દેવસેન (ઈ. સ. 893–943) : દિગંબર જૈન આચાર્ય. દેવસેન વિમલસેન ગણધરના શિષ્ય હતા. પોતાની કૃતિ ‘દર્શનસાર’માં તેમણે બધા સંઘોને જૈનાભાસ તરીકે ઓળખાવ્યા હોવાથી સંભવત: તેઓ મૂળસંઘના હશે એવો નથ્થુરામ પ્રેમીનો મત છે. માથુર સંઘની ગુર્વાવલિ અનુસાર તેઓ વિમલગણિના શિષ્ય તથા અમિતગતિ પ્રથમના પુત્ર હતા.

તેમણે સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક ગ્રંથો લખ્યા હતા. તેમાં ‘દર્શનસાર’ (પ્રા.), ‘ભાવસંગ્રહ’ (પ્રા.), ‘આરાધનાસાર’ (પ્રા.), ‘તત્વસાર’ (પ્રા.), ‘જ્ઞાનસાર’ (પ્રા.), ‘નયચક્ર’ (પ્રા.), ‘આલાપપદ્ધતિ’ (સં.) અને ‘ધર્મસંગ્રહ’(સં.પ્રા.)નો સમાવેશ થાય છે. નથ્થુરામ પ્રેમી અનુસાર ‘દર્શનસાર’, ‘ભાવસંગ્રહ’, ‘આરાધનાસાર’ અને ‘તત્વસાર’ જ દેવસેનની કૃતિઓ છે. અન્ય કૃતિઓનું તેમનું કર્તૃત્વ શંકાસ્પદ છે.

સલોની નટવરલાલ જોશી