ધૂમકેતુ (જોશી, ગૌરીશંકર ગોવર્ધનરામ)

March, 2016

ધૂમકેતુ (જોશી, ગૌરીશંકર ગોવર્ધનરામ) (જ. 12 ડિસેમ્બર 1892, વીરપુર; અ. 11 માર્ચ 1965, અમદાવાદ) : ગુજરાતી સાહિત્યસર્જક. બાલ્યાવસ્થામાં એમનું નામ ભીમદેવ અને લાડનું નામ મણિભાઈ. નાનપણમાં અભ્યાસમાં અરુચિ અને શાળાએ જવામાં નિરુત્સાહી પણ ભાભીને ભણાવતાં વિદ્યાનો નાદ લાગ્યો. ગણિતમાં કંટાળો, પણ ઇતિહાસનો રસ જાગ્યો અને વાંચવાનો શોખ વધ્યો. 1906માં આઠમી ગુજરાતી પાસ કરી કુંકાવાવમાં શિક્ષક. માતા અને ભાભીનું પ્લેગમાં અવસાન થતાં વીરપુર પાછા આવી શિક્ષક થયા. ત્યાં હેડમાસ્તર નૂરમહમ્મદનાં પત્ની મરિયમબીબી ઉર્ફે ખતીજાબીબીના સંપર્કમાં વાત્સલ્ય પ્રાપ્ત કરી તેમની આગળ મહાપુરુષોનાં ચરિત્રો, ઇતિહાસ, નવલકથા, વિજ્ઞાનવિલાસ, સૌરાષ્ટ્રદર્પણ, નર્મગદ્ય આદિના વાચનથી સાહિત્યરસ ઉત્તેજાયો.

1908માં બીલખા(સૌરાષ્ટ્ર)ના શ્રીમન્નથુરામ શર્માના આનંદ આશ્રમમાં નોકરી અને અભ્યાસ કર્યો. અહીં ભક્તચરિત્રો તેમજ વ્યાપક સાહિત્યસૃષ્ટિનો પરિચય થયો અને સંસ્કૃતનો રસ જાગ્રત થયો. 1910માં બીલખાના આશ્રમના સર્વેસર્વા ગૌરીશંકર ભટ્ટની ચોથી પુત્રી – મોટા ભાઈની સાળી – કાશી સાથે લગ્ન કર્યું. બીલખામાં ત્રણચાર હજાર પાનાંનું લખાણ લખી એકસાથે છ નવલકથાની શરૂઆત કરી પોતાનામાં રહેલી પ્રતિભાશક્તિને પ્રમાણી.

ધૂમકેતુ (ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી)

1912માં જેતપુરમાં અને 1913માં પોરબંદરમાં અભ્યાસ કરી 1914માં મૅટ્રિક, 1915માં બહાઉદ્દીન કૉલેજ(જૂનાગઢ)માં દાખલ થઈ, 1920માં સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે બી.એ થયા. તે કૉલેજના આરંભના વર્ષમાં બાબરાની શાળામાં અને વીરપુરની રાજકુમાર કૉલેજમાં શિક્ષક હતા. આ દરમિયાન મૅકૉલે, નિત્શે જેવા લેખકોનો પરિચય તેમજ એબટના ‘નેપોલિયન’ના ચરિત્રના વાચનની ઘેરી અસર અનુભવી, કાવ્યરચનાના પ્રયાસ કર્યા અને ગુજરાતી સાહિત્ય પ્રત્યે પ્રીતિ પ્રગટી. ‘પાગલ’ જેવા ઉપનામે લેખન પણ કર્યું. 1917માં ‘સાહિત્ય’ પત્ર દ્વારા યોજાયેલી ‘ગુજરાતી સાહિત્યમાં સર્વોત્તમ ગ્રંથ કયો અને શા માટે ?’ વિશેની હરીફાઈમાં ‘સરસ્વતીચંદ્ર’ને સર્વોત્તમ ગણાવી ઇનામ મેળવ્યું. 1918માં ‘ગુજરાતી સાહિત્યનું સૌંદર્ય’ વિશે વ્યાખ્યાન આપ્યું અને સંવાદો, લેખો, પાત્રાલેખનો આદિ સર્જન દ્વારા છેવટે ‘પીઅર્સન’ માસિકમાંથી પોતાને ઇષ્ટ નવલિકાસ્વરૂપમાં રસ પ્રગટ્યો. 1920માં ગોંડલમાં ટ્રાફિક રેલવે સુપરિન્ટેન્ડેન્ટની ઑફિસમાં નોકરી કરી. તે દરમિયાન બચુભાઈ રાવત (1898–1980), દેશળજી પરમાર (1894–1966) આદિ મિત્રોનો સાહિત્ય સંઘ ઊભો કર્યો. 1920માં જ રેલવેની નોકરી તજી ગોંડલમાં સંગ્રામજી હાઈસ્કૂલ અને ગર્લ્સ સ્કૂલમાં શિક્ષક બન્યા. એ જ વર્ષમાં ‘ચેતન’માં ‘સ્નેહલતાનું ઘર’ વાર્તા છપાઈ. 1923માં શેઠ અંબાલાલ સારાભાઈને ત્યાં ખાનગી શિક્ષકની નોકરી અર્થે અમદાવાદ સ્થળાંતર કર્યું, 1925માં ચિનુભાઈ બૅરોનેટને ત્યાં કૌટુંબિક શિક્ષક થયા.

1921માં ‘સિદ્ધરાજ જયસિંહ’ તથા 1922માં ‘કુમારપાલ’ પરનાં લખાણો ‘સાહિત્ય’માં ‘ધૂમકેતુ’ ઉપનામથી છપાયાં. 1922માં ‘નવચેતન’માં ‘પૃથ્વીશ’ અને અમૃતલાલ શેઠ(1891–1954)ની માગણીથી ‘સૌરાષ્ટ્ર’માં ‘રાજમુગટ’ એમ બે સામાજિક નવલકથાઓ પ્રગટ થવા માંડી. ‘નવચેતન’, ‘ગુજરાત’ અને ‘સાહિત્ય’માં અવારનવાર એમની ટૂંકી વાર્તાઓ પ્રસિદ્ધ થવા લાગી. 1923ના એપ્રિલના ‘સાહિત્ય’ના અંકમાં ‘મળેલું’ ઉલ્લેખ સાથે એમની ખ્યાતનામ નવલિકા ‘પોસ્ટ ઑફિસ’ પ્રગટ થઈ ત્યારથી નવલિકાનું સ્વરૂપ ધૂમકેતુના મનમાં સ્થિર થયું.

1926માં શકવર્તી પ્રથમ વાર્તાસંગ્રહ ‘તણખા’ પ્રગટ થયો. 1935માં રણજિતરામ સુવર્ણચંદ્રક એમને અર્પણ કરવાનું જાહેર થયું. પણ તેમણે વિનમ્રપણે તેનો અસ્વીકાર કર્યો. 1938માં હેમચંદ્રાચાર્યના જીવનચરિત્ર વિશે સંશોધન કર્યું. ઇતિહાસ પ્રત્યે વિશેષ આકર્ષણ અને રસ જાગ્રત થયાં. 1944માં વડોદરામાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પંદરમા અધિવેશનમાં સાહિત્યવિભાગનું પ્રમુખસ્થાન પામ્યા. 1953માં આત્મકથા ‘જીવનપંથ’ માટે નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો. 1957–58 દરમિયાન તેઓ સાહિત્ય અકાદમી દિલ્હીના ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડમાં સભ્ય હતા. 1959માં ન્હાનાલાલના ‘હરિસંહિતા’ના પ્રકાશન સમારંભમાં પંડિત નહેરુને આવકારતું ભાષણ આપ્યું. 1964માં ભક્તકવિ દુલા કાગે મજાદરમાં યોજેલ સાહિત્ય સમારંભમાં તેઓ મુખ્ય મહેમાન હતા.

મુખ્યત્વે નવલિકાકાર તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર ધૂમકેતુએ ચારેક દાયકામાં 24 નવલિકાસંગ્રહો અને 492 જેટલી નવલિકાઓ આપી છે. ગુજરાતી સાહિત્યમાં એમને હાથે નવલિકાનું સ્વરૂપ સુર્દઢ બન્યું અને કલાઘાટ પામ્યું. ગુણવત્તા અને વૈપુલ્યની ર્દષ્ટિએ એમનું નવલિકાસર્જન અપૂર્વ છે. સર્જન પરત્વે તેઓ ગાંધીભાવનાથી પ્રભાવિત છે. નવલિકાઓમાં એમની ગદ્યશૈલી કવિતાકલ્પ અને ઊર્મિ, કલ્પના,  ચિત્રાત્મકતા અને સ્થાને સ્થાને ચિંતનથી સમૃદ્ધ છે. એમના નવલિકાસંગ્રહ ‘તણખામંડળ’ 1થી 4 (1926, 1928, 1932, 1935); ‘અવશેષ’ (1932), ‘પ્રદીપ’ (1933), ‘મલ્લિકા અને બીજી વાર્તાઓ’ (1937); ‘ત્રિભેટો’ (1938); ‘આકાશદીપ’ (1947); ‘પરિશેષ’ (1949); ‘અનામિકા’ (1949); ‘વનછાયા’ (1949); ‘પ્રતિબિંબ’ (1951); ‘વનરેખા’ (1952), ‘જલદીપ’ (1953); ‘વનકુંજ’ (1954); ‘વનવેણુ’ (1956); ‘મંગલદીપ’ (1957); ‘ચંદ્રરેખા’ (1959); ‘નિકુંજ’ (1960); ‘સાંધ્યરંગ’ (1961); ‘સાંધ્યતેજ’ (1962); ‘વસંતકુંજ’ (1964) અને ‘છેલ્લો ઝબકારો’ (1964) છે. એમની ગ્રામજીવનને સ્પર્શતી વાર્તાઓ વિશેષ નોંધપાત્ર છે. આમ છતાં, શહેરી સભ્યતાની વાર્તાઓ પણ એમણે ઘણી લખી છે. ગાંધી-ભાવનાની અસર તળે લખાયેલી એમની વાર્તાઓ સમાજસુધારણાનો ઝોક ધરાવે છે. એમનાં પાત્રો સામાન્ય રીતે દીનદરિદ્ર છે તો ધૂની, તરંગી અને ભાવનાવાદી પણ છે. માનવજીવનનાં સૂક્ષ્મ સંવેદનો, માનવહૃદયનાં મનોમંથનો એમની વાર્તાઓમાં સામર્થ્યથી પ્રગટ થાય છે. એમની વાર્તાઓ વિષયવૈવિધ્ય અને પાત્રવૈવિધ્યથી સમૃદ્ધ છે અને એમને મોટા ગજાના વાર્તાકારનું સ્થાન અર્પે છે. વાસ્ત્તવલક્ષી વાર્તાઓમાં કટાક્ષ-હાસ્યનો ઉપયોગ કર્યો છે. વિવિધ રીતે નોંધપાત્ર ગણાયેલી એમની વાર્તાઓ ‘પોસ્ટ ઑફિસ’, ‘ભૈયાદાદા’, ‘જુમો ભિસ્તી’, ‘પૃથ્વી અને સ્વર્ગ’, ‘જીવનનું પ્રભાત’, ‘એક ટૂંકી મુસાફરી’, ‘માછીમારનું ગીત’, ‘રતિનો શાપ’, ‘હૃદયપલટો’, ‘સોનેરી પંખી’ અને ‘રજપૂતાણી’ છે. ‘પોસ્ટ ઑફિસ’ વાર્તા અંગ્રેજીમાં તેમજ બીજી ભાષાઓમાં અનુવાદિત થઈ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થઈ છે.

ધૂમકેતુએ નવલકથાલેખનનો આરંભ સામાજિક નવલકથાથી કર્યો હતો. ‘પૃથ્વીશ’ (1923), ‘રાજમુગટ’ (1924), ‘રુદ્રશરણ’ (મલ્લિકા) (1937); ‘અજિતા’ (1939); ‘પરાજય’ (1939); ‘જીવનનાં ખંડેર’ (1963); ‘મંઝિલ નહિ કિનારા’ (1964) – એ સાત એમની સામાજિક નવલકથાઓ છે. એમાં ‘રુદ્રશરણ’ અગાઉ પ્રગટ થયેલી ‘મલ્લિકા’ નામક નવલકથામાં ફેરફાર કરી પ્રસિદ્ધ કરી છે. સાંપ્રત સમાજ અને જાગ્રત થતી યુગચેતનાએ એમની સામાજિક નવલકથાને ભાથું પૂરું પાડ્યું છે.

ધૂમકેતુએ ગુજરાતના ચૌલુક્યયુગની 16 અને ભારતના ગુપ્તયુગની 13 – એમ 39 ઐતિહાસિક નવલકથાઓ આપી છે. ચૌલુક્યયુગની નવલકથાઓ ‘ચૌલાદેવી’ (1940), ‘રાજસંન્યાસી’ (1942), ‘કર્ણાવતી’ (1942), ‘રાજકન્યા’ (1943), ‘અજિત ભીમદેવ’ (1943), ‘વાચિનીદેવી’ (1945), ‘બર્બરકજિષ્ણુ જયસિંહ સિદ્ધરાજ’ (1945), ‘ત્રિભુવનગંડ જયસિંહ સિદ્ધરાજ’ (1947), ‘અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ’ (1948), ‘ગુર્જરેશ્વર કુમારપાળ’ (1948), ‘રાજર્ષિ કુમારપાળ’ (1950), ‘નાયિકાદેવી’ (1951), ‘રાય કરણઘેલો’ (1952), ‘ગુર્જરપતિ મૂળરાજદેવ’ 1,2 (1961), ‘પરાધીન ગુજરાત’ (1962) અને ગુપ્તયુગની નવલકથાઓ ‘આમ્રપાલી’ (1954), ‘વૈશાલી’ (1954), ‘મગધપતિ’ (1955), ‘મહાઅમાત્ય ચાણક્ય’ (1955), ‘ચંદ્રગુપ્ત મૌર્ય’  (1956), ‘સમ્રાટ ચન્દ્રગુપ્ત’ (1957), ‘પ્રિયદર્શી અશોક’ (1958), ‘પ્રિયદર્શી સમ્રાટ અશોક’ (1958), ‘મગધ સેનાપતિ પુષ્યમિત્ર’ (1959), ‘મહારાજ્ઞી કુમારદેવી’ (1960), ‘ગુર્જરપતિ મૂળરાજ દેવ 1–2 (1961)’, ‘ભારત-સમ્રાટ સમુદ્રગુપ્ત’ 1, 2 (1963,1964) અને ‘ધ્રુવદેવી’ (1966) છે. શૃંખલાબદ્ધ નવલકથાઓમાં એમણે ગુજરાતના અને ભારતના ભવ્ય અને સમૃદ્ધ ભૂતકાળને પુનર્જીવિત કર્યો છે; પણ શિથિલ સંવિધાન અને અતિપ્રસ્તાર પણ વરતાય છે. ‘ધ્રુવદેવી’  નવલકથા અધૂરી રહી હતી તે પૂરી કરવાનું કામ ગુણવંતરાય આચાર્યે (1900–1965) ઉપાડ્યું હતું, પણ એમનું અવસાન થતાં અધૂરી જ રહેવા પામી છે. એમની ઐતિહાસિક નવલકથાઓના હિન્દી અનુવાદ થયા છે.

એમની દ્વિભાગીય આત્મકથામાં એમણે ‘જીવનપંથ’(1949)માં 1892થી 1915 બહાઉદ્દીન કૉલેજના પ્રથમ વર્ષ સુધીની અને ‘જીવનરંગ’(1956)માં કૉલેજના અભ્યાસકાળથી 1926માં ‘તણખા’ પ્રથમ વાર્તાસંગ્રહ પ્રગટ થયો ત્યાં સુધીની જીવનકથા આલેખી છે. શક્ય તેટલી તટસ્થતાથી લખાયેલી આ આત્મકથા અત્યંત પ્રાસાદિક અને મનોરમ છે. એમાં પ્રગટતું લેખકનું વ્યક્તિત્વ અને યુગદર્શન અત્યંત નોંધપાત્ર છે. એમણે ‘જીવનસ્વપ્ન’ અને ‘જીવનદર્શન’ નામે આગળ આત્મચરિત્ર લખવાની ખેવના સેવી હતી.

એમનાં સાત નિબંધનાં પુસ્તકો ‘જીવનચક્ર’ (1936), ‘સર્જન અને ચિંતન’ (1937), ‘પગદંડી’ (1940), ‘પાનગોષ્ઠિ’ (1942), ‘વાતાયન’ (1947), ‘સાહિત્યવિચારણા’ (1969) અને ‘જીવનવિચારણા’ (1970) છે. ‘પગદંડી’માં પ્રવાસસ્થાનોનાં વર્ણન અને ‘પાનગોષ્ઠિ’માં હાસ્ય-કટાક્ષના નિબંધ સંગ્રહાયા છે. અન્ય પુસ્તકોમાં એમનું સુમધુર અને આસ્વાદ્ય ચિંતન નિરૂપાયું છે. ‘સાહિત્યવિચારણા’ (1969) અને ‘જીવનવિચારણા’ (1970), અનંતરાય રાવળ (1912–1988) અને ધૂમકેતુના પુત્ર દક્ષિણકુમાર જોશી દ્વારા સંપાદિત પ્રકાશનો છે. ‘સાહિત્યવિચારણા’માં જીવન અને સાહિત્યના સંબંધવિષયક, નવલિકાવિષયક અને કેટલાક સારસ્વતો વિશે લેખો છે. તેમાં અભ્યાસપૂર્ણ નિરૂપણ છે. ‘જીવનવિચારણા’માં સમાજ, કેળવણી, ધર્મ, સંસ્કૃતિ આદિ વિશે ચર્ચાના લેખો છે જે બહુશ્રુતતાની છાપ પાડે છે.

‘એકલવ્ય અને બીજાં નાટકો’ (1933) અને ‘ઠંડી ક્રૂરતા અને બીજાં નાટકો’ (1942) – એવા એમના બે નાટ્યસંગ્રહમાં હેતુપ્રધાનતા સ્પષ્ટ વરતાય છે.

એમના વિચારકણિકાઓ, લઘુલેખો, ર્દષ્ટાંતકથાઓ આદિના સંગ્રહો ‘રજકણ’ (1934), ‘જલબિંદુ’ (1936), ‘મેઘબિંદુ’ (1950), ‘તુષારબિંદુ’ (1951), ‘પદ્મરેણુ’ (1951) અને ‘તેજબિંદુ’ (1952) છે. એમાં આકર્ષક તેમજ સૂત્રાત્મક ગદ્યશૈલીમાં જીવનલક્ષી વિવિધ વિષયોનું ચિંતન આલેખાયું છે. એમાં એમની ભાવનાપરાયણતા અને સૌંદર્યર્દષ્ટિ પ્રગટ થાય છે. ખલિલ જિબ્રાનના ભાવાનુવાદના એમણે ચાર ગ્રંથો આપ્યા છે. ‘જિબ્રાનની જીવનવાણી’ (1949), ‘જિબ્રાનની જીવનવાટિકા’ (1957), ‘જિબ્રાનનું જીવનસ્વપ્ન’ (1958) અને ‘જિબ્રાનનું જીવનદર્શન’ (1961). એમાં હૃદયંગમ ચિંતન કાવ્યમય ને સૂત્રાત્મક ગદ્યશૈલીમાં નિરૂપાયું છે. એમણે રવીન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલિ’નો ગુજરાતીમાં ભાવાનુવાદ ‘ગીતાંજલિ’ (1957) નામે કર્યો છે. એમણે ‘હેમચંદ્રાચાર્ય’(1939)માં ચરિત્રનાયકની વિરલ પ્રતિભાને ઉપસાવી સંશોધનર્દષ્ટિનો ધ્યાનપાત્ર નમૂનો પૂરો પાડ્યો છે.

આ ઉપરાંત એમણે બાળકો, પ્રૌઢો તથા સામાન્ય જન માટે સરળ અને બોધક ભાષામાં પુસ્તક–પુસ્તિકાઓ લખ્યાં છે. તેમાં ‘લોક-સંસ્કાર દીપાવલિ’ શ્રેણી 1, 2, 3 (15 પુસ્તકો), ‘મહાભારતકથાઓ’ (10 પુસ્તકો), ‘લોકરામાયણ’ (5 પુસ્તકો), ‘ઉપનિષદકથાઓ’ (4 પુસ્તકો), ‘ઇતિહાસની તેજમૂર્તિઓ’ (5 પુસ્તકો), ‘પ્રાચીન લોકવાર્તાઓ’ (4 પુસ્તકો), ‘જીવનઘડતરની વાતો’ (4 પુસ્તકો), ‘જીવનચરિત્રમાળા’ (4 પુસ્તકો), ‘પ્રસંગકથાઓ’ (5 પુસ્તકો), ‘બોધ-કથાઓ’ (5 પુસ્તકો), ‘જ્ઞાનકથાઓ’ (5 પુસ્તકો), ‘જાતકકથાઓ’ (2 પુસ્તકો), ‘કવિકથાઓ’ (4 પુસ્તકો), ‘સાક્ષરકથાઓ’ (2 પુસ્તકો) અને ‘ઇલિયડ’ (1961) વગેરેનો સમાવેશ થાય છે.

મનોજ દરુ