દેવાસ : મધ્યપ્રદેશના ઉજ્જૈન વિભાગનો જિલ્લો અને જિલ્લામથક.
ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 22 57´ ઉ. અ. અને 76 03´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાથી વિંધ્યાચળ હારમાળાનો પ્રારંભ થાય છે. જિલ્લાની ઉત્તરે માલવાનો ઉચ્ચપ્રદેશ આવેલો છે, જ્યારે દક્ષિણે નર્મદા નદીનો ખીણવિસ્તાર આવેલો છે. દક્ષિણે નર્મદા નદી વહે છે. આ જિલ્લાની પૂર્વે શેહોર જિલ્લો, દક્ષિણે હરડા અને ખંડવા જિલ્લાઓ, પશ્ચિમે ખારગોન અને ઇન્દોર જિલ્લા, જ્યારે ઉત્તરે ઉજ્જૈન અને શહાજહાંપુર જિલ્લાઓ સીમા રૂપે આવેલા છે.
આ જિલ્લાની પશ્ચિમે માલવાનો ઉચ્ચપ્રદેશ જે લગભગ સમતળ છે. દક્ષિણે ક્રમશઃ ઊંચકાતી વિંધ્યાચળ હારમાળા આવેલી છે. અહીં ચંબલ અને કાળીસિંધ નદીનાં મૂળ આવેલાં છે. જે આગળ જતાં ગંગા નદીને મળે છે. આ વિસ્તારમાં ગ્રૅનાઇટ જેવી નક્કર ખડક-સંરચના ધરાવતા ઉચ્ચપ્રદેશો આવેલા છે. જેની ઊંચાઈ આશરે 840 મીટર છે.
આબોહવા – વનસ્પતિ : આ જિલ્લો સમુદ્રની સપાટીથી આશરે 600થી 800 મીટરની ઊંચાઈ ધરાવે છે. સમુદ્રકિનારાથી દૂર આવેલો છે, આથી આબોહવા લગભગ ખંડીય પ્રકારની છે. પરિણામે ઉનાળામાં મે માસ દરમિયાન તાપમાન 33 સે.થી વધી જાય છે. જ્યારે શિયાળામાં એટલે કે જાન્યુઆરી માસમાં તાપમાન 20 સે. જેટલું રહે છે. અહીં સરેરાશ વરસાદ 3200 મિમી. જેટલો પડે છે. રાત્રિના સમયગાળામાં તાપમાન નીચું અનુભવાય છે. આથી તે શાબ-એ-માલવા (Shab-e-Malva) તરીકે ઓળખાય છે.
અહીં ઊંચાઈ ધરાવતાં ક્ષેત્રોમાં સમશીતોષ્ણ કટિબંધ અને નિમ્નક્ષેત્રોમાં ઉપોષ્ણ કટિબંધીય કુદરતી વનસ્પતિ જોવા મળે છે. આ ક્ષેત્રમાં ઓછાં વિકસિત વૃક્ષો અને ઝાડી ઊગેલાં હોય છે. અહીં સાગ, સાલ, સાદડ, ખેર, ટીમરુ, ચારોળી, પલાસ વગેરે વૃક્ષોનો સમાવેશ થાય છે. ફળાઉ વૃક્ષોમાં કેરી, પપૈયાં, ચીકુ મુખ્ય છે. વાઘ, દીપડો, વાનરો, જરખ, શિયાળ જેવા વન્યજીવો પણ જોવા મળે છે.
અર્થતંત્ર – જોવાલાયક સ્થળો : અહીં મોટે ભાગે સઘન ખેતી થતી જોવા મળે છે. જેમાં ઘઉં, જવ, બાજરો, તેલીબિયાં, કઠોળ, ડાંગર, શેરડી વગેરેની ખેતી લેવાય છે. જંગલપેદાશોમાં ઇમારતી લાકડું, લાખ, ગુંદર, ટીમરુનાં પાન વગેરે મેળવાય છે. પશુપાલનપ્રવૃત્તિ હેઠળ અહીં ગાય, ભેંસ, ઘેટાં, બકરાંનો ઉછેર થતો જોવા મળે છે. નદી કે તળાવો હોય ત્યાં મચ્છીમારી અને મરઘાં-બતકાંનો ઉછેર પણ થતો જોવા મળે છે.
આ જિલ્લામાં ધાર્મિક અને કુદરતી સ્થળો આવેલાં છે. સોનકટરાથી 4 કિમી. દૂર પુષ્પાગિરિ સ્થળે શ્રી દિગંબર જૈન તીર્થક્ષેત્ર આવેલું છે. જે 250 એકરમાં વિસ્તરેલું છે. અહીં જૈન ધર્મના શિક્ષણને લક્ષમાં રાખીને શાળા, હૉસ્પિટલ, મ્યુઝિયમ, આવાસો, વિવિધ ચીજ-વસ્તુઓના સ્ટોલ ઊભા કરાયા છે. 33 મીટર ઊંચી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની સ્થાપના કરાઈ છે.
ખેઓની વન્યજીવ અભયારણ્ય જે કન્નોડ તાલુકામાં આવેલ છે. આ પક્ષી અભયારણ્યમાં 125 પ્રજાતિનાં પક્ષીઓ જોવા મળે છે. ખેઓની વન્યજીવ અભયારણ્યની વિશિષ્ટતા જોઈએ તો તે બાગલી તાલુકામાં પોટલા અને પીપરી ગામ પાસે આવેલું છે. અહીં અનેક ટેકરીઓની હારમાળા આવેલી છે. ભૂતકાળમાં જ્વાળામુખીની પ્રક્રિયાને કારણે તે નિર્માણ પામેલી છે. આ ટેકરીઓ ગ્રૅનાઇટ ખડકોની બનેલી છે. માનવી દ્વારા કેટલાક પીલરો ઊભા કરાયા છે. જેને લાકડાથી થપકારવાથી જુદા જુદા અવાજોના તરંગો ઊભા થાય છે.
ઇન્દોર–નેમાવર રોડ ઉપર ‘ગિદીયા ખોહ’ પાસે જળધોધ આવેલો છે. જે દેવાસથી 48 કિમી. દૂર છે. આ ઉપરાંત અહીં ચામુંડા ટેકરી, સિદ્ધેશ્વર મહાવીર મંદિર, કેલા દેવ મંદિર, શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર વગેરે આવેલાં છે.
પરિવહન – વસ્તી : આ જિલ્લાને સાંકળતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 47 અને રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 52 મહત્ત્વનો છે. આ સિવાય રાજ્ય ધોરી માર્ગો પણ આવેલા છે. આ જિલ્લામાં ત્રણ રેલવેસ્ટેશનો આવેલાં છે. જેમાં દેવાસ જંકશન સૌથી મહત્ત્વનું છે.
આ જિલ્લાનો વિસ્તાર 7,020 ચો.કિમી. છે, જ્યારે વસ્તી (2011 મુજબ) 15,63,715 છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 941 છે. સાક્ષરતાનું પ્રમાણ 70.53% છે. પછાત જાતિ અને આદિવાસીઓનું પ્રમાણ અનુક્રમે 18.67% અને 17.44% છે. અહીં હિન્દી, માલવી, નીમાડી, ઉર્દૂ, ગોન્ડી, બરેલી, ભીલ વગેરે ભાષા બોલાય છે. જેમાં હિન્દી અને માલવીની ટકાવારી 55.51% અને 32.73% છે.
દેવાસ (શહેર) : આ જિલ્લાનું જિલ્લામથક અને શહેર છે.
ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : જે 22 96´ ઉ. અ. અને 76 06´ પૂ. રે. પર આવેલું છે. તેનો વિસ્તાર 50 ચો.કિમી. અને વસ્તી (2011 મુજબ) 2,89,550 છે. તે સમુદ્રની સપાટીથી 535 મીટરની ઊંચાઈએ આવેલું છે.
આ શહેર માલવાના ઉચ્ચપ્રદેશના સમતળ પ્રદેશમાં આવેલું છે. દક્ષિણે વિંધ્યાચળની હારમાળા ક્રમશઃ આગળ જતાં તેની ઊંચાઈ વધતી જતી જોવા મળે છે. આ શહેર કરતપુરા નદીકિનારે વસ્યું છે. ઉનાળામાં સરેરાશ તાપમાન આશરે 35 સે. જ્યારે શિયાળાનું સરેરાશ તાપમાન 18 સે. રહે છે. સરેરાશ વરસાદ 500 મિમી. રહે છે.
અર્થતંત્ર : અહીં 18મી સદીના ગાળામાં અફીણની ખેતી થતી હોવાથી તે વધુ પ્રસિદ્ધ હતું. આ શહેરમાં તાતા ઇન્ટરનેશનલ, કિર્લોસ્કર, આઇશર મોટર, ગજરા ગિયર્સ, સનોહ સ્ટીલ-ટ્યૂબ પ્લાન્ટ વગેરે એકમો કાર્યરત છે. તે ‘ભારતનું સોયનું પાટનગર’ (Soy Capital of India) બન્યું છે. અહીં સોયાબીનની વિવિધ પેદાશો બનાવવાના એકમો કાર્યરત છે. જેમાં કીર્તિ ન્યૂટ્રેન્સ, પ્રેસ્ટિજ ઍગ્રો., ટૅક્, મિત્ત સોયા પ્રોટિન વગેરે જાણીતા છે. અહીં દવા બનાવવાના એકમો આવેલા છે. જેમાં રેનબક્સી અને સન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝનું કામ વધુ છે. અહીં પવનની ગતિ વધુ રહેતી હોવાથી અનેક ‘વિન્ડ મિલ’ સ્થપાયેલી છે. જેમાં ‘સુઝલોન એનર્જી’ કંપની મુખ્ય છે.
ભારતનું ‘સિક્યૉરિટી પ્રિન્ટિંગ ઍન્ડ માઇનિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ’ એકમ કાર્યરત છે. ભારતની ચલણની નોટો અહીં છપાય છે. આ એકમમાં 1440 કારીગરો કામ કરે છે. તેમજ ‘સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઝ સિક્યૉરિટી ફોર્સ’ કોઈ દુર્ઘટના બને તે માટે તૈયાર રાખેલ છે.
પરિવહન : દેવાસ પશ્ચિમ રેલવે વિભાગનું ‘B’ કક્ષાનું રેલવે જંકશન છે. આ સ્ટેશનને ઇન્દોર-ગ્વાલિયરને જોડતી રેલવેનો લાભ મળે છે. જે બ્રૉડગેજ અને સંપૂર્ણ વીજળીકરણ ધરાવે છે. આ શહેર રાષ્ટ્રીય ધોરી માર્ગો ન. 47 અને નં. 52 સાથે સંકળાયેલું છે. આ સિવાય રાજ્યના ધોરી માર્ગ MP SH-18નો પણ લાભ મળે છે. જે ભોપાલ, ઉજ્જૈન અને અમદાવાદને સાંકળે છે. આ શહેરને ઇન્દોરના ‘દેવી અહલ્યાબાઈ હોલ્કર’ હવાઈ મથકનો લાભ મળે છે. દેવાસ પાસે આવેલ ચપડા ગામ પાસે હવાઈ મથક ઊભું થઈ રહ્યું છે.
જોવાલાયક સ્થળો : અહીં દેવી ચામુંડા મંદિર અને દેવી તુલજા મંદિર, જે 91 મીટરની ઊંચાઈએ આવેલ ટેકરી ઉપર આવેલાં છે, જેનું મહત્ત્વ ત્યાં વધુ છે. મરાઠા આર્કિટૅક્ચરે બનાવેલ પવાર છત્રી, શ્રી શીલનાથની ધૂણી, કૈલાદેવી મંદિર, ભગવાન હનુમાનનું મંદિર, મહાદેવનું મંદિર, મહાકાલેશ્વર મંદિર વગેરે જોવાલાયક છે.
વસ્તી : આ શહેરમાં શિક્ષિત લોકોની સંખ્યા 2,15,088 છે. એટલે કે 73% છે. પછાત જાતિની સંખ્યા 56,366 જ્યારે આદિવાસીઓની સંખ્યા 9,861 છે.
આ શહેરમાં પ્રાથમિક, માધ્યમિક શિક્ષણની સંસ્થાઓ ઉપરાંત વિનિયન, વાણિજ્ય તથા વિજ્ઞાનની વિદ્યાશાખાઓ ધરાવતી સરકારી કૉલેજ તથા કૃષિ મહાવિદ્યાલય વગેરે સંસ્થાઓ છે. આ કૉલેજો વિક્રમ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. સંગીત અકાદમી પણ છે.
ઇતિહાસ : શહેરમાં દેવી વૈશાલી ટેકરી આવેલી છે તેને અનુલક્ષીને આ શહેર આજે ‘દેવાસ’ તરીકે ઓળખાય છે. 18મી સદીના પ્રારંભમાં તુકાજીરાવ (સિનિયર) અને જીવરાજ રાવે (જુનિયર) જિલ્લાનો પાયો નાખ્યો. ત્યાર બાદ મરાઠા પેશ્વા, બાજીરાવનું પ્રભુત્વ હતું. 1739માં તે મરાઠા શાસન હેઠળ આવ્યા પછી તેનું મહત્ત્વ વધ્યું. તે દેશી રિયાસત હતું ત્યારે નગરના બે સ્વતંત્ર વહીવટી વિભાગ હતા, જે નાની પાતી (વિભાગ) અને મોટી પાતી નામથી ઓળખાતા. તે બંનેનું પાટનગર દેવાસ હતું. 1922થી ત્યાં પ્રજાકીય શાસનવ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી.
ઉત્તર હિંદુસ્તાની સંગીતના વિખ્યાત ગાયકો રજબઅલીખાં સાહેબ તથા કુમાર ગાંધર્વ ત્યાંના નિવાસી હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
નીતિન કોઠારી