ધેનકેનાલ : પૂર્વ ભારતના ઓડિશા રાજ્યના 30 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને શહેર.
ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લો 20 29´ ઉ. અ.થી 21 11´ ઉ. અ. અને 85 58´ પૂ. રે.થી 86 2´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. તે ઉત્તરે કેન્દુજહાર અને અંગુલ જિલ્લા, પૂર્વમાં જયપુર જિલ્લો, દક્ષિણે કટક જિલ્લો અને પશ્ચિમે અંગુલ જિલ્લાની સીમાઓથી ઘેરાયેલો છે.
પૂર્વઘાટના ભાગસ્વરૂપે અહીં તૂટક તૂટક નાની ડુંગરાઓની હારમાળા જોવા મળે છે. મોટે ભાગે જિલ્લાના દક્ષિણ ભાગમાં તે વધુ છે. એકંદરે આ જિલ્લો સમતળ ભૂમિ ધરાવે છે. જિલ્લાના મધ્યભાગમાંથી બ્રાહ્મણી નદી વહે છે. ટેકરીઓના વિસ્તારમાં જંગલો આવેલાં છે.
અહીં ઉષ્ણકટિબંધીય મોસમી પ્રકારની આબોહવા છે, જે સવાના ઘાસભૂમિ તથા પાનખર મોસમી જંગલો સાથે સંબંધ ધરાવે છે. અહીં મે માસ ગરમ રહે છે. સરેરાશ તાપમાન 38 સે. જ્યારે જાન્યુઆરી માસમાં સરેરાશ તાપમાન 18 સે.થી વધારે રહે છે. મોસમી વરસાદ, શુષ્ક શિયાળાની ઋતુ તથા વધુ તાપમાનનો ગાળો જે અહીંની આબોહવાની વિશિષ્ટતાઓ છે. અહીં વરસાદ 1000 મિમી.થી 1500 મિમી. જેટલો પડે છે.
અર્થતંત્ર : અહીંની જમીન લાલ-રાતી છે. ઊંડાઈએ જતાં તે પીળા રંગમાં ફેરવાઈ જાય છે. એનું બંધારણ રેતથી માટી વચ્ચે જોવા મળે છે. આવી જમીનમાં લોહ, ઍલ્યુમિનિયમ, ચૂનો, પોટાશ જેવાં તત્ત્વો રહેલાં હોય છે. આ જમીનમાં સિંચાઈનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે છે. નદીની ખીણમાં ડાંગર અને તેલીબિયાંની ખેતી વિશેષ થાય છે. આ સિવાય ઘઉં, જુવાર, બાજરી જેવા ધાન્ય પાકોની ખેતી થાય છે. આ સિવાય કપાસ, મગફળી અને આદુંની ખેતી લેવાય છે.
અહીં આવેલાં જંગલોમાં સાગ, સાલ, રોઝવૂડ, ખેર, ટીમરુ વગેરે વૃક્ષો જોવા મળે છે. આદિવાસી આ જંગલોની વિવિધ પેદાશોને આધારે રોજીરોટી મેળવે છે. તેઓ લાખ, ગુંદર, ઔષધિઓ, ટીમરુના પાન વગેરે મેળવે છે.
આ જિલ્લામાં કુટિરઉદ્યોગોનો વિકાસ ખૂબ થયો છે. કાપડ, પિત્તળનાં વાસણો બનાવવાના એકમો, લાકડાં વહેરવાની મિલો આવેલી છે. તાલચેર પ્રદેશમાં કોલસાનાં ક્ષેત્રો આવેલાં છે. તેને આધારે ખાણઉદ્યોગ પણ વિકસ્યો છે.
વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 4,452 ચો.કિમી. છે. જ્યારે વસ્તી (2011 મુજબ) 11,92,811 છે. સેક્સ રેશિયો 1000 પુરુષોએ 947 મહિલાઓ છે. સાક્ષરતાનો દર 79.41% છે. શહેરી વસ્તીનું પ્રમાણ 9.85% છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 19.62% અને 14% છે. હિન્દુઓની વસ્તી 99.39%, મુસ્લિમોની વસ્તી 0.40% જ્યારે અન્ય 0.21% છે. આ જિલ્લામાં મહત્તમ બોલાતી ભાષા ઊડિયા છે. ઊડિયા 96.17%, મુન્ડા 1.42%, સન્તાલી 0.91% જ્યારે અન્ય બોલાતી ભાષાનું પ્રમાણ 1.68% છે.
અહીં શિક્ષણના સંદર્ભમાં જોઈએ તો જવાહર નવોધ્યાય વિદ્યાલય, સીનેરગી ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ ઍન્ડ ટૅકનૉલૉજી, ઇંદિરાગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી, ધનકેનાલ કૉલેજ આવેલી છે.
આ જિલ્લામાં સપ્તસાયા (વૈષ્ણવપંથી), કપિલાઝ (શૈવપંથી) અને જોશન્ડા (મહિમા-સંપ્રદાય)નાં ધાર્મિક કેન્દ્રો આવેલાં છે. ભીમાકંડા અને સારંગામાં નવમી શતાબ્દીની ભગવાન વિષ્ણુની ભવ્ય પ્રતિમા આવેલી છે.
ધેનકેનાલ (શહેર) : ધેનકેનાલ જિલ્લાનું જિલ્લામથક અને શહેર.
આ શહેર 20 67´ ઉ.અ. અને 85 6´ પૂ. રે. પર આવેલું છે. જેનો વિસ્તાર 31 ચો.કિમી. છે અને વસ્તી (2011 મુજબ) 67,414 છે. તે સમુદ્રની સપાટીથી 80 મીટર ઊંચાઈ ધરાવે છે.
આ શહેર જિલ્લાનું મુખ્યમથક હોવાથી વહીવટી દૃષ્ટિએ તેનું મહત્ત્વ વધુ છે. જિલ્લાની ખેતપેદાશોનું મુખ્ય વેપારી મથક છે. ડાંગર, તેલીબિયાં અને ઇમારતી લાકડાનો મહત્તમ વેપાર થાય છે. આ ઉપરાંત હાથસાળ કાપડનું મોટું કેન્દ્ર છે. આદિવાસી લોકો જંગલોની આડપેદાશ વેચવા તેમજ જીવનજરૂરિયાતની સામગ્રી ખરીદવા આ શહેરમાં આવે છે.
અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 42 પસાર થાય છે. રાજ્ય ધોરી માર્ગ અને જિલ્લાના માર્ગોનું મુખ્ય મથક છે. રાજ્ય પરિવહન અને ખાનગી બસોની સુવિધા ઉપલબ્ધ છે.
આ શહેર શિક્ષણનું મહત્ત્વનું કેન્દ્ર છે. સાક્ષરતાનું પ્રમાણ 79% છે. હિન્દુઓની વસ્તીનું પ્રમાણ અધિક છે.
રાજાશાહી સમયમાં તે નાનકડા રાજ્યનું મુખ્ય મથક હતું. આજે પણ એ સમયનો રાજમહેલ એક ઊંચી ટેકરી પર જોવા મળે છે. આ શહેરના નામ માટે સ્થાનિક લોકોનું મંતવ્ય છે કે ઓડિશામાં વસતી અનેક આદિવાસી જાતિઓ પૈકીની સવારા (સેઓરા કે સોરા) જાતિના મધ્યયુગમાં થઈ ગયેલા કોઈ ધેનકા નામના મુખિયાના નામ પરથી શહેરનું નામ પડ્યું હોવાનું મનાય છે. 1949માં તેને જિલ્લાનું મુખ્ય મથક બનાવવામાં આવ્યું હતું.
ગિરીશ ભટ્ટ
નીતિન કોઠારી