ધૃતરાષ્ટ્ર : વ્યાસરચિત સંસ્કૃત મહાકાવ્ય ‘મહાભારત’નું એક મહત્વનું પાત્ર. શાંતનુના નિ:સંતાન અવસાન પામેલા પુત્ર વિચિત્રવીર્યની વિધવા પત્ની અંબિકા સાથેના સત્યવતી-યોજિત વ્યાસના નિયોગથી અંધ જન્મેલ ‘ક્ષેત્રજ’ પુત્ર ધૃતરાષ્ટ્ર ‘મહાભારત’નાં ખલપાત્રોમાંનો એક છે. તે માત્ર ચર્મચક્ષુ-અંધ નહોતો, અન્યનાં – સવિશેષ, પાંડવોનાં – ક્લ્યાણદર્શનનાં આંતરચક્ષુથી પણ વંચિત હતો. પાંડવોનું અધિકારસિદ્ધ અર્ધું રાજ્ય પડાવી લેવાનાં દુશ્ચક્રો સતત ગતિમાન કરનાર તરીકે તે, અક્ષરશ: ‘ધૃતરાષ્ટ્ર’ હતો.
જ્યેષ્ઠ પુત્ર હોવા છતાં, અંધ હોવાથી તે રાજા ન બની શક્યો. સુબલપુત્રી ગાંધારી સાથેનાં લગ્નથી તેને ત્યાં ‘કૌરવો’ તરીકે પ્રસિદ્ધ દુર્યોધનાદિ સો પુત્ર અને એક પુત્રી દુ:શલા જન્મ્યાં. એમાંનો એક જ પુત્ર વિકર્ણ નીતિમાન હતો. યુયુત્સુ નામક એક વેશ્યાપુત્ર પણ તેને હતો.
વ્યાધિગ્રસ્ત અને તેથી હિમાલયપ્રદેશવાસી નાના ભાઈ પાંડુનું અવસાન થતાં, યુવરાજપદે યુધિષ્ઠિરના અભિષેકની તેને ફરજ પડી. પરંતુ પાંડવ-અભ્યુદયને એ સહી ન શક્યો, તેથી વારણાવર્ત ખાતે લાક્ષાગૃહમાં તેમને જીવતા બાળી મૂકવાની તેણે યોજના કરાવી, પણ વિદુર-સહાયથી પાંડવો બચી ગયા.
લાક્ષાગૃહમાંથી બચેલા અને દ્રુપદનગરમાં રહેતા પાંડવોને કુન્તી-દ્રૌપદી સાથે હસ્તિનાપુર પાછા બોલાવીને, તેમને અર્ધું રાજ્ય આપવાના ભીષ્મ-આદેશ અનુસાર, યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક તો તેને કરવો પડ્યો, છતાં તેમની નિવાસ-વ્યવસ્થા ઇન્દ્રપ્રસ્થમાં કરી; એટલું જ નહિ, પરંતુ દુર્યોધનાદિએ પ્રયોજેલાં કપટદ્યૂત, તેમાં પાંડવ-પરાજય, દ્રૌપદીવસ્ત્રાહરણ, પાંડવ-વનવાસ વગેરે કારસ્તાનો પ્રત્યે સ્વભાવવશ, તેણે ‘આંખ આડા કાન’ કર્યા.
યુદ્ધ-પ્રસંગે વ્યાસદત્ત ‘સંજયર્દષ્ટિ’વાળા સંજય દ્વારા તેણે સમગ્ર યુદ્ધવૃત્તાન્ત જાણ્યું. અલબત્ત, તેને રસ તો ‘મામકા:’ના વિજયમાં જ હતો, પરંતુ શ્રીકૃષ્ણસહાયને કારણે પાંડવો જીત્યા અને સર્વ કૌરવો હણાયા. ગાંધારી સાથે કુરુક્ષેત્રમાં તેણે વિલાપ કર્યો, છતાં તેનો પાંડવદ્વેષાગ્નિ ન શમ્યો : ભીમને ભેટવાની પ્રક્રિયામાં કચડી મારવાની તેની બદદાનતને શ્રીકૃષ્ણે, ભીમના સ્થાને લોહમયી ભીમમૂર્તિ મૂકીને, નિષ્ફળ બનાવી.
યુધિષ્ઠિર-રાજ્યમાં પાંડવો સાથે થોડાં વર્ષો રહીને, ગાંધારી-કુન્તી સાથે તેણે વનપ્રસ્થાન કર્યું, જ્યાં વ્યાસકૃપાથી ગંગાજળમાંથી પ્રકટિત પુત્રોનાં દર્શનથી તે પ્રસન્ન થયો. અંતે ગંગાદ્વાર નજીક દાવાનલમાં તેણે દેહત્યાગ કર્યો.
જયાનંદ દવે