય ખુલ્લો રખાતો નથી. ખેતરમાં ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો તુરત જ કાર્બારિલ 0.2 % અથવા ક્વિનાલફોસ 0.05%નો છંટકાવ કરાય છે. ગોડાઉનમાં સંગ્રહી રાખેલાં બટાટાંનું અવારનવાર નિરીક્ષણ કરી ઉપદ્રવ લાગેલા બટાટા વીણી તેમનો નાશ કરવામાં આવે છે.

પરબતભાઈ ખી. બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ