ધૂમિલ (જ. 9 નવેમ્બર 1936, ખેવલી, ઉ. પ્ર.; અ. 10 ફેબ્રુઆરી 1975, લખનૌ) : જાણીતા હિંદી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘કલ સુનાના મુઝે’ (1977) માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમનું ખરું નામ સુદામા પ્રસાદ પાંડે હતું. એમના પિતાનું નામ શિવનાયક પાંડે અને માતાનું નામ રાજવંતી દેવી હતું. તેમણે 1953માં સંસ્કૃત સાથે એસ. એસ. સી.ની પરીક્ષા શ્રેષ્ઠતા સાથે પાસ કરી, પછી આજીવિકાર્થે કૉલકાતા ગયા અને 1958માં બનારસ હિંદુ યુનિવર્સિટીના ઔદ્યોગિક તાલીમ-કેન્દ્રમાંથી તેમણે ઇલેક્ટ્રિશિયનનો ડિપ્લોમા મેળવ્યો. તે જ વર્ષે તેમને કેન્દ્ર ખાતે ઇન્સ્ટ્રક્ટર–ઇલેક્ટ્રિશિયન તરીકે નીમવામાં આવ્યા. વખત જતાં સુપરવાઇઝર તરીકે બઢતી મેળવીને ઉત્તરપ્રદેશમાં સંખ્યાબંધ ઔદ્યોગિક તાલીમ-કેન્દ્રો પર તેમણે કામગીરી કરી હતી.

‘સાહસ કે નયે તેવર’, ‘સમવેદના કી ખુદખુશી’, ‘દસ્તક’ અને ‘પ્રકાશ કી લચીલી બહુ’ કાવ્યો નોંધપાત્ર છે. તેમણે પોતાની બાર વર્ષની વયે પહેલું કાવ્ય રચ્યું હતું.

1960થી તેમણે તેમનાં કાવ્યો પ્રગટ કરવા માંડ્યાં, બહુ થોડી કવિતા લખી છતાં એની બાની અને નવા અભિગમથી એ તરત હિંદી સાહિત્યમાં પ્રખ્યાત થઈ ગયા. તેમની કવિતામાં વ્યક્ત થતો કટાક્ષ નોંધપાત્ર છે. 1965માં હિંદી સાહિત્યમાં કવિ તરીકે ખ્યાતિ પામ્યા. 1972માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સંસદ સે સડક તક’ પ્રગટ થયો, જેની સમકાલીન હિંદી કવિતા પર ગાઢ અસર પડી. એમાં માત્ર 25 કાવ્યો છે. ‘અકલ દર્શન’, ‘રાજકમલ ચૌધરી કે લિયે’, ‘મોચીરામ’, ‘પટકથા’ ઇત્યાદિ નોંધપાત્ર કાવ્યો છે. તેને મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદ તરફથી 1975માં મુક્તિબોધ ઍવૉર્ડ પણ મળ્યો. ગાંઠને કારણે તેમનું અવસાન થયું. કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કૃત કૃતિ તેમના મૃત્યુ બાદ 1977માં પ્રગટ કરવામાં આવી હતી.

પુરસ્કૃત કૃતિ ‘કલ સુનાના મુઝે’નું પ્રદાન તેની ભાષા અને વસ્તુની તાજગી, માવજત અને નિરૂપણની અરૂઢતા–અપૂર્વતા અને ઊંડી માનવવચનબદ્ધતાને કારણે હિંદી સાહિત્યમાં ઘણું મહત્વનું લેખાય છે. એમાં 37 કાવ્યો છે.

બળદેવભાઈ કનીજિયા