દો આંખેં બારહ હાથ (1957) : પારિતોષિક વિજેતા નોંધપાત્ર હિન્દી ચલચિત્ર. ગુનેગારો જન્મથી ગુનેગાર નથી હોતા, પરિસ્થિતિ તેમને ગુનેગાર બનાવે છે. તેમને સુધરવાની તક મળે તો તેઓ સારા નાગરિક બની શકે છે એવું માનતા એક આદર્શવાદી જેલર અને છ ખૂંખાર કેદીઓની કથાને કેન્દ્રમાં રાખીને બનાવાયેલું હેતુપ્રધાન ચલચિત્ર. નિર્માણ વર્ષ : 1957, શ્વેત અને શ્યામ, ભાષા : હિંદી, નિર્માણ સંસ્થા : રાજકમલ કલામંદિર, દિગ્દર્શક : વી. શાંતારામ, કથા : જી. ડી. માડગુળકર, ગીતકાર : ભરત વ્યાસ, છબિકલા : બાલકૃષ્ણ, સંગીત : વસંત દેસાઈ, મુખ્ય કલાકારો : વી. શાંતારામ, સંધ્યા, ઉલ્હાસ, બાબુરાવ પેંઢારકર, બી. એમ. વ્યાસ, તિવારી, કેશવરાવ દાતે.
કલાગુરુ વી. શાંતારામનાં ઉત્કૃષ્ટ હેતુપ્રધાન ચલચિત્રોમાંનું ‘દો આંખેં બારહ હાથ’ સત્યકથા પર આધારિત છે. આદિનાથ નામનો એક આદર્શવાદી જેલર હત્યા કરવાના ગુના માટે સજા પામેલા છ ભયંકર કેદીઓને પસંદ કરીને તેમને સારા નાગરિક બનાવવાનો નિર્ધાર કરે છે. ગુનેગાર તો હંમેશ ગુનેગાર જ રહેવાનો, એ કદી સુધરે નહિ એવું માનતા જેલ અધીક્ષકને જેલરનો સુધારાવાદી પ્રયોગ પસંદ નથી અને આ પ્રયોગ ક્યારે નિષ્ફળ જાય એની જ તે રાહ જોતો હોય છે. પ્રયોગ અંતે સફળ થાય છે, પણ એ પહેલાં ઘણી ઘટનાઓ બને છે અને જેલરે પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. પ્રારંભે જેલર કેદીઓને એક બિનઉપજાઉ જમીન પર લઈ જાય છે. ત્યાં કેદીઓ રાતદિવસ એક કરીને જમીન ખેડે છે અને શાકભાજી વાવે છે. કેદીઓ જ બજારમાં શાકભાજી વેચવા જાય છે. ત્યાં સ્થાનિક હિતો ધરાવતા વેપારીઓના હાથે માર ખાય છે. છેવટે ગાંડા સાંઢોને ખેતર પર છોડી દેવામાં આવે છે, જેનો સામનો એકલે હાથે કરવા જતાં જેલર માર્યો જાય છે. સાંઢ સાથેની લડાઈમાં દિગ્દર્શક અને નાયક વી. શાંતારામને વાસ્તવમાં એવી ઈજા પહોંચે છે કે તેમને આંખો હંમેશ માટે ગુમાવવી પડે એવો ભય ઊભો થાય છે. સમયસરના ઉપચારથી સદભાગ્યે, તેમની ર્દષ્ટિ બચી જાય છે. ચલચિત્રને 1957નો રાષ્ટ્રપતિનો ચંદ્રક મળ્યો અને તે વિવિધ આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવોમાં રજૂ થયું હતું. તેનું એક ગીત ‘અય માલિક તેરે બંદે હમ….’ શાળાઓ અને સંસ્થાઓમાં પ્રાર્થના રૂપે સ્વીકૃતિ પામતું રહ્યું છે.
હરસુખ થાનકી