ધેનકેનાલ

March, 2016

ધેનકેનાલ : પૂર્વ ભારતમાં બંગાળના ઉપસાગરના કિનારા પર ઓરિસા રાજ્યની મધ્યમાં આવેલ ધેનકેનાલ જિલ્લાનું મુખ્ય શહેર અને જિલ્લાનું વહીવટી મથક. ભૌ. સ્થાન : 20° 40’ ઉ. અ. અને 85° 36’ પૂ. રે. ઓરિસામાં વસતી અનેક આદિવાસી જાતિઓ પૈકીની સવારા (સેઓરા કે સોરા) જાતિના મધ્યયુગમાં થઈ ગયેલા કોઈ ધેનકા નામના મુખિયાના નામ પરથી શહેરનું નામ પડેલું હોવાનું મનાય છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ પર વસેલું આ શહેર આ વિસ્તારના વેપાર માટેનું મોટું કેન્દ્ર છે. અહીં ડાંગર, તેલીબિયાં અને ઇમારતી લાકડાંનો વેપાર થાય છે. આ ઉપરાંત તે હાથસાળના કાપડનું મોટું કેન્દ્ર પણ છે. રાજાશાહીના સમયમાં તે નાનકડા રાજ્યનું મુખ્ય મથક હતું. આજે પણ એ વખતનો રાજમહેલ એક ઊંચી ટેકરી પર જોવા મળે છે. 1949માં તેને જિલ્લાનું મુખ્ય મથક બનાવવામાં આવેલું છે. અહીં 1959માં સ્થપાયેલી ધેનકેનાલ કૉલેજ આવેલી છે.

જિલ્લો : ધેનકેનાલ જિલ્લાનું ક્ષેત્રફળ 4,452 ચોકિમી. છે. જિલ્લાની પૂર્વે જાજપુર જિલ્લો, ઉત્તરે કેઓન્જાર જિલ્લો, દક્ષિણે કટક જિલ્લો અને પશ્ચિમે અંગુલ જિલ્લાની સરહદો આવેલી છે. જિલ્લાની કુલ વસ્તી 11,92,948 (2011) છે. જિલ્લાનો વિસ્તાર મોટેભાગે પહાડો અને જંગલોથી છવાયેલો છે. બ્રાહ્મણી નદી આ જિલ્લામાં થઈને પસાર થાય છે. આ નદીની ખીણમાં ડાંગર અને તેલીબિયાંની ખેતી થાય છે. જંગલની પેદાશો અહીં વિપુલ પ્રમાણમાં મળી રહે છે.

આ જિલ્લામાં પિત્તળનાં વાસણો, કાપડ અને કુટિર-ઉદ્યોગોનો વિકાસ ખૂબ થયો છે. અહીંના તાલચેર પ્રદેશમાં કોલસાનાં ક્ષેત્રો આવેલાં છે. અંગુલમાં કૉલેજો અને પોલીસ-તાલીમનું કેન્દ્ર છે. આ જિલ્લામાં સપ્તસાયા (વૈષ્ણવપંથી), કપિલાઝ (શૈવપંથી) અને જોરાન્ડા (મહિમા – સંપ્રદાય)નાં ધાર્મિક કેન્દ્રો આવેલાં છે. ભીમાકંડા અને સારંગામાં નવમી શતાબ્દીની ભગવાન વિષ્ણુની ભવ્ય પ્રતિમા પણ આવેલી છે.

ગિરીશ ભટ્ટ