ધરુનો સુકારો : ફેર-રોપણી માટે તૈયાર થાય તે પહેલાં ફૂગ કે જીવાણુઓના ચેપથી ધરુને થતો રોગ. આ સુકારો મુખ્યત્વે પીથિયમ, ફાયટોફ્થોરા અને ફ્યુસેરિયમ પ્રજાતિની ફૂગોથી થાય છે.
ધરુનો સુકારો બે અવસ્થામાં જોવા મળે છે. સૌપ્રથમ બીજજન્ય અથવા જમીનજન્ય વ્યાધિજન ધરુના ઊગતા બીજાંકુરો પર આક્રમણ કરી, જમીનની બહાર નીકળતા પહેલાં ધરુને ચેપ લગાડે છે. તેથી છોડના અંકુરો જમીનમાંથી બહાર નીકળતા નથી. બીજી અવસ્થામાં ધરુ ઊગીને બહાર નીકળ્યા બાદ ચેપ લાગવાથી તેનાં મૂળ અને જમીન પાસેના થડની પેશીઓ નબળી પડે છે અને ધરુ જમીન ઉપર ઢળી પડી સુકાઈ જાય છે. આ ફૂગ પાણી દ્વારા ગોળ કૂંડાળા આકારના સ્વરૂપે ફેલાય છે.
નિયંત્રણ : (1) ધરુવાડિયા માટે સારા નિતારવાળી જમીનમાં ગાદીક્યારા બનાવી ધરુ ઉછેરવામાં આવે છે. (2) ધરુવાડિયામાં પાકના અવશેષો બાળી જમીનનું નિર્જીવીકરણ કરી ધરુવાડિયું નાખવામાં આવે છે. (3) બીજને 1 કિલો બીજદીઠ ત્રણ ગ્રામ કેપ્ટાન અથવા થાયરમ અથવા કાર્બનડાઝીમ અથવા રીડોમીલ દવાનો સારી રીતે પટ આપી વાવણી કરાય છે. (4) ધરુ આઠ કે દશ દિવસનું થાય ત્યારે 0.3 %વાળી તાંબાયુક્ત દવાનો છંટકાવ કરવામાં આવે છે. રોગ જણાય તો આ છંટકાવ 10થી 15 દિવસે નિયમિત કરતા રહેવું પડે છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ