બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો, દક્ષિણે રોહતાસ જિલ્લો અને નૈર્ઋત્ય તરફ ભાભુઆ જિલ્લો તથા પશ્ચિમ અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો ગાઝીપુર જિલ્લો આવેલો છે.
પ્રાકૃતિક રચના–જળપરિવાહ : જિલ્લાની ઉત્તર સરહદે ગંગા નદી વહે છે. જિલ્લાની સમગ્ર ભૂમિ ઉત્તરે ગંગા નદીનાં અને દક્ષિણે નીચાણવાળાં કાંપનાં મેદાનોની વચ્ચે આવેલી છે. દર વર્ષે ગંગા નદી નવો કાંપ લાવીને પાથરતી રહે છે. ગંગા આ જિલ્લાની મુખ્ય નદી છે, બીજી નદી કર્માંસા ચૌસા નજીક ગંગાને મળે છે. આ નદીઓને કારણે ઉત્તર તરફનો નીચાણવાળો વિસ્તાર કાંપનાં સમૃદ્ધ મેદાનોથી ફળદ્રૂપ બનેલો છે. કોંચ, ગંગાટ, છેર અને બનાસ ગંગાની અન્ય શાખાનદીઓ છે.
ખેતી-પશુપાલન : ઘઉં, ડાંગર, જવ, કઠોળ અને તેલીબિયાં તેમજ શેરડી અહીંના મહત્વના કૃષિપાકો છે. તે પૈકી ઘઉં અને ડાંગર વિશેષ ઉલ્લેખનીય છે. કઠોળમાં ચણા, તુવેર અને મસૂર વધુ ઉગાડાય છે. ગંગા અને તેની શાખાનદીઓમાંથી ખેતીને સિંચાઈનો લાભ મળે છે, તે ઉપરાંત નહેરો અને કૂવાઓનો પણ ઉપયોગ થાય છે. ટેકરીઓ અને જંગલોને બાદ કરતાં જિલ્લાની લગભગ બધી જ ખેડાણયોગ્ય ભૂમિ ખેતી માટે આવરી લેવાઈ છે. આ ઉપરાંત બાગાયતી પાકો તેમજ વાડીઓનો પણ વિકાસ કરવામાં આવ્યો છે.
ખેડૂતો ખેતીના વ્યવસાય ઉપરાંત વધુ આવક માટે તેમજ સામાજિક દરજ્જો વધે તે માટે ભેંસો, બકરાં જેવાં દુધાળાં પશુઓ પાળે છે. પશુઓની ઓલાદ ઊતરતી કક્ષાની હોવાથી પશુ-સુધારણાની જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
ઉદ્યોગો-વેપાર : આ જિલ્લામાં મોટા પાયા પરના ઉદ્યોગો વિકસેલા નથી, તેથી નાના પાયા પરના ઉદ્યોગોને તેમજ કુટિર-ઉદ્યોગોને ઉત્તેજન અપાય છે, તે પૈકી અહીં સાબુ-ઉદ્યોગ, લાકડાં અને રાચરચીલાનો ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગ તથા ફાનસ બનાવવાનો ઉદ્યોગ આગળ પડતા ગણાય છે. અહીંનાં ફાનસો રાજ્યમાં તેમજ બહાર જાય છે. જિલ્લામાં આવેલું દુમરાં નગર સૂતરના દોરાઓ માટે ખૂબ જાણીતું છે. બકસર અગત્યનું વેપારી મથક છે. તે ગંગા નદીના કાંઠા નજીક વસેલું હોવાથી અનાજ, શાકભાજી, માછલી, જેલ માટેના ઉદ્યોગ માટે જરૂરી સામગ્રી, શેતરંજીઓ વગેરે માટે વેપારનું મથક બની રહેલું છે.
પરિવહન : આ જિલ્લો સડકમાર્ગોની સારી ગૂંથણી ધરાવે છે. બકસર પૂર્વીય રેલવિભાગ પરનું આ જિલ્લા માટેનું અગત્યનું રેલમથક છે. તે પૂર્વમાં બરહામપુર અને પશ્ચિમે મોગલસરાઈ સાથે રેલમાર્ગથી જોડાયેલું છે. ગંગાનદી જળમાર્ગવ્યવહાર માટે અહીં ખૂબ ઉપયોગી બની રહેલી છે. જિલ્લાના ઘણા માલસામાનની હેરફેર મુખ્યત્વે ગંગા નદી મારફતે પૂર્વમાં કલકત્તા સુધી અને પશ્ચિમમાં ઉત્તરપ્રદેશનાં સ્થળો સાથે કરી શકાય છે.
પ્રવાસન : ચૌસા, અહિરૌલી, ખારિકા, ભોજપુર, બરહામપુર અને દુમરાં જેવાં સ્થળો આ જિલ્લાનાં જાણીતાં પ્રવાસયોગ્ય મથકો ગણાય છે. (1) ચૌસા : 1539માં આ સ્થળ ખાતે હુમાયૂં અને શેરશાહ વચ્ચે લડાઈ થયેલી. અહીંથી હુમાયૂંએ ગંગા પાર કરવા માટે ભિસ્તીની મદદ લીધેલી. ભિસ્તીને હુમાયૂંએ બદલામાં ‘એક દિનકા સુલતાન’ બનાવીને ગાદીએ બેસાડેલો તથા તેના નામના ચામડાના સિક્કા પણ બહાર પાડેલા. હુમાયૂં-શેરશાહની ચૌસા ખાતે થયેલી લડાઈથી બકસર જાણીતું બનેલું છે.
(2) અહિરૌલી : બકસરથી ઈશાનમાં 5 કિમી. અંતરે આવેલું આ ગામ પ્રાચીન સમયનું છે. પુરાણકથા અનુસાર ત્યાં ગૌતમ ઋષિનાં પત્ની અહલ્યા શાપ મળવાથી શલ્યા(પાષાણ)માં ફેરવાઈ ગયેલાં. પછીથી ભગવાન રામ દ્વારા તેમનો ઉદ્ધાર થયેલો. તેમની યાદમાં અહીં અહલ્યાનું મંદિર છે.
(3) ખારિકા : રાજપુરથી નૈર્ઋત્યમાં આશરે 6 કિમી. અંતરે આવેલા આ ગામમાં બાબુ કુંવરસિંઘ અને બ્રિટિશ સૈન્ય વચ્ચે 1857માં લડાઈ થયેલી. તે માટે ખારિકા ગામ જાણીતું છે.
(4) ભોજપુરકદીમ : આ સ્થળ દુમરાંથી 5 કિમી.અંતરે આવેલું છે. કહેવાય છે કે આ સ્થળ રાજા ભોજનું મથક હતું. તે અરાહ–બકસર માર્ગ પર આવેલું છે, અહીં કેટલાંક ખંડિયેરો જોવા મળે છે, તે ‘કૃષિક્ષેત્ર’ નામથી ઓળખાય છે. કોઈ શાહી કુટુંબના સભ્યોએ અહીં જળક્રીડા કરેલી. ત્યાં ઉત્ખનન કરતાં ઈંટોથી બાંધેલી દીવાલો મળી આવેલી છે.
(5) બરહામપુર : બકસર વિભાગનું આ એક મોટું ગણાતું ગામ છે. અહીં બ્રાહ્મણેશ્વરનું એક પ્રખ્યાત મંદિર આવેલું છે, તેનો મહમ્મદ ગઝનીના આક્રમણ વખતે નાશ કરવામાં આવેલો; પછી રાજા માનસિંહે તેનું પુનર્નિર્માણ કરાવેલું. આ ગામમાં દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં મોટો ઢોર-મેળો ભરાય છે.
(6) દુમરાં : બકસર જિલ્લાના દુમરાં વિભાગનું આ એક મોકાનું મહત્વ ધરાવતું નગર છે. દુમરાંરાજ નામના એક શાસકના નામ પરથી તેનું નામ પડેલું હોવાનું કહેવાય છે. તે પૂર્વીય રેલવિભાગ પરનું એક મથક છે. આ નગરમાં મોટો મહેલ અને પૅવેલિયન આવેલાં છે, તે બંને હિન્દુ સ્થાપત્યના નમૂનારૂપ ગણાય છે. અહીંના મહેલનો મીર કાસિમે નાશ કરેલો હોવાનું કહેવાય છે. મહેલના પ્રાંગણમાં 1840માં મહારાજા જયપ્રકાશસિંહે બંધાવેલું બિહારીજી(કૃષ્ણ-રાધા)નું મંદિર આવેલું છે. ત્યાં રામનવમી અને જન્માષ્ટમીએ મહોત્સવ યોજાય છે. તેમાં ભારતભરમાંથી પંડિતોને આમંત્રણ આપી બોલાવાય છે. અહીં ઘણા દર્શનાર્થીઓની અવરજવર રહે છે. દુમરાંરાજે દુમરાં અને તેના પરા-વિસ્તારમાં મંદિરો અનેક ધાર્મિક સંસ્થાઓ તથા ઘાટ સહિતનાં તળાવો પણ બંધાવેલાં.
વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 10,87,678 જેટલી છે. અહીં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ તથા સ્થાનિક ભોજપુરી બોલીનો ઉપયોગ થાય છે. આ જિલ્લામાં બકસર અને દુમરાં ખાતે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ આવેલી છે. જિલ્લામાં 3 હૉસ્પિટલ તથા આયુર્વેદિક, યુનાની અને હોમિયોપથિક ચિકિત્સાલયો આવેલાં છે. જિલ્લાને વહીવટી સરળતા માટે બે ઉપવિભાગોમાં અને સાત સમાજ-વિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. બકસર અને દુમરાં બંનેની વસ્તી એક લાખથી ઓછી છે.
ઇતિહાસ : મૂળ ભોજપુર જિલ્લાનું વિભાજન કરીને ભોજપુર અને બકસરના અલગ જિલ્લા રચવામાં આવેલા છે. બકસરના ઇતિહાસની તવારીખ રામાયણના સમય સુધી લઈ જાય છે. અહીંના એક ઋષિ વેદશિરાનો ચહેરો વાઘને મળતો આવતો હતો. તેમને મુનિ દુર્વાસાનો શાપ મળેલો, તેનું નિવારણ ત્યાંના એક પવિત્ર સરોવરમાં સ્નાન કરવાથી થશે, એમ જાણ થતાં જે સરોવરમાં તેમણે સ્નાન કર્યું તે વ્યાઘ્રસર નામથી જાણીતું બન્યું. ધર્મશાસ્ત્રોની પરંપરા મુજબ આ ક્ષેત્રના જંગલમાં વિશ્વામિત્રના આશ્રમ અને યજ્ઞના રક્ષણાર્થે દશરથનંદન શ્રીરામે તાટકા રાક્ષસીનો વધ કરેલો. 15મી સદી સુધી બકસર પ્રદેશનો કોઈ ઇતિહાસ ઉપલબ્ધ નથી. તે પછી બંગાળના નવાબ મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે ઐતિહાસિક લડાઈ બકસરથી પૂર્વ તરફ 6 કિમી. અંતરે આવેલા કથિકૌલી ખાતે થયેલી. ત્યારથી બકસર વધુ પ્રકાશમાં આવેલું છે.
ગિરીશભાઈ પંડ્યા