ધોળકાની મસ્જિદો

March, 2016

ધોળકાની મસ્જિદો : ગુજરાતમાંનું લાક્ષણિક મુસ્લિમ સ્થાપત્ય. મુસ્લિમ સમય દરમિયાનનું ધોળકાનું સ્થાપત્ય આશરે ચૌદમી સદી દરમિયાનના ગુજરાતની સ્થાપત્યશૈલીઓમાં મહત્વનું ગણાય છે.

આ સમય દરમિયાન બંધાયેલ મસ્જિદો તત્કાલીન શહેરની જાહોજલાલીનો ખ્યાલ આપે છે. આમાંની ખાન કાઝીની મસ્જિદ, ટાંકા મસ્જિદ, ખાન મસ્જિદ અને જામી મસ્જિદ હજી પણ ખંડિત હાલતમાં હયાત છે. જુદા જુદા સમયમાં બંધાયેલ આ બધી મસ્જિદોમાં ખાન મસ્જિદ અલગ તરી આવે છે અને તેનું બાંધકામ ઈંટોની દીવાલથી થયેલ છે. તે અમદાવાદના દરિયાખાનના રોજા પછી તુરત જ બંધાઈ હોય તેમ લાગે છે.

ધોળકાની મસ્જિદ

તે આશરે 1330 દરમિયાન બંધાયેલ હોવાનું મનાય છે. આ વિશાળ મસ્જિદની પશ્ચિમે એક વિશાળ સરોવર પણ બંધાયેલ છે. મસ્જિદ આશરે 45.75 મીટર 12.81 મીટરનું અંદરનું માપ ધરાવે છે. તેના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે, જેની ઉપર વિશાળ ગુંબજ બાંધવામાં આવ્યા છે. મસ્જિદની દીવાલો આનાથી પણ લાંબી હશે પરંતુ તે તારાજ થયેલ છે. અને ખૂણા પરના મિનારાઓની ઊંચાઈ લગભગ 79’ છે. ધોળકાની બીજી મસ્જિદોમાં તત્કાલીન જૈન સ્થાપત્યની ઊંડી અસર જોવા મળે છે. હિલાલખાન કાઝીની મસ્જિદ, ટાંકા મસ્જિદ તથા જામા મસ્જિદની રચનામાં સ્તંભોનું આયોજન, સ્તંભોના પ્રકાર અને ઘુમ્મટ તથા છતની કારીગરી અને રચનામાં જૈન સ્થાપત્યની ભારોભાર અસર જણાય છે. ક્યારેક એવો પણ ભાસ થાય કે કદાચ આ બધા તૈયાર ભાગોને એકઠા કરી આ ઇમારતોની રચનામાં તેનો ઉપયોગ કરાયો હોય.

ખાન મસ્જિદની ઇમારતની રચનામાં મુસ્લિમ શાસ્ત્રોક્ત શૈલી જણાય છે. પરંતુ તે પછી બંધાયેલ બીજી મસ્જિદોના બાંધકામમાં સાવ જુદો જ આવિષ્કાર જોવા મળે છે. આ મસ્જિદનું બાંધકામ હિલાલખાન કાજીએ ઈ. સ. 1373માં પૂરું કરાવ્યું હતું. લિવાનની અંદરનું આરસનું મિંબર ઉત્તમ પ્રકારનું છે. એકંદરે આ મસ્જિદ સાદી છે. પણ એનો વચલો મંડપ બહુ સુંદર છે. પ્રવેશની છત્રી આકર્ષક છે. સ્થાનિક માન્યતાઓ પ્રમાણે પણ ખાસ કરીને ટાંકા મસ્જિદની ઇમારત સામાન્ય મસ્જિદની ઇમારત કરતાં ઘણી જ અલગ છે અને પૌરાણિક દંતકથાઓ પ્રમાણે ભીમના રસોડા તરીકે પણ જાણીતી છે. આ મસ્જિદ ફિરોઝશાહ સુલતાનના સમયમાં મુફર્રહ સુલતાનીએ ઈ. સ. 1361માં પોતાની માલિકીની જમીનમાં બંધાવી હતી. અહીં કમાનોનો ઉપયોગ જોવા મળતો નથી. તેમાં સ્ત્રીઓ માટે મુલુકખાનાની રચના છે. ધોળકાનું આ મુસ્લિમ સ્થાપત્ય ગુજરાતના ચૌદમી સદીના મુસ્લિમ કાળની પ્રતીતિ કરાવે છે અને સ્થાપત્યકલાનું એક ઉત્કૃષ્ટ છતાં રહસ્યમય ર્દષ્ટાંત છે. એક તરફ ટૂંકા સમયમાં મહત્વની ઇમારતોમાં સ્થાનિક કલાનો સ્વીકાર અને સમન્વય કરવાની ઉદાર ભાવના તથા બીજી બાજુ શાસક તરીકેની મહત્તા પ્રતિપાદિત કરવા માટેની પ્રબળતા – એ બંને પાસાં આ મુસ્લિમ વિચારસરણીમાં સમાયેલ જોવા મળે છે.

રવીન્દ્ર વસાવડા