દેસાઈ, અંજની (જ.) : ગૉલ્ફના ક્ષેત્રે અસાધારણ નામના ધરાવનાર અને અર્જુન પુરસ્કાર વિજેતા પ્રથમ મહિલા ખેલાડી. શિક્ષણક્ષેત્રની તેમની ઉજ્જ્વળ કારકિર્દીમાં તેમના વડીલોનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. પિતૃપક્ષે તેઓ જીવણલાલ દીવાન કુટુંબનું અને માતૃપક્ષે ચીમનલાલ સેતલવાડ કુટુંબનું પ્રતિનિધિત્વ કરે છે. માતા શારદાબહેન દીવાન પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી હતાં. આ સૌ કુટુંબીજનોએ બે વાત પાયામાંથી તેમને આગ્રહપૂર્વક શીખવી : એક, અન્યાયો સામે ઝૂઝતા રહેવું અને બે, સ્વબળે વિકસવું.
કૉલેજકાળ દરમિયાન તરણસ્પર્ધાઓમાં ભાગ લઈ તેમણે મુંબઈ યુનિવર્સિટીની તરણસ્પર્ધાની ચૅમ્પિયનશિપ પ્રાપ્ત કરી હતી. ગૉલ્ફ તેમની પ્રિય રમત હોવાથી અભ્યાસકાળ દરમિયાન તે અંગેની વિવિધ સ્પર્ધાઓમાં તેઓ ભાગ લેતાં અને વિજેતા બનતાં. આ રમતના ક્ષેત્રે વિશેષ પ્રયાસોથી તેઓ આગળ વધ્યાં. પરિણામે ઑલ ઇન્ડિયા લેડીઝ ઓપન ઍમેચ્યૉર ગૉલ્ફ ચૅમ્પિયનશિપ જીત્યાં. એશિયાની સૌથી પ્રતિષ્ઠિત ઍમેચ્યૉર ગૉલ્ફરોની – ધ ક્વિન સિરિકટ કપ – સ્પર્ધામાં ભાગ લઈ અગ્રતાક્રમે રહેવાની સિદ્ધિ તેમણે હાંસલ કરી હતી. ગૉલ્ફના ક્ષેત્રમાં અર્જુન પુરસ્કાર પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ મહિલા ખેલાડી બન્યાં.
પતિ નિકી દેસાઈ લાર્સન અને ટુબ્રો કંપનીના પૂર્વ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળવા સાથે તેમને આ કામમાં પ્રોત્સાહિત કરતા રહ્યા હતા. પુત્ર આનંદ દેસાઈને વકીલાતના ક્ષેત્રમાં અગ્રિમ કક્ષાએ પહોંચાડવા સાથે ગૉલ્ફ ચૅમ્પિયન બનાવ્યો. પુત્રી આશા દેસાઈ (હવે આશા નાથ) ઉત્કૃષ્ટ ગાયક અને ભજનિક છે. તેઓ શ્રીમદ્ ભગવદગીતાના શાસ્ત્રીય રાગો પર આધારિત પારાયણગાન માટે જાણીતાં છે. આમ, બંને સંતાનોને વિશિષ્ટ ક્ષેત્રોમાં અગ્રિમ સ્થાને પહોંચાડી તેમણે કૌટુંબિક જવાબદારીઓ સુપેરે નિભાવી છે.
મહારાષ્ટ્ર રાજ્યના બેલગાંવ પાસે વિવિધ ફળોની વાડીમાં 10,000થી વધુ આંબા, ચીકુડી અને નાળિયેરીનાં વૃક્ષો ઉછેરી પર્યાવરણ-જાળવણીના કાર્યમાં તેઓ ઓતપ્રોત થયેલાં છે. આ સાથે સામાજિક ક્ષેત્રે સી કેડૅક્ટ બાળની પ્રવૃત્તિઓમાં સક્રિય છે. મુંબઈના શ્રદ્ધાનંદ આશ્રમ સાથે તેઓ સંકળાયેલાં છે. તે સંસ્થામાં અધ્યક્ષ અને ટ્રસ્ટી તરીકેની જવાબદારી તેઓ અદા કરતાં રહ્યાં છે.
રક્ષા મ. વ્યાસ