ધાતુઓ : સામાન્ય રીતે ચળકાટવાળાં, ઘન સ્વરૂપ ધરાવતાં અને ઉષ્મા તથા વિદ્યુતના સુવાહક એવાં ધનવિદ્યુતીય (electro-positive) રાસાયણિક તત્વો. અપવાદ રૂપે પારો (mercury) અને ઘણી વાર ચીઝિયમ (ગ.બિં. 28.4° સે.) તથા ગેલિયમ (ગ.બિં. 29.78° સે.) પણ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. ધાતુઓના ગ.બિં. અને ઉ.બિં. ઘણાં ઊંચાં હોય છે અને તે પ્રમાણમાં વધુ ઘટ્ટ (dense), ટિપાઉ (malleeble), તન્ય (ducfiles) અને સંસંજક (cohesive) હોય છે. સ્ફટિકના સુઘટ્ય (dastic) અને બરડ તેવા બે ગુણધર્મો પૈકી ધાતુ વધુ સુઘટ્ય હોય છે.
ભૌતિક ર્દષ્ટિએ ધાતુનો પરમાણુ ધરા (ground) અવસ્થા (state)માં ઇલેક્ટ્રૉન વડે આંશિક રીતે ભરાયેલ પટ (band) ધરાવે છે, જેમાં એક ભરાયેલી કક્ષકની નજીક ખાલી કક્ષક હોય છે. છેલ્લી કક્ષકમાં સમાઈ શકે તે કરતાં ઓછા ઇલેક્ટ્રૉન હોય છે. રાસાયણિક રીતે જ્યારે ધાતુ દ્રાવણમાં જાય છે ત્યારે ધાતુનો પરમાણુ બહારની કક્ષકમાંનો એક (અથવા વધુ) ઇલેક્ટ્રૉન ગુમાવી ધન (positive) આયન (ion)માં ફેરવાય છે; તેથી જૈવિક (જીવીય, biotic) પ્રણાલીઓમાં ધાતુઓના પરમાણુઓ મુખ્યત્વે આયનિક (ionic) વહન તથા ઇલેક્ટૉન વિનિમયનું કાર્ય કરે છે.
મિશ્રધાતુઓ (alloys) : બે કે તેથી વધુ ધાતુઓને જુદા જુદા પ્રમાણમાં લઈ તેમને પિગાળીને ધીમેથી ઠંડી પાડવાથી મૂળ ધાતુ કરતાં જુદા ગુણધર્મોવાળી મિશ્રધાતુ મેળવી શકાય છે. ધાતુઓનું જોઈતું પ્રમાણ લઈ ભેળવતાં સખ્તાઈ, યાંત્રિક મજબૂતાઈ તેમજ ક્ષારણ (corrosion) પ્રતિરોધકતા જેવા ગુણો ધરાવતી મિશ્રધાતુઓ બનાવી શકાય છે; દા. ત., પિત્તળ (તાંબું + જસત), કાંસું (તાંબું + કલાઈ), સ્ટેનલેસ સ્ટીલ (લોખંડ + ક્રોમિયમ + નિકલ), પ્લમ્બરનું રેણ (સીસું + કલાઈ) વગેરે.
ઉપધાતુઓ : રાસાયણિક તત્વોને ઘણી વાર ધાતુઓ અને અધાતુઓ (nonmetals) – એમ બે વર્ગમાં વહેંચવામાં આવે છે. જોકે ઘણી વાર તેમની વચ્ચેનો તફાવત સ્પષ્ટ હોતો નથી. ઍન્ટિમની ધાતુ જેવા ભૌતિક ગુણધર્મો ધરાવે છે, જ્યારે રાસાયણિક રીતે તે સંજોગો પ્રમાણે ધાતુ (ઇલેક્ટ્રૉન ગુમાવનાર) કે અધાતુ (ઇલેક્ટ્રૉન સ્વીકારનાર) તરીકે વર્તે છે. ધાતુ અને અધાતુ વચ્ચેના ગુણધર્મો ધરાવતાં તત્વોને ઉપધાતુઓ (metelloids) કે અર્ધધાતુઓ (semimetals) કહે છે; દા. ત., બૉરન, સિલિકન, જર્મેનિયમ, આર્સેનિક, ઍન્ટિમની, ટેલ્યુરિયમ વગેરે. આ તત્વો ઘણી વખત ચળકાટ ધરાવે છે પણ બરડ હોય છે. જર્મેનિયમ અને સિલિકન અર્ધવાહકો (semi–conductor) છે અને તેમની વિદ્યુતવાહકતા ધાતુ અને અધાતુની વચ્ચેની હોય છે. ધાતુઓને ગરમ કરવાથી તેમની વિદ્યુતવાહકતા ઘટે છે જ્યારે અર્ધધાતુઓની વધે છે. અર્ધધાતુમાં થોડા પ્રમાણમાં અશુદ્ધિ દાખલ કરતાં તેમની વિદ્યુતવાહકતામાં ઘણો મોટો ફેરફાર જોવા મળે છે; જે તેમને ઘન-અવસ્થા ઇલેક્ટ્રૉનીય ઉપકરણોમાં ઉપયોગી બનાવે છે.
પારમાણ્વિક ગુણધર્મ : ધાતુ તત્વોના પરમાણુઓ અધાતુ અને અર્ધધાતુ તત્વોના પરમાણુથી અમુક ગુણધર્મો પરત્વે જુદા પડે છે. ધાતુના પરમાણુ નીચી ઇલેક્ટ્રૉનબંધુતા (electron affinity) ધરાવે છે. તેમનો આયનીકરણ વિભવ (ionisation potential) અને વિદ્યુતઋણતા (electronegativity) નીચાં હોય છે. તત્વના પરમાણુમાંથી બહારની કક્ષાના ઇલેક્ટ્રૉન દૂર કરવા જોઈતી ઊર્જા અથવા વિભવને તત્વનો આયનીકરણ વિભવ કહેવામાં આવે છે. તત્વના પરમાણુની ઇલેક્ટ્રૉન આકર્ષવાની શક્તિને વિદ્યુતઋણતા કહેવામાં આવે છે. અધાતુ અને અર્ધધાતુની પરમાણુ-ત્રિજ્યા (atomic radius) ધાતુની પરમાણુ-ત્રિજ્યાના પ્રમાણમાં નાની હોય છે. ધાતુ પરમાણુની બહારની કક્ષાના ઇલેક્ટ્રૉનની આયનીકરણ-ઊર્જા નીચી હોવાને લીધે આ ઇલેક્ટ્રૉન તે કક્ષામાં વધુ સહેલાઈથી હરીફરી શકે છે. તેથી ધાતુ–પરમાણુનું કદ પ્રમાણમાં વધુ મોટું હોય છે.
ધાતુના ઘણા રાસાયણિક ગુણધર્મો પરમાણુના ગુણધર્મના આધારે સમજી શકાય છે. ધાતુના ઑક્સાઇડો ધન ધાતુ-આયનો અને ઋણ ઑક્સાઇડ-આયનોના બનેલા હોય છે. ઑક્સાઇડ-આયન પોતે પ્રબળ બેઝ છે, જે પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રૉક્સાઇડ-આયન આપે છે. તેથી બેઝિક દ્રાવણ પ્રાપ્ત થાય છે. અપવાદ રૂપે ક્રોમિયમ જેવી ધાતુના ઑક્સાઇડ પાણી સાથે પ્રબળ ઍસિડ આપે છે.
મોટાભાગનાં ધાતુતત્વો સહેલાઈથી ઇલેક્ટ્રૉન ગુમાવી ધનાયનો આપે છે, જોકે કુદરતમાં મુક્ત અવસ્થામાં મળતાં ગોલ્ડ, સિલ્વર, પ્લૅટિનમ અને અન્ય ધાતુતત્વોનું ઉપચયન સહેલાઈથી થતું નથી. પહેલા (અગાઉ IA) અને બીજા (અગાઉ IIA) સમૂહનાં Na, K, Ca વગેરે તત્વોનું બહુ જ સહેલાઈથી ઉપચયન થાય છે. સોડિયમ ધાતુમાંનો બહારની કક્ષાનો ઇલેક્ટ્રૉન ન્યૂક્લિયસ સાથે શિથિલ જોડાણ ધરાવે છે. આવા પરમાણુનું કદ અને પરમાણુત્રિજ્યા પ્રમાણમાં વધુ હોય છે. અને તેમાંથી ઇલેક્ટ્રૉનને દૂર કરવા માટે બહુ જ ઓછી ઊર્જાની જરૂર પડે છે. ઇલેક્ટ્રૉન દૂર થયા પછી બનતા ધનાયનનું કદ નાનું થઈ જાય છે. દૂર થતો ઇલેક્ટ્રૉન અધાતુ તત્વના પરમાણુ તરફ આકર્ષાતાં આવા પરમાણુ સહેલાઈથી ઋણાયન બને છે. અન્ય ધાતુના પરમાણુઓ જેઓની આયનીકરણ ઊર્જા વધુ હોય છે તેમની બહારની કક્ષાના ઇલેક્ટ્રૉન વધુ પ્રબળ રીતે જકડાયેલા હોય છે. આવાં ધાતુતત્વોની પરમાણુત્રિજ્યા પ્રમાણમાં થોડી નાની હોય છે અને ધનાયન બન્યા પછી તેમનું સંકોચન બહુ જ ઓછું હોય છે.
જાણીતાં તત્વોમાં લગભગ 80 % જેટલાં ધાતુતત્વો છે. નીચે ધાતુતત્વોને આવર્ત કોષ્ટકમાં તેમના સ્થાન પ્રમાણે બતાવવામાં આવેલાં છે : (i) ઉદાહરણરૂપ તત્વો : આ ધાતુતત્વોમાં s અને p ઉપકક્ષકમાં સંયોજકતા-ઇલેક્ટ્રૉન (valence electron) હોય છે.
1 (અગાઉ IA) સમૂહ (s ઉપકક્ષકમાં એક ઇલેક્ટ્રૉન) : લિથિયમ, સોડિયમ, પોટૅશિયમ, રુબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ.
2 (અગાઉ IIA) સમૂહ (s ઉપકક્ષકમાં બે ઇલેક્ટ્રૉન) : બેરીલિયમ, મૅગ્નેશિયમ, કૅલ્શિયમ, સ્ટ્રૉન્શિયમ, બેરિયમ, રેડિયમ.
3 (અગાઉ IIIB) સમૂહ (s ઉપકક્ષકમાં બે અને p ઉપકક્ષકમાં એક ઇલેક્ટ્રૉન) : ઍલ્યુમિનિયમ, ગૅલિયમ, ઇન્ડિયમ, થેલિયમ,
4 (અગાઉ IVB) સમૂહ (s ઉપકક્ષકમાં બે અને p ઉપકક્ષકમાં બે ઇલેક્ટ્રૉન) : ટિન, લેડ
5 (અગાઉ VB) સમૂહ (s ઉપકક્ષકમાં બે અને p ઉપકક્ષકમાં ત્રણ ઇલેક્ટ્રૉન) : બિસ્મથ.
6 (અગાઉ VIB) સમૂહ (s ઉપકક્ષકમાં બે અને p ઉપકક્ષકમાં ચાર ઇલેક્ટ્રૉન) : પોલોનિયમ.
(ii) સંક્રમણ તત્વો : સૌથી વધુ ધાતુઓ ધરાવતો સમૂહ. તેમાં 37 જેટલા સભ્યો છે. તેમના સંયોજકતા–ઇલેક્ટ્રૉનની ગોઠવણી સંકીર્ણ છે, બાહ્ય કક્ષકમાં ઇલેક્ટ્રૉનની ગોઠવણી d અને s ઉપકક્ષકમાં જોવા મળે છે, તત્વો તે પ્રમાણે આઠ સમૂહમાં વહેંચાયેલાં છે.
3જો (અગાઉ IIIA) સમૂહ : સ્કૅન્ડિયમ, યટર્બિયમ, લૅન્થેનમ, ઍક્ટિનિયમ.
4થો (અગાઉ IVA) સમૂહ : ટિટેનિયમ, ઝર્કોનિયમ (હેફનિયમ).
5મો (અગાઉ VA) સમૂહ : વેનેડિયમ, નિયોલિયમ, ટૅન્ટલમ, (મેલિયોરિયા).
6ઠ્ઠો (અગાઉ VIA) સમૂહ : ક્રોમિયમ, મોલિબ્ડેનમ, ટંગ્સ્ટન.
7મો (અગાઉ VIIA) સમૂહ : મૅન્ગેનીઝ, ટેક્નિશિયન, ર્હેનિયમ.
8મો (અગાઉ VIIIA) સમૂહ : આયર્ન, રુથેનિયમ, ઓસ્મિયમ,
9મો (અગાઉ VIIIA) સમૂહ : કોબાલ્ટ, રોડિયમ, ઇરિડિયમ,
10મો (અગાઉ VIIIA) સમૂહ : નિકલ, પેલેડિયમ, પ્લૅટિનમ,
11મો (અગાઉ IB) સમૂહ : કૉપર, સિલ્વર, ગોલ્ડ.
12મો (અગાઉ IIB) સમૂહ : ઝિંક, કેડ્મિયમ, મર્ક્યુરી.
લેન્થેનાઇડ અને ઍક્ટિનાઇડ તત્વો : આ ધાતુ-તત્વોનાં સંયોજકતા-ઇલેક્ટ્રૉનની ગોઠવણી પણ સંકીર્ણ હોય છે, જે f અને s ઉપકક્ષકોમાં હોય છે.
લેન્થેનાઇડ : સીરિયમ, પ્રેઝિયોડિમિયમ, નિયોડિમિયમ, પ્રોમેથિયમ, સમેરિયમ, યુરોપિયમ, ગૅડોલિનિયમ, ટર્બિયમ, ડિસ્પ્રોશિયમ, હોલ્મિયમ, અર્બિયમ, થુલિયમ, યટર્બિયમ, લ્યુટેશિયમ.
ઍક્ટિનાઇડ : થોરિયમ, પ્રોટોટૅક્ટિનિયમ, યુરેનિયમ, નેપ્ચૂનિયમ, પ્લૂટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, બર્કેલિયમ, કૅલિફૉર્નિયમ, આઇનસ્ટાઇનિયમ.
ધાતુનું બંધારણ અને તેમાં આબંધન : ઘન અવસ્થામાં (સ્ફટિક રચનામાં) ઘણી ધાતુઓના પરમાણુઓની ગોઠવણી અત્યંત સરળ હોય છે. તેમાં એક પરમાણુની આજુબાજુ ભૌમિતિક રીતે શક્ય તેટલા જ સભ્ય પરમાણુઓ ગોઠવાયેલા હોય છે : આમાં ત્રણ પ્રકારની રચના મુખ્ય છે :
(1) ષટ્કોણીય પ્રગાઢ પરિવેષ્ટન અથવા સંકુલન (hexagonal closest packing, hcp), (2) ઘન પ્રગાઢ સંકુલન (cubic closest packing, ccp), અને (3) વસ્તુકેન્દ્રિત ઘન (body centred cubic, bcc) સંરચના. અહીં દરેક પરમાણુને સખત (hard), અભિન્ન ગોળા (identical spheres) તરીકે કલ્પવામાં આવેલ હોય છે. પ્રથમ બે સંરચનામાં પરમાણુઓ ષટ્કોણીય કે મધપૂડાના આકારમાં સુસંકલિત હરોળમાં ગોઠવાયેલા હોય છે. આમાં એક કેન્દ્રીય પરમાણુની આસપાસ ષટ્કોણ રૂપે પરમાણુઓ એક જ તલમાં ગોઠવાયેલ હોય છે. આ ઉપરાંત ત્રણ પરમાણુઓના બનેલા બે ત્રિકોણ, એક સમતલની ઉપર અને એક સમતલની નીચે એમ ગોઠવાયેલા હોય છે. એટલે તે પરમાણુ કુલ 12 પરમાણુઓના સંપર્કમાં હોય છે. ષટ્કોણીય અને ઘન પ્રગાઢ સંકુલન સંરચનામાં જે તફાવત છે તે ફક્ત પુનરાવર્તી હરોળો એકબીજી પર કેવી રીતે ગોઠવાયેલી હોય છે તે પર આધાર રાખે છે. આ સંરચનામાં ખાલી જગ્યા ઓછામાં ઓછી હોય છે અને પરમાણુઓ એકબીજાનાં વધુમાં વધુ સંપર્કમાં રહે છે. hcp ષટ્કોણીય એકમવાળું અને ccp વસ્તુકેન્દ્રિત ઘન એકમરૂપી સ્ફટિકજાળ(crystal lattice)વાળું બંધારણ ધરાવે છે.
વસ્તુકેન્દ્રિત ઘન સંરચનામાં પરમાણુઓની ગોઠવણી ઉપરનાં બે બંધારણ કરતાં ખાલી જગ્યાની ર્દષ્ટિએ ઓછી પ્રભાવશાળી હોય છે, છતાં તેમાં પણ પરમાણુઓ એકબીજાના સંપર્કમાં હોય છે. દરેક પરમાણુની આજુબાજુ આઠ સંપર્ક પરમાણુઓ ઘનના ખૂણે ગોઠવાયેલા હોય છે. દરેક ઘન સપાટીના પ્રત્યક્ષ પડોશમાં છ પરમાણુઓ હોય છે, જેથી આ સંરચનામાં એક પરમાણુની પડોશમાં 14 પરમાણુઓ હોય છે. ધાતુના પરમાણુ નીચા અને ઊંચા તાપમાને જુદી જુદી સંરચના ધરાવી શકે છે. ધાત્વિક બંધ (metallic bond) ઘન ધાતુમાંના પરમાણુઓ સહસંયોજક કે આયનિક બંધ ધરાવતા નથી. આ કારણથી ધાતુઓના ગુણધર્મો સંયોજનોથી જુદા પડે છે. ધાત્વિક બંધ સમજાવવા મુક્ત ઇલેક્ટ્રૉન અથવા ઇલેક્ટ્રૉન વાયુ પ્રતિરૂપ(model)ના સરળ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. ધાતુપરમાણુઓને ધનાયન તરીકે ગણી તેમને ઋણભારવાળા વાયુ અથવા સંયોજકતા ઇલેક્ટ્રૉનના સમૂહમાં તરતા હોય તેમ ગણવામાં આવે તો તે સંરચના વૈદ્યુતિક રીતે તટસ્થ ગણી શકાય. તે ઉપરાંત આ સંયોજકતા ઇલેક્ટ્રૉન કોઈ એક જ પરમાણુ સાથે જોડાયેલા માનવાને બદલે ઘન ધાતુના સમગ્ર માળખામાં ફરતા હોય તેમ માનવામાં આવે છે. આ સરળ પ્રતિરૂપથી ધાતુના વિશિષ્ટ ગુણધર્મો સમજાવી શકાય છે. ધાતુનું વિદ્યુતવહન આ સહેલાઈથી ફરતા ઇલેક્ટ્રૉનને આભારી છે. તાપમાનના વધારા સાથે ધાતુનો વીજઅવરોધ વધે છે. તેથી આ પ્રતિરૂપ પ્રમાણે જ્યારે ધાતુનું તાપમાન વધારવામાં આવે ત્યારે પરમાણુની કંપનગતિમાં વધારો થાય છે, જે ઇલેક્ટ્રૉનની મુક્ત હેરફેરમાં દખલ કરે છે. ધાતુના પરમાણુઓના સ્તરો એકબીજાના સાપેક્ષમાં સ્થાનાંતર અથવા વિસ્થાપન પામી શકે છે. આ રીતે ધાતુની મૃદુતા અને તન્યતા સમજાવી શકાય છે. આ પ્રતિરૂપ પિગાળેલ ધાતુન પણ લાગુ પડે છે. તે પ્રમાણે એક ધાતુતત્વના પરમાણુનું સ્થાન બીજી ધાતુનો પરમાણુ લઈ શકે છે, જે ધાત્વિક બંધમાં ખાસ ફેરફાર કરતો નથી. આમ મિશ્ર ધાતુઓ સહેલાઈથી બનાવી શકાય છે.
પટ સિદ્ધાંત (band theory) : ધાત્વિક બંધનો માત્રાત્મક (quantitative) અને સર્વગ્રાહી સિદ્ધાંત ઘન અવસ્થાનો પટ સિદ્ધાંત છે. આ સિદ્ધાંત પ્રમાણે ઘનમાંના બધા ઇલેક્ટ્રૉન અનુમત (allowed) ઊર્જાસ્તરોમાં ગોઠવાયેલા હોય છે. તે એટલા સુસંકલિત હોય છે કે તે કારણે તે સાતત્યપૂર્ણ (continuous) લાગે છે, પણ આ સંકુલન ઊર્જા-પટો જુદી જુદી માત્રાવાળા ગાળા (energy gaps) ધરાવે છે. તેમાં ઇલેક્ટ્રૉન દાખલ થતા નથી. જો ઊર્જાપટ પૂર્ણ રીતે ઇલેક્ટ્રૉનથી ભરાયેલ હોય તો તે વિદ્યુતનું વહન કરી શકે નહિ. વીજરોધક (insulator) અને અવાહકો (nonconductors)માંના ઇલેક્ટ્રૉનના ઊર્જાપટ પૂર્ણ રીતે ઇલેક્ટ્રૉનથી ભરેલા હોય છે, પણ તે વધુ મોટા ઊર્જાગાળા ધરાવે છે. ધાતુમાંના અનુમત પટો અંશત: ભરાયેલા હોય છે અથવા ભરાયેલા પટો ખાલી પટો પર અતિવ્યાપ્ત (overlap) બને છે. બંને કિસ્સામાં વિદ્યુતવાહકતા શક્ય છે.
પૉલિશ કરેલી ધાતુની સપાટી ર્દશ્ય પ્રકાશનું પરાવર્તન કરે છે તે પટ સિદ્ધાંતથી સમજાવી શકાય છે. અંદર આવતો ર્દશ્ય પ્રકાશનો ફોટૉન અંશત: ભરેલ ઊર્જાપટમાંથી ઇલેક્ટ્રૉનને ખાલી અનુમત ઊર્જાપટના વધુ ઊંચા સ્તરે ઉત્તેજિત કરે છે. ઉત્તેજિત ઇલેક્ટ્રૉન હવે તે જ આવૃત્તિનો ફોટૉન બહાર ફેંકે છે અને ઇલેક્ટ્રૉન છેક ટોચના ભરેલા સ્તર પર પાછો આવે છે, એ રીતે પ્રકાશનું પરાવર્તન થાય છે.
લોખંડ અને અન્ય ધાતુઓનો સ્થાયી લોહ-ચુંબકત્વનો ગુણધર્મ પટ સિદ્ધાંત(ferro magnetism)થી સમજાવી શકાય છે. વિરુદ્ધ ચક્રણ ધરાવતા ઇલેક્ટ્રૉન જે વિરુદ્ધ લોહચુંબકીય ધ્રુવીયતા બતાવે છે તે અનુમત ઊર્જાપટમાં અસમાન સંખ્યામાં હોય તો ધાતુ ચુંબકીય ચાકમાત્રા બતાવે છે.
ઈ. સ. પૂ. 3500 પહેલાં સોનું ઘરેણાં, પ્લેટો, ઝવેરાત અને પાત્રો બનાવવામાં વપરાતું. મેસોપોટેમિયામાં મળી આવતા અવશેષોમાં સોનાની વસ્તુઓ મળી આવી છે. સિલ્વર ઈ. સ. પૂ. 2400ની આસપાસ વપરાતું. તે સોના કરતાં વધુ મોંઘી ધાતુ ગણાતી કારણ કે તે કુદરતમાં મુક્ત અવસ્થામાં બહુ ઓછા પ્રમાણમાં મળી આવતી. તે જ પ્રમાણે તાંબું પણ મુક્ત અવસ્થામાં મળી આવતું હોવાથી તેનો વાસણો વગેરેમાં ઉપયોગ કરવામાં આવતો.
ઈ. સ. પૂ. 1000ની આસપાસ જ આયર્ન અને સ્ટીલનો ઉપયોગ શરૂ થયો તેમ ગણાય. આયર્ન ખનિજના ભંડાર ધીમે ધીમે ઓછા થતા જાય છે. તે જ પ્રમાણે કૉપર, લેડ અને અન્ય ધાતુ માટે પણ કહી શકાય તેમ છે. હવે ધાતુશાસ્ત્રીઓ (metallargists) સ્ટીલની જગ્યાએ ઍલ્યુમિનિયમનો ઉપયોગ કરવા માંડ્યા છે, કારણ કે તેનો જથ્થો આયર્ન કરતાં અનેકગણો વધારે છે. મૅગ્નેશિયમ બીજી એવી ધાતુ છે, જે ઘણી અગત્ય ધરાવે છે. તેને દરિયાના પાણી અને ડોલોમાઇટમાંથી મેળવવામાં આવે છે. યુરેનિયમ ધાતુ જે વિકિરણધર્મી છે તે માનવને જોઈતી ઊર્જા ઉત્પન્ન કરવામાં વપરાય છે.
પ્રવીણસાગર સત્યપંથી