દેસાઈ, (ડૉ.) દેવાંગના (જ. 15 ફેબ્રુઆરી 1937, મુંબઈ) : ખજૂરાહોના રતિમગ્ન અને કામોત્તેજક શિલ્પો પર ઊંડું અને મૌલિક સંશોધન કરનાર ભારતીય કલા-ઇતિહાસકાર.
તેમણે મુંબઈમાં શાલેય શિક્ષણ પૂરું કર્યા બાદ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો. 1957માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ફિલસૂફીનાં સ્નાતક થયાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી જ સમાજવિદ્યાનાં અનુસ્નાતક થયાં. ભારતીય પ્રણાલીનાં રતિમગ્ન અને મૈથુનરત શિલ્પોમાં દેસાઈની રુચિ પહેલેથી જ તીવ્ર હતી; તેથી જ આ વિષયમાં તેમણે ડૉક્ટરેટ કરવાનું નક્કી કર્યું. આ માટે તેમને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની રિસર્ચ ફેલોશિપ 1963થી 1966 સુધી મળી. ‘ઇરૉટિક સ્કલ્પ્ચર ઑવ્ ઇન્ડિયા — એ સોશિયો-કલ્ચરલ સ્ટડી’ શીર્ષક હેઠળ દેસાઈએ સંશોધનગ્રંથ લખ્યો અને 197૦માં મુંબઈ યુનિવર્સિટીએ તેમને ડૉક્ટરેટ ડિગ્રી પ્રદાન કરી. આ ગ્રંથનું પ્રકાશન 197૦માં થયું અને 1985માં તેની બીજી સંવર્ધિત આવૃત્તિ પ્રકાશિત થઈ. બીજી આવૃત્તિ માટેના આગળના વધુ સંશોધન માટે તેમને ‘ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ સોશિયલ રિસર્ચ ફેલોશિપ’ 1971થી 1974 સુધી મળેલી. એ પછી પણ ખજૂરાહોનાં મૈથુનશિલ્પો ઉપર તેમનું સંશોધન ચાલુ રહ્યું, જેને માટે તેમને 1979થી 1981 સુધી હોમી ભાભા ફેલોશિપ મળેલી. આ સંશોધન માટે એશિયાટિક સોસાયટી ઑવ્ બૉમ્બેએ 1977ના વરસના રૌપ્ય ચંદ્રકથી ડૉ. દેવાંગનાને નવાજ્યાં અને આ જ સંશોધન માટે 1983ના વરસનું દાદાભાઈ નવરોજી મેમોરિયલ પ્રાઇઝ પણ તેમને એનાયત થયું. દેસાઈની એક અનોખી સિદ્ધિ એ છે કે તેમણે ખજૂરાહો ખાતે એક નષ્ટ મંદિરની પ્લીન્થ શોધીને તેનું ઉત્ખનન કરાવ્યું હતું. તેના ક્ષેત્રફળથી એ હકીકત સાબિત થાય છે કે તે મંદિર ખજૂરાહોનાં હાલમાં અસ્તિત્વ ધરાવતાં મંદિરો કરતાં પણ વધુ વિશાળ હતું. આ ઉપરાંત દેસાઈએ ખજૂરાહોના ‘બીજમંડળ’ મંદિરનું ઉત્ખનન કરાવીને તેનું વિગતવાર વર્ણન કર્યું છે.
ખજૂરાહોનાં શૃંગારરસપ્રધાન શિલ્પોને વાત્સ્યાયનના ગ્રંથ ‘કામસૂત્ર’ સાથે કોઈ નિસબત નથી પરંતુ તે શિલ્પોનો હેતુ તાંત્રિક પદ્ધતિથી અધ્યાત્મસાધના કરવાનો હતો તેવું પ્રતિપાદન દેસાઈએ કર્યું છે.
1992થી 2૦૦2 સુધી દેસાઈ ‘જર્નલ ઑવ્ ધ એશિયાટિક સોસાયટી ઑવ્ બૉમ્બે’નાં સંપાદક હતાં. 1999થી તેઓ એશિયાટિક સોસાયટી ઑવ્ બૉમ્બેના ઉપપ્રમુખ છે. 1983થી 1991 સુધી ડૉ. દેવાંગના મ્યુઝિયમ સોસાયટી ઑવ્ બૉમ્બેનાં પ્રમુખ હતાં. મુંબઈની અનંતાચાર્ય ઇન્ડૉલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મુંબઈની ગવર્નિંગ કાઉન્સિલનાં 1992થી સભ્ય છે. 2૦૦2થી તેઓ દિલ્હીની ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ હિસ્ટૉરિકલ રિસર્ચનાં સભ્ય છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સના તેમજ મુંબઈ યુનિવર્સિટીના એસ્થેટિક વિભાગમાં તેઓ 1982થી મુલાકાતી પ્રાધ્યાપક હતાં. ‘આર્કિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા’ના બિનપ્રાચીન ચીજવસ્તુઓની નિકાસ બાબતનાં તેઓ 1982થી નિષ્ણાત સલાહકાર છે. 1993થી 1998 સુધી તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીનવી દિલ્હીની સલાહકાર સમિતિનાં સભ્ય હતાં. તેમણે ક્લિવલૅન્ડ મ્યુઝિયમ ઑવ્ આર્ટ, યુનિવર્સિટી ઑવ્ શિકાગો, યુનિવર્સિટી ઑવ્ વર્મોન્ટ તથા ઑક્લૅન્ડની મિલ્સ કૉલેજમાં તેમજ સાન ફ્રાન્સિસ્કોના એશિયન આર્ટ મ્યુઝિયમ, લંડનના બ્રિટિશ મ્યુઝિયમ તથા યુનિવર્સિટી ઑવ્ સસેક્સમાં ભારતીય કલાવિષયક વ્યાખ્યાનો આપ્યાં છે.
1996માં દેસાઈનો સંશોધનગ્રંથ ‘રિલિજિયસ ઇમેજરી ઑફ ખજૂરાહો’ પ્રકાશિત થયા પછી 2૦૦3માં તેમનો બીજો સંશોધનગ્રંથ ‘ખજૂરાહો ; એ મોન્યુમેન્ટલ લીગસી’ ઑક્સફર્ડ યુનિવર્સિટીએ પ્રકાશિત કર્યો. 2૦13માં તેમનો અભ્યાસગ્રંથ ‘આર્ટ ઍન્ડ આઇકોન : એસેઝ ઑન ઇન્ડિયન આર્ટ’ પ્રકાશિત થયો છે. ખજૂરાહોની રતિમગ્ન, મૈથુનગ્રસ્ત અને સંભોગાસનબદ્ધ માનવઆકૃતિઓ પાછળ ગુહ્ય તંત્રમાર્ગી શાક્ત સંપ્રદાયની અલૌકિક તત્ત્વની સાધનાની અભિવ્યક્તિ રહેલી છે એવું દેસાઈ તેમના સંશોધન પરથી ફલિત કરે છે.
અમિતાભ મડિયા