દેલવાડાનાં મંદિરો : સોલંકીકાલ દરમિયાન ગુજરાતના મંદિર સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ મંદિરોનું નિર્માણ થયું તેમાં આબુ પર્વત પર દેલવાડાના સ્થળે આવેલાં આ મંદિરો શિરમોર છે. આબુ પર્વત ઉપર દેલવાડાના સ્થળે આવેલાં હોવાથી આબુ પરનાં મંદિરો કરતાં દેલવાડાના મંદિરો કે દેરાં તરીકે લોકોમાં વધુ જાણીતા છે. સોલંકી રાજા ભીમદેવ 1લાના મંત્રી વિમલ શાહે વિ.સં. 1088 (ઈ. સ. 1031-32)માં અહીં બંધાવેલું મંદિર ‘વિમલવસહી’ (વિમલવસતિકા) નામે ઓળખાય છે. મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, નવ ચોકી, રંગમંડપ, દેવકુલિકાઓ, બલાણક, હસ્તિશાલ અને તોરણ વગેરે સ્થાપત્યકીય અંગો આવેલાં છે. એમાં કુલ 117 મંડપો અને 121 સ્તંભો છે. ગર્ભગૃહ અને એની સાથે જોડાયેલ ગૂઢમંડપ (એનાં ઉત્તર-દક્ષિણનાં દ્વારો તથા તેમની સાથે જોડાયેલ ચોકીઓ સિવાય) મંત્રી વિમલના સમયના હોવાનું સ્પષ્ટ થાય છે. ગર્ભગૃહ અને ગૂઢમંડપ બહારથી તદ્દન સાદાં છે અને તેમની ઉપરના આચ્છાદન સાદા ફાસના ઘાટનાં છે. નવચોકી, રંગમંડપ અને દેવકુલિકાઓ સામેની પડાળીના સ્તંભો અને છતોમાં ખૂબ જ સુંદર કોતરણી કરેલી છે. ગર્ભગૃહની દ્વારશાખા પ્રાચીન નથી તેમજ મૂળનાયક-આદિનાથની પ્રતિમા પણ ઈ. સ. 1322ના જીર્ણોદ્ધારના સમયની છે. ગૂઢમંડપ આગળની ષટ્ચોકી (છ ચોકી)ની રચના વિમલના કુટુંબી ચહિલ્લે કરાવી હોય તેમ જણાય છે. આ છ ચોકીનું નવચોકીયા રૂપાંતર કુમારપાલના મંત્રી પૃથ્વીપાલે રંગમંડપના જીર્ણોદ્ધારના સમયે (ઈ. સ. 1150) કરાવ્યું હોય એમ જણાય છે. આ જ પૃથ્વીપાલે મંદિરની સામે એના પૂર્વજોની સ્મૃતિમાં હસ્તિશાલા રચાવી હોવાનું જાણવા મળે છે. મંદિરની ચોતરફ દેવકુલિકાઓ પણ પૃથ્વીપાલના સમય(ઈ. સ. 1144-1187)માં બંધાઈ હતી. હસ્તિશાલાને ચાર દ્વાર છે.
પૂર્વના દ્વારે બે મોટાં દ્વારપાલનાં શિલ્પો છે. અને એને અડીને જ અલંકૃત તોરણ છે. હસ્તિશાલાની અંદર સામે જ અશ્વારુઢ વિમલમંત્રીની છત્રધારી મૂર્તિ છે. આ ઉપરાંત અહીં આરસના દસ હાથીઓ ગોઠવેલા છે. હસ્તિશાલાની વચ્ચે આદિનાથનું સમવસરણ છે. હસ્તિશાલા અને મંદિરની વચ્ચે સભામંડળની રચના છે. મંદિરના ગભારામાં મૂળ નાયક ઋષભદેવની સપરિકર-પંચતીર્થી પ્રતિમા છે. મંદિરમાં ઠેર ઠેર વિમલના વંશજોની મૂર્તિઓ અને અભિલેખો આવેલા છે. અહીંની શિલ્પ સમૃદ્ધિમાં સપરિકર તીર્થંકરની મૂર્તિઓ, ચોવીસીનો પટ્ટ, સમવસરણ, સાધુ-સાધવીઓ, શ્રાવક-શ્રાવિકાઓ, અંબિકા, સોળ વિદ્યાદેવીઓ, ભરત-બાહુબલિ યુદ્ધ, પંચકલ્યાણક, કાલીયમર્દન, નૃસિંહ, સરસ્વતી, લક્ષ્મી, 56 દિક્કુમારિકાઓ વગેરેનો સમાવેશ થાય છે. મંદિરના સ્તંભો સપ્રમાણ અને કંડારકામની ર્દષ્ટિએ ઘણા જ પ્રશંસનીય છે. તે જ રીતે મંદિરની છતની વિવિધ પ્રકારની વિતાનો નયનરમ્ય અને આકર્ષક છે.
વિમલવસહીની સામે તેજપાલે નેમિનાથનું મંદિર બંધાવ્યું હતું જે એના પુત્ર લૂણસિંહના નામ પરથી તે લૂણવસહી નામે જાણીતું છે. આ મંદિરની યોજના અને કારીગરી વિમલવસહીને મળતી આવે છે. મંદિરનાં અંગોમાં ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, નવચોકી, રંગમંડપ, દેવકુલિકાઓ, બલાણક (દ્વારમંડપ) અને હસ્તિશાલાનો સમાવેશ થાય છે. કદની ર્દષ્ટિએ આ મંદિર વિમલવસહી કરતાં મોટું છે. ગર્ભગૃહની નેમિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા વિજયસેનસૂરિના હાથે વિ.સં. 1287(ઈ. સ. 1230–31)માં થઈ હતી. ગર્ભગૃહ અને ગૂઢમંડપનો જીર્ણોદ્ધાર પેથડશાહે વિ. સ. 1378માં કરાવ્યો હતો. નવચોકીની બંને બાજુએ એક એક સુંદર કોતરણીવાળા બે મોટા ગવાક્ષ છે જેમને લોકો દેરાણી-જેઠાણીના ગોખલા તરીકે ઓળખે છે. વાસ્તવમાં આ બંને ગવાક્ષ તેજપાલે પોતાની બીજી પત્ની સુહડાદેવીના શ્રેયાર્થે કરાવ્યા હતા. આ મંદિરની કોતરણી પણ વિમલવસહીનાં શિલ્પો જેવી અપૂર્વ છે. તીર્થંકરો અને મહાપુરુષોના જીવનપ્રસંગો બારીકાઈથી કોતરેલા છે. દીવાલો તથા સમતલ છતોમાં જૈન ધર્મને લગતાં જુદાં જુદાં ભાવ-ર્દશ્યો કોતરેલાં છે. એમાં અશ્વાવબોધ અને સમળી વિહારતીર્થ, ચોવીસીના પટ્ટ, વિદ્યાદેવી, ઇન્દ્ર, કિન્નર, કૃષ્ણજન્મ, દ્વારકાનગરી, ગિરનારનાં મંદિરો, અરિષ્ટનેમિની વરયાત્રા, નેમિચરિત્ર, પાર્શ્વનાથચરિત્ર, સરસ્વતી, અંબિકા વગેરેનું આલેખન થયેલું છે. હસ્તિશાલાની વચ્ચે મૂલ નાયક આદિશ્વરની સપરિકર ભવ્ય મૂર્તિ છે. મંદિરનું સ્તંભવિધાન વિમલવસહીને મળતું આવે છે. રંગમંડળ અને ચોકીનાં વિતાનોની છતોનું વૈવિધ્ય ઘણી ઉત્કૃષ્ટ કોટિનું છે.
થૉમસ પરમાર