ધારવાડ : દક્ષિણ ભારતમાં આવેલા કર્ણાટક રાજ્યનો જિલ્લો, જિલ્લાનું વહીવટી મથક અને મુખ્ય શહેર. જિલ્લાનો કુલ વિસ્તાર 4,260 ચોકિમી. જેટલો છે અને કુલ વસ્તી 18,46,993 (2011) છે. શહેરની વસ્તી આશરે 8 લાખ (2022) જેટલી છે. જિલ્લામાં ધારવાડ ઉપરાંત ગડગ, સાવનૂર તથા હંગલ એ ત્રણ મુખ્ય શહેરો છે. ગડગ ઔદ્યોગિક કેન્દ્ર છે. જિલ્લામાં ચોખા, કપાસ, કઠોળ, બાજરી મુખ્ય કૃષિ પેદાશો છે. આ ઉપરાંત બીડી, ચામડાની વસ્તુઓ તથા હાથવણાટના કાપડ માટે પણ તે ખ્યાતિ ધરાવે છે. રાજ્યનું તે ઘણું મહત્ત્વનું વ્યાપારી કેન્દ્ર બની રહ્યું છે.
શહેર : સ્થાન : 15° 28´ ઉ. અ અને 75° 01´ પૂ. રે.. ધારવાડ એ જિલ્લાનું વહીવટી મથક છે. જૂના વખતમાં આ શહેરની આજુબાજુ કિલ્લેબંધી હતી અને તેને પાંચ પ્રવેશદ્વાર હતાં, તેથી તેનું જૂનું નામ દારવાડા (Gateway town) હતું. દખ્ખણના ઉચ્ચપ્રદેશની કિનારી પરના મેદાની ભાગમાં પુણે–બૅંગાલુરુ રેલમાર્ગ તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર, બેળગામથી અગ્નિ દિશામાં 70 કિમી. અંતરે આવેલું છે. સમુદ્રસપાટીથી તે 727 મીટરની ઊંચાઈ પર છે. અને ટેકરીઓ તથા ગીચ ઝાડીઓથી ઘેરોયેલું છે. અહીંની આબોહવા સમશીતોષ્ણ તથા સ્વાસ્થ્યપ્રદ છે.
ધારવાડ કર્ણાટક રાજ્યનું મહત્ત્વનું શિક્ષણકેન્દ્ર છે. 1012માં સ્થાપવામાં આવેલી કલા તથા શાસ્ત્રના અભ્યાસ અને સંશોધનને વરેલી સંસ્થા આજે પણ ત્યાં વિદ્યાકીય પ્રવૃત્તિઓ કરે છે. 1949માં સ્થપાયેલી ધારવાડ યુનિવર્સિટી સાથે સંલગ્ન વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાનની વિદ્યાશાખાઓની શિક્ષણસંસ્થાઓ ઉપરાંત ઇજનેરી તથા કૃષિનું શિક્ષણ આપતી સ્નાતક અને અનુસ્નાતક સ્તરની સંસ્થાઓ પણ છે. આ ઉપરાંત, દેશની એકમાત્ર પુરાભિલેખવિદ્યા(epigraphy)નું પ્રશિક્ષણ આપતી સંસ્થા તથા કન્નડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની પ્રાચ્યવિદ્યા સંસ્થા પણ વિદ્યાકીય પ્રવૃત્તિ કરે છે, જ્યાંના સમૃદ્ધ પુરાતત્ત્વ સંગ્રહાલયમાં પ્રાગૈતિહાસિક ચીજવસ્તુઓના અવશેષો, મૂર્તિઓ તથા શિલાલેખો વગેરે રાખેલાં છે.
ધારવાડ દક્ષિણ ભારતમાં હોવા છતાં ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની માવજત અને તાલીમના ક્ષેત્રે તેનું પ્રદાન મહત્ત્વનું ગણાય છે. આધુનિક સમયના પાંચ અગ્રણી ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતકારો શ્રીમતી ગંગુબાઈ હંગલ, પંડિત ભીમસેન જોશી, સ્વ. મલ્લિકાર્જુન મન્સૂર, સ્વ. બસવરાજ રાજગુરુ તથા સ્વ. કુમાર ગંધર્વ ધારવાડની દેન છે.
ધારવાડમાં પ્રાચીન હિંદુ તથા જૈન મંદિરો, મસ્જિદો, પારસી અગિયારી, ખ્રિસ્તી દેવળો એક જમાનામાં અભેદ્ય ગણાતો દુર્ગ, કીર્તિસ્તંભ તથા બૌદ્ધ કાળના થોડાક અવશેષો ઉપરાંત આધુનિક સ્થાપત્યકાળના નમૂના રૂપે ઇમારતો, ઉદ્યાનો વગેરે જોવાલાયક સ્થળોનો પર્યટનસ્થળોમાં સમાવેશ થાય છે. ત્યાંનું દુર્ગામાતાનું મંદિર પ્રાચીન ગણાય છે.
1117ના એક શિલાલેખમાં આ નગરનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, પરંતુ તે પૂર્વેનો ઇતિહાસ ઉપલબ્ધ નથી. 1573માં અહમદ આદિલશાહે તેના પર કબજો કર્યો ત્યારપછી તે બીજાપુર સામ્રાજ્યનો ભાગ બન્યું. 1674માં શિવાજીએ તેના પર મરાઠા શાસન સ્થાપ્યું. 1685માં ઔરંગઝેબના પુત્ર મુઅઞ્ઝમે તે જીતી લીધું ત્યારથી 1753 સુધી તે મુઘલોના આધિપત્ય હેઠળ રહ્યું. ત્યારબાદ તે અંગ્રેજો હસ્તક ગયું (1858 થી 1947). ભારતને સ્વાધીનતા મળ્યા બાદ મૈસૂર રિયાસતનો આ પ્રદેશ 1960 સુધી મુંબઈ પ્રાંતમાં રહ્યો અને 1960માં તેને કર્ણાટક રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે