દેસાઈ, ઉપેન્દ્ર ધીરજલાલ (જ. 10 માર્ચ 1925, અમદાવાદ) : ઇલેક્ટ્રૉનિક્સ, કૉસ્મિક કિરણો અને અવકાશવિજ્ઞાનના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર ભારતીય વિજ્ઞાની. તેમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. 1941માં અમદાવાદની ગુજરાત કૉલેજમાં દાખલ થઈ મુખ્ય વિષય ભૌતિકશાસ્ત્ર અને ગૌણ વિષય ગણિતશાસ્ત્ર સાથે 1945માં બી.એસસી. થયા. તેમની કૉલેજ કારકિર્દી સામાન્ય હતી. પણ ઇલેક્ટ્રૉનિક્સમાં તેમને ખૂબ રસ હતો. 1948માં ઇલેક્ટ્રૉનિક્સ સાથે એમ.એસસી.ની મુંબઈ યુનિવર્સિટીની ઉપાધિ મેળવી. ત્યારબાદ ભૌતિકશાસ્ત્રના નિર્દેશક (demonstrator) તરીકે ગુજરાત કૉલેજમાં જોડાયા. આ સમયે ડૉ. વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં ભૌતિક સંશોધન પ્રયોગશાળા(Physical Research Laboratory – PRL)ની સ્થાપના કરી. આ સંસ્થામાં દેસાઈની સંશોધન માટે પસંદગી થઈ. અહીં કૉસ્મિક કિરણોના અભ્યાસ માટે સ્વસંચાલિત ઇલેક્ટ્રૉનિક્સનાં સાધનો વિકસાવી, સંસ્થાનો પાયો મજબૂત કરવામાં તેમણે મહત્વનો ફાળો આપ્યો છે. તેમને સંશોધનકાર્ય ‘ટાઇમ વેરિયેશન ઑવ્ કૉસ્મિક રેઝ’ માટે ગુજરાત યુનિવર્સિટીની પીએચ.ડી.ની ઉપાધિ મળી. 1953થી 56 સુધી પીઆરએલમાં તેમણે પોતાની સેવાઓ આપી.
1956માં કોલંબો યોજનાના ઉપક્રમે દેસાઈએ ઇંગ્લૅન્ડ જઈ લંડન યુનિવર્સિટીની સિટી કૉલેજમાં કૉસ્મિક કિરણો ઉપર સંશોધનકાર્ય કર્યું. 1958માં અમદાવાદ પાછા આવ્યા. 1959માં નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સના ફેલો તરીકે નાસા(National Aeronautics and Space Administration)માં જોડાયા. 1962 સુધી પોસ્ટ ડૉક્ટરલ રેસિડન્સ રિસર્ચ ઍસોસિયેટ તરીકે સંશોધનકાર્ય કર્યું. તે દરમિયાન એમણે ગૉડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટર(GSFC)માં કૉસ્મિક કિરણોના અભ્યાસ માટે કાર્ય કર્યું.
1963માં દેસાઈ ભારત પાછા આવ્યા અને સારાભાઈના અધ્યક્ષપણા નીચે ‘ઇન્ડિયન નૅશનલ કમિટી ફૉર સ્પેસ રિસર્ચ’ (Incospar) અને ‘થુંબા ઇક્વિટોરિયલ રૉકેટ લૉન્ચિંગ સ્ટેશન’(TERLS)ની સ્થાપના કરી. આ સંસ્થા શરૂ કરવામાં દેસાઈએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.
દેસાઈએ અમેરિકા ખાતે કાયમી વસવાટ કર્યો છે. અમેરિકાની સરકારનાં અવકાશક્ષેત્રને લગતાં સંશોધન અને પ્રયોગોમાં ઇલેક્ટ્રૉનિક્સના નિષ્ણાત તરીકે તેમણે મહત્વનો ફાળો આપ્યો છે. અમેરિકાએ અવકાશમાં છોડેલા એપૉલો–IIની ઇલેક્ટ્રૉનિક્સની તમામ કામગીરી દેસાઈએ સંભાળી હતી. આ વિશિષ્ટ અનુભવનો લાભ આપવા તેઓ થોડાક સમય માટે ભારત પાછા આવ્યા અને તેમના સહયોગથી પહેલું રિસર્ચ રૉકેટ થુંબા સ્ટેશનેથી છોડવામાં આવેલું.
કૉસ્મિક કિરણો, ઇલેક્ટ્રૉનિક્સ અને અવકાશ સંશોધનને લગતા તેમના આશરે ત્રીસેક સંશોધનલેખો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં સામયિકોમાં પ્રસિદ્ધ થયા છે. અમેરિકન જિયૉલૉજિકલ યુનિયન, ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇલેક્ટ્રિકલ ઍન્ડ ઇલેક્ટ્રૉનિક પ્રોજેક્ટ, યુ. કે. ની ટૅકનિકલ એડવાયઝરી પૅનલ (સેટેલાઇટ પ્રોજેક્ટ), હિલિયૉસ–બી, જર્મન સેટેલાઇટ અને ગામા-ઍક્સ-કિરણ ઍસ્ટ્રૉનૉમી સમિતિ વગેરેના સભ્ય છે. તેમની વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને સંશોધનકાર્યના સંદર્ભમાં ‘વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર’ 1981માં તેમને એનાયત થયો હતો.
હાલ તેઓ અમેરિકામાં રહી ગામા-રે-બર્સ્ટ ઉપર સંશોધન અને પ્રયોગો કરે છે.
પ્રહલાદ છ. પટેલ