દ્વિકરભારમુક્તિ

March, 2016

દ્વિકરભારમુક્તિ (double taxation relief) : ભારતના આવકવેરાના કાયદા મુજબ તથા પરદેશના આવકવેરાના કાયદા મુજબ કરદાતા દ્વારા એક જ આવક ઉપર બંને સરકારોને ચૂકવવાપાત્ર આવકવેરામાં આપવામાં આવતી કરરાહત.

ભારતના આવકવેરા અધિનયમ 1961ની કલમ 90 મુજબ ભારતની  કેન્દ્ર-સરકાર, બીજા કોઈ પણ દેશની સરકાર સાથે એવો સમજૂતી કરાર કરી શકે છે કે જેથી એક જ આવક ઉપર બેવડો કર આપવાનો થાય નહિ. ભારતના આવકવેરાના કાયદા મુજબ તથા તે જ પ્રકારના પરદેશના કાયદા મુજબ કરચોરી અટકાવવા અંગેની માહિતીની આપ-લે કરવામાં આવે છે. ભારત સરકારે પરદેશની સરકાર સાથે આ અંગે જો કોઈ કરાર કર્યો ન હોય તો આવકવેરા અધિનિયમની કલમ 91 મુજબ બેવડા કરને પાત્ર બનેલી આવક ઉપર ભારતમાં ચૂકવવાપાત્ર કરની રકમમાંથી પરદેશના આવકવેરા અને ભારતના આવકવેરાના દરમાંથી જે ઓછો હોય તે દરે અથવા બંનેના દર સરખા હોય તો ભારતના દરે કપાત આપવામાં આવે છે.

ભાઈલાલભાઈ ઠક્કર