દેવળદેવી : ગુજરાતના વાઘેલા રાજવી કર્ણદેવની પુત્રી. કર્ણદેવે ઈ. સ. 1304માં ગુજરાતની ગાદી ગુમાવ્યા બાદ દેવગિરિના યાદવરાજ રામચંદ્રનો આશ્રય સ્વીકાર્યો અને તે ખાનદેશના નંદરબાર જિલ્લાના બાગલાણના કિલ્લામાં રહ્યો. ત્યાં તેણે નાનકડું રાજ્ય જમાવ્યું. તેની બે પુત્રીઓ પૈકી નાની દેવળદેવી તેની સાથે હતી.
કમળાદેવી કે કૌલાદેવીથી દેવળદેવી ચાર વરસની વયે છૂટી પડી. યાદવરાજ શંકરદેવે તેના પુત્ર સિંઘણદેવ સાથે દેવળદેવીના લગ્નની માગણી કરી, પણ પોતાના કુળથી મરાઠા યાદવરાજનું કુળ ઊતરતું હોવાથી તેણે તેનો અસ્વીકાર કર્યો. ઈ. સ. 1307માં દેવગિરિના રાજ્યે ખંડણી આપવાનું બંધ કરતાં અલાઉદ્દીને મલેક કાફૂરને દેવગિરિ ઉપર ચડાઈ કરવા મોકલ્યો. તે વખતે અલાઉદ્દીનની બેગમ (કર્ણની ભૂતપૂર્વ રાણી) કમળાદેવીએ કર્ણ પાસેથી તેની પુત્રીને બોલાવી મંગાવવા બાદશાહને વિનંતી કરી. કાફૂરે ખાનદેશ પાસેના સુલતાનપુર પાસે સૈન્યનો પડાવ નાખીને દેવળદેવીને સોંપવાના બાદશાહના હુકમની જાણ કરી. કર્ણદેવે તેનો ઇન્કાર કરી બે માસ સુધી શાહી સૈન્યનો સામનો કર્યો. મલેક કાફૂરે અલફખાનને સૈન્યની સરદારી સોંપી દેવગિરિ ઉપર ચડાઈ કરી. સિંઘણદેવે તેના ભાઈ ભિલ્લમદેવને કર્ણદેવ પાસે દેવળદેવી સાથે લગ્નની માગણી કરવા મોકલ્યો. સંજોગો વિચારીને કર્ણદેવે આ માગણી સ્વીકારી અને ભિલ્લમદેવ સાથે દેવળદેવીને મોકલી. રસ્તામાં જતાં અલફખાનના લશ્કરની ટુકડીને કર્ણના માણસોનો ભેટો થયો અને બંને પક્ષો વચ્ચેની લડાઈ દરમિયાન દેવળદેવીને તીર વાગતાં ઘોડા ઉપરથી પડી ગઈ. દાસીના ઉચ્ચારણને કારણે તેને મુસ્લિમ સૈનિકોએ ઓળખી કાઢી અને તેને કેદ પકડી દિલ્હી મોકલી. દેવળદેવી આ વખતે નવ વરસની હતી. ત્યાં દેવળદેવી દશ વરસના શાહજાદા ખિઝરખાનના પ્રેમમાં પડી. ખિઝરખાનની માતાના વિરોધને કારણે તે વખતે તેમનું લગ્ન થઈ શક્યું નહીં. આશરે પાંચ વરસ બાદ ખિઝરખાનનાં દેવળદેવી સાથે લગ્ન થયાં. અલાઉદ્દીનની વૃદ્ધાવસ્થા દરમિયાન મલેક કાફૂરની ભંભેરણીથી ખિઝરખાનને ગ્વાલિયરના કિલ્લામાં કેદ રખાયો. મલેક કાફૂરે તેની આંખો ફોડી નખાવી અને પછી તેનું ખૂન પણ કરાવ્યું. ખિઝરખાનને દેવળદેવી ચાહતી હતી એટલે મૃત પતિને વળગી પડી. મલેક કાફૂરનું ખૂન થયા પછી અલાઉદ્દીનના ત્રીજા પુત્ર મુબારકશાહના ખૂન બાદ તે ખુસરોખાનના જનાનખાનામાં રહી. ખુસરોખાનના ખૂન બાદ આ અભાગી નારીના કરુણ જીવનનો અંત આવ્યો.
દેવળદેવી અને ખિઝરખાનની પ્રણયકથાનું અમીર ખુસરોએ ‘દેવળરાની વ ખિઝરખાન’ ઉર્ફે ‘આશિકા’ મહાકાવ્યમાં વિગતથી નિરૂપણ કરેલ છે. ઈસામીએ પણ ‘ફતૂહ – ઉસ – સલાતીન’ ગ્રંથમાં આ પ્રેમકથાની ટૂંકમાં વિગત આપી છે. કેટલાક ઇતિહાસકારો આ પ્રેમકથાની ઘટના સત્ય નથી એમ જણાવે છે.
શિવપ્રસાદ રાજગોર